વોશિંગ્ટનઃ એક સરવેના તારણ અનુસાર, મિલેનિયલ માતાઓ (1981-1996 વચ્ચે જન્મેલી) સૌથી વધુ માનસિક રીતે થાકેલી અને અસંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ‘ટોકર રિસર્ચ’ દ્વારા ‘ઈટ્સ એ ફેમિલી થિંગ’ સાથે મળીને બે હજાર મહિલાઓને આવરી લઇ આ સરવે કરવામાં આવ્યો હતો.
આમાં લગભગ અડધી મિલેનિયલ માતાઓએ પોતાને માનસિક રીતે ભાંગી પડેલી ગણાવી હતી. જ્યારે 19 ટકાએ કહ્યું કે તેઓ અસંતોષ અને નારાજગી અનુભવે છે. આ દર બેબી બૂમર્સ (1946-1964) માતાઓની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારે રહ્યો છે. સરવે મુજબ, મિલેનિયલ માતાઓ અન્ય પેઢીઓની સરખામણીએ સૌથી વધુ માનસિક રીતે થાકેલી અને રોષિત જોવા મળી છે. લગભગ 49 ટકા મિલેનિયલ માતાઓએ પોતાને માનસિક રીતે ભાંગી પડેલી ગણાવી હતી.
સરવેમાં 40 ટકા માતાઓએ જણાવ્યું કે ઘર વ્યવસ્થિત ચલાવવા છતાં તેમને તેનો જશ (ક્રેડિટ) મળતો નથી. તેમને આરામ કરવા અને પોતાની જાતને તાજગી આપવા માટે સમયની જરૂર છે, પણ સમય મળતો નથી. રિપોર્ટ અનુસાર, 19 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતી માતાઓ વર્ષના લગભગ 20 કાર્યકારી દિવસો માત્ર પરિવારના સભ્યોને વિવિધ કામ યાદ અપાવવામાં જ ગુમાવે છે. સંશોધન દર્શાવે છે કે ઘરના 71 ટકા માનસિક કાર્યો (જેમકે શિડ્યુલિંગ, પ્લાનિંગ અને ઓર્ગેનાઈઝિંગ) માતાઓ એકલા હાથે જ સંભાળે છે.


