માનુનીઓને મધ્ય પ્રદેશનું નજરાણુંઃ મહેશ્વરી સાડી

Wednesday 10th December 2014 09:59 EST
 

દંતકથા અનુસાર, રાણી અહલ્યાબાઈએ સુરત અને માળવાથી વણકરો બોલાવીને તેમની પાસે રાજવી અતિથિઓ અને સંબંધીઓને ભેટ આપવા ખાસ નવ મીટરની સાડી તૈયાર કરાવી હતી. આ વણકરો દ્વારા તૈયાર થયેલી સાડીઓ મહેશ્વરી સાડી તરીકે પ્રખ્યાત બનતી ગઈ. એવું કહેવાય છે કે પહેલી સાડીની ડિઝાઈન રાણી અહલ્યાબાઈએ જાતે બનાવી હતી. પહેલાં તો આ સાડીઓ રાજવી ઘરાનાની મહિલાઓ જ પહેરતી હતી, પરંતુ હવે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટોમાં પણ મળે છે.

મહેશ્વરી સાડી એવી પ્રકારની સાડી છે કે તેની છટાની બરાબરી કોઈ ન કરી શકે. મધ્ય પ્રદેશમાં આવેલું મહેશ્વર રાજકીય અને સાંસ્કૃતિક રીતે તો મહત્ત્વનું કેન્દ્ર છે જ, પરંતુ એ આ શહેરની વિશેષતા ખાસ પ્રકારની મહેશ્વરી સાડી માટે પણ લોકપ્રિય છે. સાડીની બોર્ડર અને બોડી વચ્ચેના સપ્રમાણ સંતુલનને કારણે આ સાડી ભારતભરમાં પ્રખ્યાત છે. શરૂઆતમાં મહેશ્વરી સાડી પ્યોર સિલ્કમાંથી જ વણાતી, પરંતુ ધીરે ધીરે આ સાડીઓ પ્યોર કોટન તથા કોટન અને સિલ્કના મિશ્રણમાંથી પણ બનવા માંડી છે.

પ્યોર સિલ્કની સાડી તેની મજબૂતાઈ, લચીલાપણા અને કાપડના અદભુત લસ્ટરને કારણે પ્રખ્યાત છે. આજે તો હવે આ સાડીઓ નેચરલ તેમ જ આર્ટિફિશિયલ સિલ્કમાં પણ મળે છે. મહેશ્વરી સાડીની ખાસિયત એ છે કે તેની રંગીન બોર્ડર સાંકડી અને જરીવાળી હોય છે અને બોડીમાં નાની ચેક્સ, સાંકડી પટ્ટીઓ કે સોલિડ કલર હોય છે.

ટિપિકલ મહેશ્વરી સાડી કયાં તો ચેક્સ, સ્ટ્રાપ્સવાળી કે પ્લેઈન હોય છે. આ સાડીના બોર્ડર અને પાલવ જ તેને પૈઠણી, પટોળા, કાંજીવરમ્ અને અન્ય સાડીઓથી તેને જુદાં પાડે છે. અસલમાં તો આ સાડીના પાલવમાં પાંચ પટ્ટા આવતા હતા - ત્રણ કલર અને બે વ્હાઈટ, જે એકાંતરે રહેતા હતા.

બુગડી તરીકે ઓળખાતી આ સાડીની રિવર્સેબલ બોર્ડર કોઈ પણ સાઇડથી પહેરી શકાય અને એ જ એની લાક્ષણિકતા છે. કર્ણફૂલ પેટર્નમાં ફૂલપાનની ઘણી વેરાયટી જોવા મળે છે, જે પ્રમાણમાં લોકપ્રિય છે. પરંતુ હવે બદલાતી માંગ અને ટેસ્ટને ધ્યાનમાં રાખી મહેશ્વરીના ફેબ્રિક અને ડિઝાઈનમાં ઘણા પ્રયોગો કરવામાં આવે છે. મહેશ્વરી સાડીમાં જરી અને કિનારીનો ઉપયોગ પણ અદભુત છે. સાડીના બોડી, બોર્ડર અને પલ્લુની ડિઝાઈન અને ચિત્રો વણવા માટે સોનેરી દોરાનો ઉપયોગ થાય છે.

મહેશ્વરી કાપડ તેના ઓછા વજન, લચીલાપણા અને બારીક દોરાને કારણે જાણીંતુ છે અને ઉનાળામાં પહેરવા માટે પરફેક્ટ છે. ઓરિજિનલ મહેશ્વરી સાડી મરૂન, રેડ, ગ્રીન, પર્પલ અને બ્લેક જેવા શેડ્સમાં તૈયાર થતી. વણકરો માત્ર નેચરલ કલર્સનો જ ઉપયોગ કરતા હતા. જોકે આજે મહેશ્વરી સાડીઓ ફૂલો, મૂળ અને પાંદડાને બદલે કેમિકલ્સમાંથી મળતા જવેલ ટોન્સમાં બનાવવામાં આવે છે. આજે લોકો સોનેરી-રૂપેરી દોરાના મિશ્રણવાળા બ્લ્યૂ, મોવ, પિન્ક, યલો અને ઓરેન્જ કલર્સની સાડી પસંદ કરે છે. આ સાડીના બોડી, બોર્ડર અને પલ્લુ પર સુંદર ચિત્રો વણવા માટે જરી કે સોનેરી દોરાનો ઉપયોગ પણ થાય છે. મહેશ્વરી કાપડની ખાસ લાક્ષણિકતા છે એનાં ચિત્રો આજે પણ મોટા ભાગે ભૌમિતિક હોય છે. એકદમ સામાન્ય ચિત્રોમાં ચટાઈ (ગૂંથેલી સાદડીની) પેટર્ન, બ્રીક પેટર્ન, ડાયમન્ડ પેટર્ન અને ચમેલી કા ફૂલ પેટર્નનો સમાવેશ થાય છે. આ તમામ જ ડિઝાઈન મહેશ્વર કિલ્લાની દીવાલો, ગોખલા અને ગુંબજો પર કરેલા નકશીકામથી પ્રભાવિત છે.

મહેશ્વરી સાડી અનેક વેરાઇટીમાં મળે છે. ‘ચંદ્રકળા’ અને ‘બૈગની ચંદ્રકળા’ પ્લેઇન મહેશ્વરી સાડીઓ છે. જ્યારે ચેક્સ અને સ્ટ્રાઈપવાળી સાડી ‘ચંદ્રતારા’, ‘બેલી’ અને ‘પરબી’ નામે ઓળખાય છે. જોકે આજે તો ઘણા ડિઝાઈનર્સ જુદી જુદી પેટર્ન અને ડિઝાઈનની ડિઝાઈનર્સ મહેશ્વરી સાડી બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter