વોશિંગ્ટનઃ જર્મનીની લકવાનો ભોગ બનેલી એન્જિનિયર મિશેલા બેન્થોસ અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ બની છે. જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના વેસ્ટ ટેક્સાસમાંથી ઉપડેલા સ્પેસશિપમાં પાંચ અવકાશયાત્રીઓમાં મિશેલા બેન્થોસનો પણ સમાવેશ થતો હતો. જોકે બેન્થોસે દસ મિનિટની સ્પેસ સ્કિમિંગ ફ્લાઇટમાં થોડાઘણા એડજસ્ટમેન્ટ કરવા પડ્યા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
બેન્થોસની સાથે સ્પેસેક્સના નિવૃત્ત એક્ઝિક્યુટિવ જર્મનીના જ હાન્સ કોનિંગ્સમેન હતા, જેમણે બ્લુ ઓરિજિનની સાથે મળીને તેમની ટ્રીપને સ્પોન્સર કરી હતી. જોકે તેની ટિકિટ પ્રાઈસ જાહેર કરાઇ નથી. બ્લુ ઓરિજિનના એન્જિનિયર જેક મિલ્સે જણાવ્યું હતું કે ઓટોનોમસ ન્યુ શેપર્ડ કેલ્સના કારણે આ શક્ય બન્યું છે. અગાઉની સ્પેસ ફ્લાઈટ્સની તુલનાએ તેમાં સ્પેસ વધારી હતી. તેમણે લોન્ચિંગ દિવસે મદદ કરનારી ક્રૂ ટીમને તાલીમ આપી હતી. ઉલ્લેખનીય છે કે બેન્થોસ સાત વર્ષ પહેલાં પર્વતમાળામાં બાઇકિંગ વખતે કરોડરજ્જુમાં થયેલી ઈજાના કારણે ચાલી પણ શકતી નથી. તેની પાસે પ્રોસ્થેટિક પગ પણ નથી. આ સ્પેસ ફ્લાઈટમાં કોનિંગ્સમેન સતત તેની મદદમાં રહ્યો હતો. બેન્થોસની યાત્રાએ પુરવાર કર્યું કે દિવ્યાંગ પણ સ્પેસમાં જઈ શકે છે.
33 વર્ષીય બેન્થોસ હોલેન્ડમાં યુરોપીયન સ્પેસ એજન્સીના ગ્રેજ્યુએટ ટ્રેઇની પ્રોગ્રામનો હિસ્સો હતી. તેણે 2022માં હ્યુસ્ટનમાં પેરાબોલિક એરપ્લેન ફ્લાઈટમાં વજનવિહીન સ્થિતિનો અનુભવ કર્યો હતો. આના બે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં તેણે પોલેન્ડમાં બે સપ્તાહના સિમ્યુલેટેડ સ્પેસ મિશનમાં ભાગ લીધો હતો. તેણે સ્પેસમાં જવા માટે કોનિંગ્સમેન સાથે પ્રેક્ટિસ કરી હતી. કેપ્સ્યુલ્સ રોકેટની ટોચ પર હોવાથી સાત માળની લિફ્ટ પણ ગોઠવવામાં આવી હતી.
બેન્થોસે જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું સ્પેસ ફ્લાઈટમાં જઈ શકીશ, કારણ કે સુપર હેલ્ધી વ્યક્તિ માટે પણ તે અત્યંત કપરી હોય છે. તેમાં પણ મારા જેવી દિવ્યાંગ માટે તો કલ્પના પણ ન થઈ શકે. મોટરબાઇકના અકસ્માતના કારણે તો મને લેશમાત્રા આશા ન હતી કે હતી કે હું સ્પેસમાં જઈ શકીશ.
બેન્થોસે જણાવ્યું કે કોનિંગ્સમેને ગયા વર્ષે બ્લુ ઓરિજિનની સ્પેસ ફ્લાઈટ માટે મારો સંપર્ક સાધ્યો અને ત્રણેક મિનિટ કરતાં વધુ સમય માટે વજનવિહીન સ્થિતિનો અનુભવ થશે તેમ જણાવ્યું હતું. તે સમયે મેં વિચાર્યુ કે તેને કદાચ મારા અંગે ગેરસમજ થઈ છે, પરંતુ તેવું કશું નહોતું. મેં તો તરત જ સ્પેસલાઈટ માટે સહી કરી દીધી. આ પાંચ પેસેન્જર સાથે બ્લુ ઓરિજિનના સ્પેસ પેસેન્જરનો કુલ આંકડો 89ને વટાવી ગયો છે.


