માટીની જ્વેલરી પહેરી મેળવો યુનિક લુક

Saturday 23rd January 2021 07:53 EST
 
 

સામાન્ય રીતે આપણે માટીના ઘરથી માંડીને માટીનાં રમકડાં જોયાં હોય છે. રાજસ્થાનમાં વિશાલા ગામમાં ઝમિન ખાનનો પરિવાર એવો છે કે જેઓ ચાર દાયકાથી વધુ સમયથી માટીમાંથી ઘરેણાં બનાવે છે. આ પરિવાર માટીની જ્વેલરી બનાવીને તેને વિદેશના માર્કેટમાં વેચે છે. આ ઉપરાંત સરકારી મેળામાં પણ અમે આ જ્વેલરીનું વેચાણ કરીએ છીએ. આ પરિવારના સભ્યો કહે છે કે, વિદેશમાં લોકો આ જ્વેલરીને ઘણી પસંદ કરે છે. તેથી રાજસ્થાનમાં બનતી માટીની જ્વેલરીને વિદેશ એક્સપોર્ટ પણ કરાય છે. રાજસ્થાન સિવાય પણ અન્ય રાજ્યોમાં પણ માટીમાંથી ઘરેણા બનાવવાનું કામ ચાલે છે.

રાજસ્થાનમાં માટીમાંથી લોકેટ, નેકલેસ, હાથ - પગનાં કડાં, બુટ્ટી વગેરે જેવી જ્વેલરી તૈયાર થાય છે. માટીને જુદા જુદા આકાર આપીને તેના પર વિવિધ રંગો કરીને આ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ જ્વેલરી રાજસ્થાની પારંપરિક લૂક આપે છે. માટીની જ્વેલરીમાં ફૂલ – પત્તાં, પક્ષીઓનાં આકાર દોરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત પૌરાણિક પ્રસંગનું દૃશ્ય પણ નેકલેસમાં કોતરીને કે ડ્રો કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. રાજા - રાણીના પ્રસંગોનું ચિત્ર ધરાવતી માટીની જ્વેલરી ગ્રાહકોમાં ખૂબ જ પ્રિય છે અને તેની માગ પણ ઘણી રહેતી હોવાનું જાણવા મળે છે.

આ કામ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, માટીની જ્વેલરી ઘણી હેવિ હોવાથી તે પહેરાતાં માનુનીઓ જાજરમાન લાગે છે. માટીની જ્વેલરીમાં માટી સાથે આભલા, કોડી, ફૂમતાં, પીંછા, મોતી, સ્ટોન્સનું કોમ્બિનેશન ખાસ પસંદ કરવામાં આવે છે. ગોલ્ડન કે સિલ્વર તાર અથવા સિક્કા સાથે માટીના કોમ્બિનેશનથી બનેલી માટીની જ્વેલરી પણ રજવાડી લૂક આપે છે.

માટીની જ્વેલરી દેખાવમાં ખૂબ જ હેવિ લૂક આપે છે, પણ સાથે સાથે તેનું વજન પણ ખૂબ જ વધુ હોય છે. આ ઉપરાંત માટીની જ્વેલરીને પાણીથી દૂર રાખવાની રહે છે કારણ કે માટીની જ્વેલરીને પાણી લાગતાં તે ખરાબ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter