મેક-અપમાં કેવી રીતે કરશો વ્હાઇટનો ઉપયોગ?

Wednesday 25th August 2021 06:13 EDT
 
 

સફેદ રંગ સોફ્ટ તો છે જ, પરંતુ સેન્સિટિવ પણ છે. એથી જ મેક-અપમાં એનો ઉપયોગ કરતાં પહેલાં થોડી આવડત અને હોંશિયારી કેળવી લેવી હિતાવહ છે. જોકે અહીં આપેલી ટિપ્સ વાંચશો તો આ કામ એટલું અઘરું નહીં લાગે...

મેકઅપની વાત આવે એટલે વ્હાઇટથી વધુ ટ્રિકી કલર બીજો કોઈ નથી. યોગ્ય રીતે વાપરવામાં આવે તો એ ચહેરાની સુંદરતાને સરસ રીતે હાઇલાઇટ કરી શકે છે, પરંતુ એ જ જો ખોટી રીતે વાપરવામાં આવે તો ખામીઓને પણ ખરાબ રીતે ઉજાગર કરી શકે છે. એથી જ મોટા ભાગના લોકો મેકઅપમાં વ્હાઇટ કલરને માત્ર શિમર પૂરતો સીમિત રાખે છે. અલબત્ત, તમે જો એવી વ્યક્તિમાંના હો જેમને નિતનવા પ્રયોગો કરવાનું ગમતું હોય તો આઇશેડોથી માંડીને નેઇલપોલિશ સુધી બધે જ સફેદ રંગનો ઉપયોગ કરી શકો છો. પણ હા, એના પર હાથ અજમાવતાં પહેલાં એને વાપરવાની યોગ્ય રીત જાણી લેવી જરૂરી છે.
• વ્હાઇટ લાઇનરઃ આજકાલ વ્હાઇટ આઇલાઇનર ફરી પાછી ટ્રેન્ડમાં આવી છે. એવરગ્રીન બ્યુટી રેખા કે પછી ફિલ્મ ‘ચાંદની’ની શ્રીદેવીની ખૂબસૂરત આંખો કોણ ભૂલી શક્યું છે? મન થાય તો તમે પણ તેમની જેમ આંખમાં નીચે કે અંદરની બાજુ સફેદ આઇલાઇનર લગાડી એ હોય એના કરતાં વધુ મોટી દેખાડી શકો છો. જોકે એ માટે એની બરાબર નીચે આંખની પાંપણની આસપાસ બ્લેક લાઇનર લગાડવાનું ભૂલશો નહીં. આંખમાં એકલી વ્હાઇટ આઇલાઇનર તમને ડરામણા પણ બનાવી શકે છે. તમે ઇચ્છો તો આ જ ટ્રિક આંખની ઉપરની બાજુ પણ અજમાવી શકો છો. પહેલાં આંખની ઉપરની પાંપણની આસપાસ વ્હાઇટ આઇલાઇનરથી જાડી આઉટલાઇન કરો. ત્યાર બાદ પાતળી બ્લેક આઇલાઇનર લગાડી લુકને કમ્પ્લીટ કરો.
• વ્હાઇટ આઇશેડોઃ આઇશેડોમાં સફેદ રંગને બીજા રંગ સાથેના કોમ્બિનેશનમાં વાપરવામાં આવે તો સરસ ઇફેક્ટ તૈયાર થઈ શકે છે. આ માટે પહેલાં આંખની આખી પાંપણ પર વ્હાઇટ આઇશેડો લગાડો. હવે આંખ બંધ કરો ત્યારે જે ભાગ ઊપસેલો જણાય છે ત્યાં લાઇટ બ્રાઉન આઇશેડો લગાડો. આખા લુકને ફિનિશિંગ ટચ આપવા છેલ્લે બ્લેક આઇલાઇનર લગાડો. આટલું કર્યા બાદ અરીસાથી થોડે દૂર ઊભા રહી જોશો તો તમારી આંખ છે એના કરતાં વધુ મોટી હોવાનો સુંદર આભાસ થશે. આખી આંખ પર વ્હાઇટ આઇશેડો ન લગાડવો હોય તો ત્યાં ડાર્ક કલરનો આઇશેડો લગાડ્યા બાદ માત્ર આઇબ્રો બોન પર શિમરી વ્હાઇટ આઇશેડો લગાડવાથી પણ આઇ મેકઅપને સરસ રીતે હાઇલાઇટ કરી શકાય છે.
• વ્હાઇટ લિપગ્લોસઃ આમ તો કોઈ પણ રંગની ગેરહાજરીને પણ આપણે સફેદ તરીકે જોઈએ છીએ, એથી જ્યારે કોઈ વ્હાઇટ લિપગ્લોસ જેવા શબ્દનો પ્રયોગ કરે ત્યારે સમજવું કે સામેવાળું ટ્રાન્સપરન્ટ લિપગ્લોસની વાત કરી રહ્યું છે. આ લિપગ્લોસ વાપરતાં પહેલાં મેકઅપનો મૂળભૂત નિયમ સમજી લેવો જરૂરી છે. ચહેરા પર મેકઅપ લગાડતી વખતે આંખ અને હોઠ બન્નેને હાઇલાઇટ કરવાં નહીં. બેમાંથી કોઈ એકને મહત્વ આપી બીજાનો લુક બને એટલો સરળ રાખવો. આવા વખતે જો તમે આંખ પર હેવી મેકઅપ લગાડવાનો નિર્ણય લો તો હોઠ પર લિપસ્ટિકના સ્થાને માત્ર વ્હાઇટ લિપગ્લોસ લગાડી દેવાથી પણ સુંદર ઇફેક્ટ આવશે.
• વ્હાઇટ હાઇલાઇટરઃ આમ તો બજારમાં જોઈએ એટલા વ્હાઇટ કોમ્પેક્ટ પાઉડર ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગની ભારતીય સ્ત્રીઓની સ્કિન ઘઉંવર્ણી હોવાથી તેમના પર ન્યુડ અથવા નેચરલ શેડના ફાઉન્ડેશન અને કોમ્પેક્ટ વધુ સારા લાગે છે. વિદેશી મહિલાઓની સ્કિન પ્રમાણમાં પેલ હોવાથી તેમને વ્હાઇટ કોમ્પેક્ટની જરૂર વધુ પડે છે. પરંતુ વ્હાઇટ કોમ્પેક્ટને સ્થાને વ્હાઇટ શિમરનો ઉપયોગ કરવામાં આવે તો ભારતીય ચહેરાના કેટલાક ભાગોને સુંદર રીતે હાઇલાઇટ કરી શકાય છે. જેમ કે આખો મેકઅપ લગાડવાનું પૂરું થઈ જાય પછી મોટા બ્રશથી કપાળની વચ્ચેના ભાગમાં, નાકની દાંડી પર, ચિબુક તથા ચિક-બોન પર થોડું શિમર લગાડી દેવામાં આવે તો ચહેરાની રોનક જ બદલાઈ જાય છે. એટલું જ નહીં, તમે ઇચ્છો તો હોઠના મધ્ય ભાગમાં પણ થોડું વ્હાઇટ શિમર લગાડી શકો છો. તો વળી કેટલીક બ્રાઇડ્સ હાથ અને પીઠ પર પણ વ્હાઇટ શિમર લગાડવાનું પસંદ કરે છે. એવી જ રીતે કોઈ પ્રસંગે ગળામાં મોટો નેકપીસ પહેરવાનો હોય ત્યારે ગળાથી થોડે નીચેના ભાગમાં તથા કોલર બોન પર થોડું વ્હાઇટ શિમર લગાડી દેવામાં આવે તો તરત જ લોકોનું ધ્યાન એ નેકપીસ તરફ ખેંચી શકાય છે. જોકે હાઇલાઇટર તરીકે સંપૂર્ણ વ્હાઇટ શિમર વાપરવામાં કોન્ફિડન્સ ન આવતો હોય તો પર્લી વ્હાઇટ, ઓફવ્હાઇટ અથવા સિલ્વર હાઇલાઇટર્સનો ઉપયોગ પણ કરી શકાય છે.
• વ્હાઇટ નેઇલ-પોલિશઃ જેમ કેટલાક લોકોને રેડ લિપસ્ટિક અથવા રેડ નેઇલ-પોલિશનું વળગણ હોય છે એવી જ રીતે કેટલાકના હાથમાં કાયમ વ્હાઇટ નેઇલ-પોલિશ જ જોવા મળે છે. અને કેમ ન હોય? વ્હાઇટ ઇઝ અ ક્લાસિક કલર. વ્હાઇટ નેઇલ-પોલિશ ફન્કી લુકથી માંડી મેચ્યોરિટી સુધીનો અહેસાસ કરાવી શકે છે. બધો દારોમદાર કયો શેડ પસંદ કર્યો છે એના પર છે. તમે કોલેજિયન હો તો મેટ વ્હાઇટ નેઇલ-પોલિશ તરત જ લોકોનું ધ્યાન ખેંચવામાં મદદરૂપ બનશે, પરંતુ જો તમે મિડલ એજેડ મહિલા હો તો શિમરી વ્હાઇટ અથવા ઓફવ્હાઇટ નેઇલ-પોલિશ તમારા હાથની શોભા વધારી શકશે.
તમારા નખ લાંબા હોય તો ફ્રેન્ચ મેનિક્યોરમાં કરવામાં આવતી વ્હાઇટ નેઇલ-પોલિશ પણ સુંદર લાગી શકે છે. એ માટે નખના વધેલા ભાગ પર વ્હાઇટ નેઇલ-પોલિશ લગાડો. એ સુકાઈ જાય એટલે આખા નખ પર ટ્રાન્સપરન્ટ નેઇલ એનેમલ લગાડી દો. આ ક્લાસી લુક કોઈ પણ ઉંમરમાં સારો લાગી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter