મેનિક્યોર સ્ક્રબઃ હાથને બનાવો કોમળ

Wednesday 17th April 2019 06:34 EDT
 
 

તમે દર મહિને મેનિક્યોર કરાવવા માટે બ્યુટીપાર્લરમાં ઘણાં પૈસા અને સમય ખર્ચતાં હશો. પણ આ જ મેનિક્યોર ઘરે બેઠાં થઇ શકતું હોય તો નાણાં અને આવવા-જવાનો સમય શા માટે વેડફવાના? હા, તમે ઘરે બેઠાં જ મેનિક્યોર કરી શકો છો. ઘરનાં કામકાજ અને કેમિકલ્સ, ધૂળના સંપર્કમાં આવવાને કારણે હાથ રફ - ખરબચડા થઈ જાય છે એટલે એને નિયમિત રીતે એકસફોલીએટ અને મોઇશ્ચરાઇઝ કરવા જરૂરી છે. હાથની ત્વચાને જુવાન અને કોમળ બનાવવા માટે મેનિક્યોર જરૂરી છે. અને આ માટે જરૂરી છે મેનિક્યોર સ્ક્રબ્સ., જે તમે ઘરેબેઠાં કુદરતી સામગ્રીમાંથી બનાવી શકો છો. આવા જ કેટલાક સ્ક્રબ બનાવવાની રીત અહીં આપી છે.

સ્ક્રબ કરતાં પહેલાં તમારા હાથને થોડુંક દૂધ અને શેમ્પુ મિક્સ કરેલા હૂંફાળા પાણીમાં દસેક મિનિટ બોળી રાખો. હાથ બહાર કાઢો, કોરા કરો. મેનિક્યોર બ્રશથી સ્ક્રબ લગાડીને થોડીક વાર રાખી મૂકો અને પછી ઠંડા પાણીથી હાથ ધોઈ નાખો. અને ત્યાર બાદ હેન્ડ ક્રીમ લગાડી હાથને મોઇશ્ચરાઇઝડ કરો.

અને હા, હંમેશા માઇલ્ડ સ્ક્રબનો જ ઉપયોગ કરો. એનાથી હાથ પરનાં મૃતકોષો નીકળી જશે અને ત્વચા ચમકશે. શક્ય હોય ત્યાં સુધી કેમિકલયુક્ત સ્ક્રબ ટાળો. તે તમારી ત્વચાને લાંબા ગાળે નુકસાન કરી શકે છે.

પોલિશિંગ સ્ક્રબઃ હાથને આકર્ષક અને મુલાયમ દર્શાવવા માગતા હો તો આ કોમ્બોનો ઉપયોગ કરો. એમાં ગુલાબ અને રોઝમેરીની પાંદડીઓને ખાંડ સાથે મિક્સ કરીને લગાડવાથી ત્વચા નિખરે છે અને કોમળ બની શકે છે.

સામગ્રીઃ ૧૦-૧૨ ગુલાબની પાંદડી • ૧૦-૧૨ રોઝમેરીનાં પાન • ૧ ટીસ્પૂન ખાંડ • ૧ ટેબલ્સપૂન તલનું તેલ

રીતઃ રોઝમેરીના પાન અને ગુલાબની પાંદડીઓને સૂકવીને ક્રશ કરી લો. એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. આ મિશ્રણ હાથ પર લગાડી દસ મિનિટ સ્ક્રબિંગ કરો. એનાથી ત્વચા ટાઇટ તથા ખૂબસુરત લાગશે.

બનાના સ્ક્રબ

સામગ્રીઃ ૧ નંગ કેળું • ૧ ટેબલસ્પૂન ખાંડ • થોડાંક ટીપાં લીંબુનો રસ

રીતઃ કેળું છૂંદીને તેમાં ખાંડ નાંખો. તેમાં થોડાં ટીપા લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ હાથ અને આંગળીઓ પર લગાડો. થોડી વાર સુકાવા દો. હવે ઊંધા હાથે ધીરે ધીરે ઘસો. ખાંડથી ત્વચાના મૃતકોષો દૂર થઇ જશે. થોડી વાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

બટરમિલ્ક મેનિક્યોર

સામગ્રીઃ ૨ કપ છાશ • ૧/૨ કપ ઓરેન્જ જ્યુસ • ૧ ટીસ્પૂન વિટામિન-ઈ ઓઇલ • થોડુંક ગરમ પાણી

રીતઃ તમામ સામગ્રીને બરાબર બ્લેન્ડ કરો. હવે હાથને છાશવાળા મિશ્રણમાં બોળો. આ એક સારું કન્ડિશનર છે. એ માઇલ્ડ એક્સફોલિએટનું કામ પણ કરશે. થોડી વાર ત્વચા સ્ક્રબ કરી પછી હાથ ધોઈ નાખો.

ફ્રૂટ સ્મુધી સ્ક્રબઃ હાથને એકદમ આકર્ષક બનાવવા માટે તમે ફ્રૂટ સ્મુધીનો પેક લગાડી શકો. જોકે આ સ્ક્રબ લગાવતા પહેલાં ગુલાબની પાંદડીઓ વાળા હુંફાળા પાણીમાં થોડીક વાર હાથ બોળી રાખવા.

સામગ્રીઃ અડધો કપ ઓરેન્જ જ્યુસ • ૧ કપ દહીં • ૫-૬ સ્ટ્રોબેરીનો પલ્પ • ૧ ટીસ્પૂન વિટામિન-ઈ ઓઇલ

રીતઃ ઓરેન્જ જ્યુસ અને સ્ટ્રોબેરીનો પલ્પ મિક્સ કરી લો. હાથને ગુલાબની પાંદડીવાળા હૂંફાળા પાણીમાં થોડીક વાળ બોળી રાખો. ત્વચા નરમ પડે એટલે આ પેક લગાડો. દસેક મિનિટ બાદ હાથ ધોઈ નાખો.

એન્ટી-બેક્ટેરિયલ સ્ક્રબઃ હાથની ત્વચાને સાફ અને મુલાયમ બનાવવા આ સ્ક્રબનો ઉપયોગ કરો. આ મિશ્રણનો તમે બોડી સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

સામગ્રીઃ ૨ ટેબલસ્પૂન વાટેલી લાલ મસૂરની દાળ • ચપટી હળદર • ૧ ટીસ્પૂન મધ

રીતઃ એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. આ મિશ્રણ હાથ પર ધીરે ધીરે ઘસીને લગાડો. દસ મિનિટ બાદ હાથ હૂંફાળા પાણીથી ધોઈ નાખો. ટુવાલથી હાથ લૂછી લો. એનાથી હાથની ત્વચા કોમળ બની જશે.

સ્મુધનિંગ સ્ક્રબઃ આ કોમ્બો તમામ પ્રકારની ત્વચાને માફક આવે તેવો છે. આ સ્ક્રબ મેનિક્યોરની સાથે સાથે બોડી સ્ક્રબ તરીકે પણ ઉપયોગી છે.

સામગ્રીઃ ૧ ટીસ્પૂન ઓલિવ ઓઇલ • ૨ ટેબલસ્પૂન બ્રાઉન શુગર

રીતઃ એક બાઉલમાં બન્ને વસ્તુ બરાબર મિક્સ કરો. હાથને ભીના કરીને આ સ્ક્રબથી હળવેથી દસ મિનિટ મસાજ કરો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખો. એનાથી હાથની ત્વચા ચમકદાર દેખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter