મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાં ભારતવંશી અમ્રિતા

Wednesday 28th September 2022 04:40 EDT
 
 

લંડનઃ એનએચએસમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય અમ્રિતા સૌંદ પોતાની પ્રથમ સૌંદર્યસ્પર્ધામાં જ મિસ બર્મિંગહામનો ખિતાબ જીતવા સાથે આગામી મહિને યોજાનારી મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાં પહોંચી છે. નોંધપાત્ર બાબત એ છે કે અમ્રિતાને 12 વર્ષની નાની વયથી જ ત્વચા પર સફેદ દાગનો રોગ વિટિલિગો (Vitiligo) થયો હતો જેનાથી તેનો આત્મવિશ્વાસ ઘટી ગયો હતો પરંતુ, તેણે પરિસ્થિતિ પર કાબુ મેળવી સૌંદર્યસ્પર્ધામાં વિજય હાંસલ કર્યો છે. અમ્રિતાના દિવંગત પિતા પંજાબના હતા જ્યારે તેના માતા બિમલા સૌંદ સિમલાના છે.
પ્રથમ સૌંદર્યસ્પર્ધામાં જ મિસ બર્મિંગહામનો તાજ જીતવાથી અમ્રિતા આશ્ચર્યચકિત છે. બર્મિંગહામના હેન્ડ્સવર્થની અમ્રિતાએ કહ્યું હતું કે, ‘આ બધું કલ્પના જ લાગે છે. બે મહિનામાં મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મને આટલે સુધી પહોંચવાની આશા ન હતી. આ પહેલાં મેં કદી મોડેલિંગ કર્યું નથી કે કદી સૌંદર્યયસ્પર્ધામાં ભાગ લીધો નથી. શું તૈયારી કરવાની હોય તેની જાણ વિના જ મેં તેમાં ભાગ લીધો હતો. મને લાગે છે કે આમાં કશું કારણ - નસીબ હશે. હું તેને બરાબર માણીશ અને જે તક આવશે તેને ઝડપી લઈશ. આ રોમાંચક તકથી મારે ફંડરેઈઝિંગ અને કેમ્પેઈન ઉપરાંત કાર્ય કરવું પડશે પરંતુ, હું તેને પણ માણી શકીશ તેની ખાતરી છે.’
અમ્રિતાએ ઉમેર્યું હતું કે, ‘મને 12 વર્ષની ઊંમરથી જ બંને આંખની આસપાસ અને પગના નળા પર સફેદ દાગ દેખાતા હતા. નાની વયે તે છુપાવવા મેકઅપ પણ કરતી હતી.’ જોકે, અમ્રિતાએ 16 વર્ષની વયથી પોતાના વિટિલિગોની અવસ્થા નહિ છુપાવવા અને પોતાની કુદરતી ત્વચા દર્શાવવા નિર્ણય લીધો હતો. તે કહે છે કે ‘હું જેવી છું તેવી દેખાઉં તેને સ્વીકારું છું. અન્ય લોકો માટે નહિ પરંતુ, ખુદ મારા માટે મેં તેના પર કાબુ મેળવ્યો છે. જો હું નહિ જીતું તો પણ 50 વર્ષની વયે પણ મેં જે હાંસલ કર્યું છે તેના માટે ગૌરવ અનુભવીશ.’
તે કહે છે કે ‘સ્પર્ધાના એક રાઉન્ડમાં મેકઅપ વિના તમારા ચહેરાની તસવીરો પોસ્ટ કરવાની હતી. મારા વિટિલિગોના કારણે આ જરા મુશ્કેલ જણાયું હતું. મેકઅપ વિના ચહેરાની એન્ટ્રીએ મને એ દર્શાવવામાં મદદ કરી કે હું માનસિક રીતે જે સ્થિતિએ છું ત્યાં ખુશ છું. મારે એ દર્શાવવું હતું કે તમે કેવા દેખાઓ છે તે નહિ પરંતુ, તમારું આંતરિક દેખાવાનું કેવું છે તે મહત્ત્વનું છે. છોકરીઓએ આ બાબતે વધુ આત્મવિશ્વાસી થવાની જરૂર છે.’
મિસ ઈંગ્લેન્ડ ટેલેન્ટ રાઉન્ડમાં અમ્રિતાએ જજીસ સમક્ષ ભાંગડા નૃત્યની રજૂઆત કરી હતી. અમ્રિતા કહે છે કે મારી સંસ્કૃતિને, અમે શું છીએ તેને દર્શાવવાના એમ્બેસેડર બનવાનો મને આનંદ છે. અમે માત્ર એશિયન કે બ્રિટિશ એશિયન નથી. લોકો અમારા માટે એમ જ વિચારે છે કે અમે બિઝનેસ, NHS અને શિક્ષણ થકી જ યોગદાન આપીએ છીએ પરંતુ, તેનાથી પણ વધુ આપવાનું અમારી પાસે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter