આજકાલ યુવતીઓમાં નેઇલ આર્ટ તેમજ જેલ નેઈલ પોલિશનો ક્રેઝ આ વધી રહ્યો છે. નખની સારસંભાળ જેટલી જરૂરી છે એટલી હાથની કેર પણ અગત્યની છે. આ માટે મેનિક્યોર કરાય છે. મેનિક્યોર એ હાથ તથા નખની સારસંભાળ માટેની એક કોસ્મેટિક સારવાર છે, જેમાં સામાન્ય રીતે નખને આકાર આપવો, ફાઈલ કરવા અને પોલિશ કરવા તેમજ ક્યૂટિકલની સંભાળ રાખવી અને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાનું સામેલ છે. આવો, આજે આપણે મેનિક્યોર કઈ રીતે કરી શકાય એ અંગે જાણકારી મેળવીએ.
તબક્કાવાર કરો મેનિક્યોર
હાથને સેનિટાઈઝ કરો અને નેઈલ પોલિશ રિમૂવરથી જૂની નેઈલ પોલિશ રિમૂવ કરવી. નખને આકાર આપીને ફાઈલ કરો. નખને સુંદર આકાર આપી શકાય. જેવા કે રાઉન્ડ, સ્કવેર, ઓવલ જેવો આકાર જોઇતો હોય એવો સુંદર આકાર ફાઈલર વડે આપવો.
• બફ નેઈલ
નખની સપાટીને સરળ બનાવવા માટે બફરનો ઉપયોગ કરો અને નખની સપાટી સીધી કરો. બફરમાં બે સાઈડ હોય છે એક ખરબચડી અને બીજી સાઈડ સોફ્ટ, બંનેને વારાફરતી કરવા. એક મોટા બાઉલમાં હૂંફાળું પાણી લેવું. હાથનું કાંડું ડૂબે એટલું. આ પાણીમાં બેથી ત્રણ ટીપાં એન્ટિસેપ્ટિક નાખવું, તેમાં થોડુંક મીઠું નાંખવું. બેથી ત્રણ ટીપાં અરોમા ઓઈલ નાંખવા અને હાથને 10થી 15 મિનિટ સુધી એમાં રાખી મૂકો.
• ક્યૂટિકલ રિમૂવ
પાણીમાં હાથ ડુબાડયા પછી નખની આજુબાજુની ચામડી સોફ્ટ થઈ જાય છે, તેથી નખની આજુબાજુ ક્યૂટિકલ ઓઈલ લગાડવું. ત્યારબાદ તરત જ ક્યુટિકલ પુશર વડે નખની આજુબાજુની સ્કિનને પુશ કરવી અને વધારાની સ્કિનને કયૂટિકલ રિમૂવર વડે રિમૂવ કરવી. નખની આજુબાજુની ડેડ સ્કિન રિમૂવ કરવાથી તેને સારી રીતે ઓક્સિજન મળે છે અને નેઈલનો ગ્રોથ થાય છે.
• મસાજ કરો
મસાજ કરવાથી સ્કિનના બ્લડ સરક્યુલેશનમાં વધારો થાય છે. તે મસલ્સને રિલેક્સ કરે છે તેમજ સ્કિનને નરીશ કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે. તેનાથી હાથના તથા આંગળીઓના સ્નાયુઓને રિલેક્સેશન મળે છે. હાથનો દુખાવો ઓછો થાય છે. આશરે 10થી 15 મિનિટ સુધી મસાજ કરવો.
• ડી-ટેન પેક
મસાજ કર્યા બાદ કપડા વડે હાથ અને આંગળીઓ સાફ કરો. ડ્રાય હાથમાં અને આંગળીઓ ઉપર ડી-ટેન પેક લગાડવો. ડી-ટેન પેક લગાડવાથી હાથ અને આંગળીઓ પરનું ટેનિંગ દૂર થાય છે અને હાથમાં શાઈન જોવા મળે છે. પેક લગાવ્યા બાદ તેના પર કિલંગફીન પેપર લગાવી 10 મિનિટ સુધી રાખવું. ત્યારબાદ પાણીથી હાથ ધોઇ નાંખો.
નેઈલ પોલિશ, જેલ નેઈલ પોલિશ તેમજ ફ્રેન્ચ નેઈલ્સ જેવા નેઈલ આર્ટ નેઈલ્સ તેમજ હાથ અને આંગળીઓની સુંદરતા વધારે છે.
મેનિક્યોરથી થતા ફાયદા
નેઈલ્સની હેલ્થ સુધારે છે. નેઈલ્સ વધે પણ છે તેમજ સ્ટ્રોંગ પણ થાય છે. નિયમિત હાથ તથા નખની સારસંભાળથી નેઈલ્સ મજબૂત બની શકે છે. જેમને નખ તૂટવાની સમસ્યા સતાવતી હોય એમાં ઘટાડો થાય છે. મેનિક્યોર ડેડ સ્કિન અને ક્યૂટિકલ્સને દૂર કરીને નેઈલ્સને હેલ્ધી બનાવે છે. નેઈલ્સને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાથી ફંગલ અને બેક્ટેરિયલ ચેપ અટકાવવામાં મદદ મળે છે. મેનિક્યોર વખતે હાથ તથા આંગળીઓને માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. મેનિક્યોરમાં માલિશ એ તણાવ ઘટાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.
સ્કિનને બનાવે સ્મૂધ
મેનિક્યોરમાં એક્સફોલિયેશન અને મોઈશ્ચરાઈઝેશન ટ્રીટમેન્ટ ડેડ સ્કિનને દૂર કરે છે અને સ્કિનને હાઈડ્રેટ કરે છે, જેના કારણે હાથ સોફ્ટ અને હેલ્ધી બને છે. મેનિક્યોર દરમિયાન નેઈલને ફાઈલ કરી શેપ આપવાથી તેને વધુ પોલિશ્ડ દેખાડી શકાય છે.
મેનિક્યોરના પ્રકાર
1) ક્લાસિક મેનિક્યોર: આ પરંપરાગત મેનિક્યોર છે. જેમાં નખને આકાર આપવો, ફાઈલ કરવા અને બફિંગ કરવું, પછી પોલિશ અને ટોપ કોટ લગાવવામાં આવે છે.
2) જેલ મેનિક્યોર: જેલ પોલિશને યુવી અથવા એલઈડી લેમ્પ હેઠળ ક્યોર કરવામાં આવે છે. જેના પરિણામે લાંબા સમય સુધી ટકી રહેતી શાઈનવાળું ફિનિશિંગ મળે છે.
3) એક્રેલિક મેનિક્યોર: નેઈલ્સ પર પ્રવાહી અને પાઉડરનું મિશ્રણ લગાવવામાં આવે છે, જેનાથી નેઈલ્સની ઉપરની સપાટી સખત અને મજબૂત બને છે.
4) ડીપ પાઉડર મેનિક્યોર: આમાં કલરફુલ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. સીલિંગ કોટ લગાવવામાં આવે છે. આ ઉપરાંત શેલેક અને ફ્રેન્ચ મેનિક્યોરનો સમાવેશ થાય છે.