સ્ત્રીનાં પ્રજનનકાળના વર્ષોમાં તેમનાં મગજ સેક્સ હોર્મોન્સ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા પ્રમાણનો સામનો કરે છે અને તેમના શરીર મહત્તમ કામગીરી બજાવી શકે તે માટે ન્યૂરોન્સ આ હોર્મોન્સ પર જ આધાર રાખે છે. જોકે, જેમ પ્રજનકાળની સમાપ્તિ એટલે કે શરીર મેનોપોઝ-રજોનિવૃત્તિ તરફ આગળ વધે અને તે પછી તેમના અંડાશયો દ્વારા એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. અને આ હોર્મોન્સનો ઘટાડો કદાચ સ્ત્રીઓ માટે ડિમેન્શીઆનું જોખમ લાવે છે.
સવાલો એ થાય છે કે જો હોર્મોનનાં પ્રમાણમાં ઘટાડો ડિમેન્શીઆ માટે જોખમી પરિબળ હોય તો આ હોર્મોન્સ આપવામાં આવે તો સ્મૃતિભ્રંશની સ્થિતિ દૂર રાખી શકાય? એસ્ટ્રોજેન ડિમેન્શીઆ સામે રક્ષણ આપે છે? અને જો આમ હોય તો, કોણે આ હોર્મોન લેવાં જોઈએ?
તાજેતરના સંશોધન અનુસાર મેનોપોઝ માટે સિસ્ટેમિક હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) કદાચ સ્ત્રીઓમાં ડિમેન્શીઆનું જોખમ ઘટાડી શકે છે. ડિમેન્શીઆને અટકાવવા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના ઉપયોગ વિશે કરાયેલા અભ્યાસોના પરિણામો મિશ્ર જણાયાં છે. મેનોપોઝના પ્રારંભિક સમયમાં એસ્ટ્રોજેન આપવામાં આવે ત્યારે મગજનાં આરોગ્યને રક્ષણ મળી શકે તેમ પ્રાથમિક તારણો જણાવે છે.જોકે, નક્કર નિર્ણય પર આવતા પહેલાં વધુ ડેટા આવશ્યક હોવાનું નિષ્ણાતો કહે છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાઈકિઆટ્રી એન્ડ બિહેવિરિયલ સાયન્સીસના ઈન્સ્ટ્રક્ટર જેનિફર બ્રૂનોનાં જણાવ્યાં અનુસાર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને અલ્ઝાઈમર્સ રોગ થવાની જોખમ વધુ હોય છે અને વિજ્ઞાનીઓના માનવા મુજબ આ માટે મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોજેનની ઘટ કારણભૂત હોઈ શકે છે. મગજમાં એસ્ટ્રોજેન્સ ન્યૂરોન્સના વર્તનમાં બદલાવ લાવનારાં કેમિકલ મેસેન્જર તરીકે કાર્ય કરે છે, ન્યૂરોન્સના આકારને જાળવી રાખે છે. સંશોધકો માને છે કે સ્ત્રીઓમાં એસ્ટ્રોજેન્સ ન્યૂરોન્સ વચ્ચેના સંદેશાવ્યવહારને અવરોધક અને અલ્ઝાઈમર્સમાં કોષોને ખતમ કરનારા ‘એમીલોઈડ બીટા (Amyloid beta)’ સહિતના અસામાન્ય પ્રોટિન્સની રચનાને અટકાવવામાં મદદ કરે છે તેમજ અલ્ઝાઈમર્સ સંબંધિત બીજાં પ્રોટિન ટાઉ (tau)ને એકત્ર થવાનું મર્યાદિત બનાવે છે.
એસ્ટ્રોજેન હોર્મોન ઊંઘની ગુણવત્તા સુધારીને મગજના આરોગ્યને પરોક્ષ ટેકો આપે છે. મેનોપોઝકાળમાં સ્ત્રીઓને કદાચ હોટ ફ્લેશીઝ (શરીરમાં ગરમી વધી જવી) અથવા ઈન્સોમ્નિઆના કારણે ઊંઘવાની સમસ્યા નડે છે.
રાત્રિ સમયના હોટ ફ્લેશીઝનું શમન કરવામાં એસ્ટ્રોજેન મદદ કરે છે પરિણામે, સ્ત્રીઓને સારી ઊંઘ મળી શકે છે. ગાઢ આરામ થકી મગજને ટોક્સિક પ્રોટિન્સ દૂર કરવામાં સરળતા રહે છે.
માત્ર એસ્ટ્રોજેન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી
મેનોપોઝ માટે HRT મુખ્ય બે પ્રકારની રહે છેઃ એક સારવારમાં માત્ર એસ્ટ્રોજેન અપાય છે જ્યારે બીજી સારવારમાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન, બંને અપાય છે. 1990ના દાયકામાં HRTની ભારે લોકપ્રિયતા હતી, પરંતુ 2002માં પ્રસિદ્ધ વિમેન્સ હેલ્થ ઈનિશિયેટિવ અભ્યાસમાં આ બંને સારવારો સાથે સંકળાયેલા જોખમો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતુ. જોકે, પાછળના અભ્યાસોના નવા ડેટાએ ઘણા જોખમોને ઉલટાવી દીધા હતા. વિમેન્સ હેલ્થ ઈનિશિયેટિવ અભ્યાસ અનુસાર માત્ર એસ્ટ્રોજેનની સારવારથી એન્ડોમેટ્રીઅલ કેન્સરોનું જોખમ વધતું હતું. અન્ય ઘણા અભ્યાસો દ્વારા આને સમર્થન પણ અપાયું હતું.
આથી, વર્તમાન ક્લિનિકલ ગાઈડલાઈન્સ કહે છે કે જે સ્ત્રીઓએ ગર્ભાશય કઢાવી નાખ્યું ન હોય (હિસ્ટરેક્ટોમી -hysterectomy), તેઓ સંયુક્ત એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન સારવાર લઈ શકે છે કારણકે પ્રોજેસ્ટેરોન હોર્મોન ગર્ભાશયના આંતરિક દીવાલ જાડી કરવાની એસ્ટ્રોજેનની અસરનો સામનો કરે છે અને જેમણે હિસ્ટરેક્ટોમી કરાવી હોય તેમના માટે માત્ર એસ્ટ્રોજેનનો વિકલ્પ અનામત રખાયો છે.
માત્ર એસ્ટ્રોજેન HRT લેનાર સ્ત્રીઓનાં જૂથનો ડેટા ઓગસ્ટ મહિનામાં જર્નલ ન્યૂરોલોજીમાં પ્રસિદ્ધ કરાયો હતો, જે મુજબ જે સ્ત્રીઓએ કોઈ પ્રકારની HRT લીધી નથી તેમની સરખામણીએ માત્ર એસ્ટ્રોજેન HRT લેનાર સ્ત્રીઓનાં મગજમાં અલ્ઝાઈમર્સ સંબંધિત ફેરફારો દર્શાવાની ઓછી શક્યતા હતી. જોકે, 21,000 સ્ત્રીઓને સાંકળતો આ અભ્યાસ માત્ર ઓબ્ઝર્વેશનલ હોવાથી તેના તારણો નક્કર કહી શકાતા નથી કારણકે 2023નો અન્ય અભ્યાસ કહે છે કે માત્ર એસ્ટ્રોજન HRT ડિમેન્શીઆના વધેલા દર સાથે સંકળાયેલી છે. ઓગસ્ટમાં ‘અલ્ઝાઈમર્સ એન્ડ ડિમેન્શીઆ’ જર્નલમાં પ્રકાશિત અન્ય ઓબ્ઝર્વેશનલ અભ્યાસ મુજબ 46થી 56 વર્ષ વચ્ચેના ગાળામાં કોઈ પણ HRTની શરૂઆત કરવામાં આવે ત્યારે ડિમેન્શીઆનું જોખમ ઘટે છે. આમ, મગજના આરોગ્યનું રક્ષણ કરવાની વાત હોય ત્યારે બધી સ્ત્રીઓ માટે કોઈ પણ HRT ઉપયોગી થશે જ તેમ કોઈ અભ્યાસના તારણો ખોંખારીને જણાવતા નથી.


