માનસિક શાંતિ માટે આઇટી સેક્ટરની જોબ છોડી મહિલા બની ઓટો ડ્રાઇવર

Friday 18th September 2026 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ આજના સમયમાં મોટી સેલરી અને અત્યાધુનિક ઓફિસને જ સફળતાની નિશાની માનવામાં આવે છે, પરંતુ ક્યારેક માનસિક શાંતિ પૈસા કરતાં વધુ મહત્વની બની જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ એક એવી મહિલાની પ્રેરણાદાયી વાર્તા વાયરલ થઈ રહી છે, જેણે માનસિક સંતોષ માટે પોતાની નવ વર્ષ લાંબી આઇટી કરિયરને કાયમ માટે અલવિદા કહી દીધું અને આજે ઓટો ચલાવીને પોતાનું ઘર ચલાવી રહી છે.
આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે સીઈઓ નેઝરીન મિધલાજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મહિલા ઓટો ડ્રાઇવર સાથેની મુલાકાતનો અનુભવ શેર કર્યો. જોકે વીડિયોમાં એ સ્પષ્ટ કરાયું નથી કે તે યુવતીનું નામ શું છે કે ક્યા શહેરનો આ વીડિયો છે. નેઝરીનના જણાવ્યા અનુસાર, મહિલા ખૂબ જ આત્મવિશ્વાસુ અને શાંત દેખાતી હતી. જ્યારે તેમને ઓટો રીક્ષા ચાલકના ક્ષેત્રમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આઇટી સેક્ટરમાં કામનું દબાણ અને માનસિક તણાવ એટલી હદે વધી ગયો હતો કે તેની અંગત જિંદગી પ્રભાવિત થઈ રહી હતી. અંતે, તેમણે પૈસા કરતાં માનસિક શાંતિને પ્રાથમિકતા આપીને નોકરી છોડવાનો સાહસિક નિર્ણય લીધો.
અલબત્ત, પુરુષોના વર્ચસ વાળા આ વ્યવસાયમાં પગ મૂકવો સરળ નહોતો, પરંતુ સમાજની પરવા કર્યા વિના તેમણે ઓટો ચલાવવાનું શરૂ કર્યું. આજે તેઓ આ કામથી મહિને અંદાજે 60 હજાર રૂપિયા કમાઈ લે છે. જોકે, તેમના માટે કમાણી કરતાં વધુ મહત્વની પોતાની ખુશી અને આઝાદી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter