યુનાઇટેડ નેશન્સઃ વૈશ્વિક સંગઠન યુનાઇટેડ નેશન્સ (યુએન)ના 80 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ટોચના પદ પર મહિલા નેતૃત્વની આશા છે. વર્તમાન વડા સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઇ રહ્યો છે. તેમના અનુગામી તરીકે ચાર ઉમેદવારને શોર્ટલિસ્ટ કરાયા છે. તેમાંથી બે મહિલા મિશેલ બેચેલેટ (74) અને રેબેકા ગ્રિનસ્પેન (70) છે. ન્યૂયોર્કમાં 21-22 એપ્રિલે આ બંનેની ડિબેટ થશે. મિશેલ ચિલીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા જ્યારે રેબેકા કોસ્ટા રિકાના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
મિશેલઃ સરમુખત્યારના જુલ્મો સામે અડગ
1973માં ચિલીમાં જનરલ ઓગસ્ટો પિનોશે લશ્કરી બળવો કર્યો ત્યારે મિશેલ બાળરોગનો અભ્યાસ કરી રહ્યા હતાં. ક્લિનિકમાં સંસાધનોના અભાવે દર્દીને તડપતાં જોઈને તેમણે ડોક્ટરનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું. તે સમયે રાષ્ટ્રપતિ સાલ્વાડોર સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે મિશેલના પરિવારને બંધક બનાવીને ભારે ત્રાસ અપાયો હતો. મિશેલને જેલમાં હાથ બાંધીને માર મરાયો હતો અને પરિવારને લોખંડના સળિયાથી વીજળીના આંચકા પણ અપાતા હતા. ત્રાસને કારણે તેમના પિતાના મોત પછી પણ મિશેલ ઝૂક્યાં નહીં. આરોગ્ય મંત્રી બન્યા પછી તેઓ 2026માં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
રેબેકાઃ અનેક દેશોને અન્ન સંકટમાંથી ઉગાર્યા
2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં જ વૈશ્વિક ખાદ્ય સંકટ વધુ ઘેરું બનવા લાગ્યું. યુક્રેનમાંથી ઘઉં, મકાઈ અને અનાજની નિકાસ ઠપ થઇ. તે સમયે રેબેકા યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી જનરલ હતા. તેઓ મુખ્ય વાટાઘાટકાર બન્યા અને રશિયા, તુર્કી અને યુક્રેન વચ્ચે ચર્ચાને સરળ બનાવી. પરિણામે બ્લેક સીથી નિકાસની ડીલ થઇ અને બજારમાં 3.3 કરોડ ટન અનાજ આવ્યું. અનેક દેશો અન્ન સંકટમાંથી ઉગરી ગયા. તેમની રાજકીય કારકિર્દી 80ના દાયકામાં રાષ્ટ્રપતિ કાર્યાલયના ફોન કોલથી શરૂ થઈ, જેનાથી તેઓ આર્થિક સલાહકાર બન્યા. 1994માં મધ્ય અમેરિકન દેશ કોસ્ટા રીકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા.


