માનુનીઓના તન-મન પર રાજ કરશે સ્ટેટમેન્ટ જવેલરી

Wednesday 23rd February 2022 08:30 EST
 
 

કોઇ પણ સ્ત્રી માટે સમય અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રોનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ જ્વેલરી અને એક્સેસરીઝનું હોય છે. જોકે જવેલરી અને એક્સેસરીઝની દુનિયા એવી છે કે તેમાં સતત પરિવર્તન આવતા રહે છે. આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ વર્ષે સ્ટેટમેન્ટ જ્વેલરીની બોલબાલા રહેશે. આઉટફિટ પરંપરાગત હોય કે મોડર્ન, પણ તેની સાથે શોભી ઉઠે, તમારું વ્યક્તિત્વ નિખારે તે પ્રકારની સ્ટેટમેન્ટ જ્વેલરી માર્કેટમાં ઉપલબ્ધ છે. કંઇક આવી જ બિગ, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ જ્વેલરીની ઝલકઃ

• લેયરિંગ એક્સેસરી: આ વર્ષના જ્વેલરી ટ્રેન્ડની વાત કરીએ તો, લેયરિંગ એક્સેસરીનો ટ્રેન્ડ સૌથી વધારે ચર્ચામાં રહેશે. રિંગ્સ, બ્રેસલેટ કે પછી નેકપીસ... આ તમામ એક્સેસરીમાં લેયરિંગ સ્ટાઇલ સૌથી લોકપ્રિય બનશે. આમાં મલ્ટીસ્ટોન પીસનું નાજુક ચેન સાથે કોમ્બિનેશન કરીને લેયરિંગ સ્ટેટમેન્ટ પીસ બનાવી શકાય છે.
• સિલ્વર જ્વેલરી: આ વર્ષે સિલ્વર સ્ટેટમેન્ટ જ્વેલરીની લોકપ્રિયતામાં વધારો થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. સોનું પ્રમાણમાં મોંઘું પડતું હોવાના કારણે એમાં હેવી ડિઝાઇન થોડી ખર્ચાળ બની જાય છે. આ સંજોગોમાં સિલ્વરનો વિકલ્પ વધારે લોકપ્રિય બન્યો છે. વળી, સિલ્વરમાં જિયોમેટ્રિક ડિઝાઇન વધારે આકર્ષક લુક આપે છે. આ સિલ્વર સ્ટેટમેન્ટ જ્વેલરીમાં નાજુક ડિઝાઇન અને બોલ્ડ તેમજ હેવી ડિઝાઇન એમ બંને પ્રકારની સ્ટાઇલ લોકપ્રિય છે.
• સ્ટાઇલિશ ઇયરિંગ્સ: માર્કેટમાં ઇયરિંગ્સની અઢળક વેરાયટી ઉપલબ્ધ છે, પરંતુ આ બધામાં અલગ પડે છે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ. આમાં પણ શેન્ડલિયર ઇયરિંગ્સથી માંડીને ચંકી ઇયરિંગ્સ સુધીની રેન્જ માનુનીઓને બહુ પસંદ પડે છે. આ સ્ટાઇલના ઇયરિંગ્સ ટ્રેડિશનલ ડ્રેસ પર વધારે સારા લાગે છે. આ સિવાય વજનમાં હળવાં હોય એવાં સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પણ મળે છે. આ પહેરવાથી કાનની બૂટને કોઇ નુકસાન નથી થતું. વળી, આ નાજુક ઇયરિંગ્સ અનેક રંગના મળે છે એટલે એને સરળતાથી દરેક રંગના ડ્રેસ સાથે મેચ કરીને પણ પહેરી શકાય છે.
• બ્લિંગી ચોકર્સ: આ વર્ષમાં નાની અને નાજુક ચેનની નહીં પણ બિગ અને બોલ્ડ સ્ટેટમેન્ટ ચોકર્સની બોલબાલા રહેશે. જો તમારાં જ્વેલરી બોક્સમાં બ્લિંગી ચોકર્સ હોય તો એને નજરની સામે રહે એમ જ રાખો. આ ગ્લેમરસ બ્લિંગી ચોકર્સને સામાન્ય ડ્રેસ સાથે પહેરવાથી આખો લુક જ બદલાઇ જશે અને તમને મિનિટોમાં ગ્લેમરસ લુક મળી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter