યુકેનાં ટોપ-૫૦ વિમેન એન્જિનિયર્સમાં પાંચ ભારતીય

Wednesday 01st July 2020 08:27 EDT
 
(ડાબેથી) ચિત્રા શ્રીનિવાસન્, રિતુ ગર્ગ, કુસુમ ત્રિખા, ડો. બરનાલી ઘોષ, અનુષા શાહ
 

લંડનઃ ‘ઈન્ટરનેશનલ વિમેન ઈન એન્જિનિયરિંગ ડે’ નિમિત્તે યુકેનાં ટોપ ૫૦ એન્જિનિયર્સને એવોર્ડ જાહેર થયાં છે, જેમાં પાંચ ભારતવંશી મહિલાઓના નામ સામેલ છે. આ ગૌરવવંતા ભારતીય નામોમાં ચિત્રા શ્રીનિવાસન, રિતુ ગર્ગ, ડો. બરનાલી ઘોષ, અનુષા શાહ અને કુસુમ ત્રિખાનો સમાવેશ થાય છે. પાંચમા વર્ષમાં પ્રવેશેલા એવોર્ડ માટે ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સસ્ટેનિબિલિટીઃ નેટ ઝીરો કાર્બન હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન’ કરનારાં પ્રતિભાવાન મહિલા એન્જિનિયર્સની કદર સાથે પ્રોત્સાહન આપવા સંદર્ભે હતો. એવોર્ડનું આયોજન વિમેન્સ એન્જિનિયરિંગ સોસાયટી દ્વારા કરાય છે.
• રિતુ ગર્ગઃ ખાનગી કંપની Arup સાથે સંકળાયેલાં રિતુ ગર્ગ સીનિયર ટ્રાન્સપોર્ટ એન્જિનિયર છે. તેમણે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સની ફોર્મ્યુલા તૈયાર કરવામાં અને તેની ડિલિવરીમાં મહત્ત્વનું કામ કર્યું છે. તેમણે હાલમાં જ યુકે લોકલ ઓથોરિટીઝ માટે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ક્લાઈમેટ ઈમર્જન્સીના નિવારણમાં વ્યવહારુ માર્ગદર્શન આપતું પેપર જાહેર કર્યું હતું. તેઓ શૂન્ય કાર્બન સસ્ટેનેબલ શહેરોની આર્થિક શક્તિને ઉજાગર કરવામાં રાષ્ટ્રીય સરકારોને મદદ કરવાની વૈશ્વિક પહેલનો હિસ્સો છે. તેમણે સાન ફ્રાન્સિસ્કો બે એરિયા, ન્યૂ યોર્ક, ટેક્સાસ અને લંડનના વિવિધ પ્રોજેક્ટ્સમાં કામગીરી બજાવી છે. જેમાં ટેક્સાસ હાઈ સ્પીડ રેલ, હીથ્રો થર્ડ રનવે એક્સ્પાન્શન પ્રોગ્રામ તેમજ લંડન યુસ્ટન સ્ટેશનના હાઈ સ્પીડ રેલ, નેટવર્ક રેલ ઓપરેશન્સનો સમાવેશ થાય છે.
• ડો. બરનાલી ઘોષઃ ત્રણ વર્ષ પૂર્વે સમશેર પ્રકાશ એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન જીઓટેક્નિકલ અર્થક્વેક એન્જિનિયરિંગના આંતરરાષ્ટ્રીય વિજેતા ડો. બરનાલી ઘોષ મોટ મેક્ડોનાલ્ડ કંપનીમાં ટેક્નિકલ ડાયરેક્ટર છે. તેઓ સિવિલ, જીઓટેક્નિકલ, મરિન, ઓફશોર અને અર્થક્વેક એન્જિનિયરિંગ ક્ષેત્રે બહાળો અનુભવ ધરાવે છે. તેઓ યુએનના ટકાઉ વિકાસ ધ્યેયો (SDGs)ના આધારે ભૂકંપની સામે પણ ટક્કર ઝીલી શકે એવી માળખાગત સુવિધા તૈયાર કરી રહ્યાં છે. તેમણે બાંગલાદેશની રાજધાની ઢાકામાં ચાર મિલિયન લોકોને પીવાનું પાણી પુરુ પાડવાના સસ્ટેનેબલ વોટર પ્રોજેક્ટમાં ભૂકંપ પ્રતિરોધક કામગીરીની આગેવાની સંભાળી હતી. તેમણે એન્ટિ-સિસ્મિક ઉપકરણો પર ક્લાઈમેટ ચેન્જની અસરો વિશે સંશોધન હાથ ધર્યું છે. તેઓ ૨૦૧૫ના નેપાળ ધરતીકંપ પછી ભૂકંપક્ષેત્ર તપાસની ટીમનો હિસ્સો રહ્યાં હતાં.
• અનુષા શાહઃ ખાનગી કંપની Arcadis ખાતે રિઝિલિયન્ટ સિટીઝના ડાયરેક્ટર તરીકે કાર્યરત અનુષા શાહ ઈન્સ્ટિટ્યૂશન ઓફ સિવિલ એન્જિનિયર્સના ફેલો છે. તેઓ યુકેની એન્વિરોન્મેન્ટ એજન્સીને ૨૦૩૦ સુધીમાં શૂન્ય કાર્બન એમીશનની સાથે પર્યાવરણની જાળવણી હાંસલ કરવામાં મદદ કરી રહ્યાં છે. તેઓ ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ કેળવવા વિવિધ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલાં છે. અનુષા શાહે કાશ્મીરની કોન્વેન્ટ સ્કૂલ અને દિલ્હીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ ૧૯૯૯માં યુકેની સરે યુનિવર્સિટીમાં વોટર એન્ડ એન્વિરોન્મેન્ટલ એન્જિનિઅરિંગમાં એમએસસી કરવા કોમનવેલ્થ સ્કોલરશીપ હાંસલ કરનારા વિશ્વના બે સફળ ઉમેદવારમાં એક હતાં.
• કુસુમ ત્રિખાઃ ભારતના નવી દિલ્હીમાં જન્મેલાં કુસુમ ત્રિખા ગ્રીન એનર્જી સેક્ટરમાં લાખો પાઉન્ડના લો કાર્બન એનર્જી પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે. WSPમાં સીનિયર એન્જિનિઅર ત્રિખાએ યુકેમાં બાયોમાસ ગેસિફિકેશન પ્લાન્ટ ૧૦.૩ મેગાવોટ ઈલેક્ટ્રિક બર્મિંગહામ બાયો પાવર પ્લાન્ટ રિન્યુએબલ પ્રોજેક્ટની બહુલક્ષી ડિઝાઈન ટીમનું સંચાલન કર્યું હતું. આ પ્લાન્ટ તેણે ઉત્પાદિત કરેલો તમામ કાર્બન ડાયોક્સાઈડ ચોખ્ખી વિદ્યુતશક્તિ બનાવવામાં ઉપયોગ કરે છે. તેઓ ૨૦૧૮ના ટેક વિમેન ૧૦૦ લિસ્ટ, ૨૦૧૯ યુરોપિયન વિમેન ઈન કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિઅરિંગ એવોર્ડ્સની ફાઈનલ તેમજ ફ્યુચર લિસ્ટ ઓફ નોર્ધર્ન પાવર વિમેનમાં સ્થાન મેળવવાની સિદ્ધિ ધરાવે છે. યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના પૂર્વ વિદ્યાર્થિની કુસુમે માસ્ટર્સના અભ્યાસ માટે ઈન્ટરનેશનલ લીડરશિપ સ્કોલરશિપ મેળવી હતી.
• ચિત્રા શ્રીનિવાસનઃ યુકે એટોમિક એનર્જી ઓથોરિટી (UKAEA)ની ફ્યુસન રિસર્ચ લેબમાં કન્ટ્રોલ એન્ડ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત છે. શ્રીનિવાસન અને તેમની ટીમનું કાર્ય ફ્યૂઝન એનર્જી વિકસાવવાના સંશોધનોનો ઉપયોગ કાર્બનમુક્ત સ્રોતમાંથી વીજળીનું ઉત્પાદન કરવા અને પર્યાવરણીય ટકાઉતા સંદર્ભે છે. શ્રીનિવાસને કહ્યું હતું કે ‘હું તો ફ્યૂઝન સંશોધનમાં ઉભરતી એન્જિનિયર છું અને આ સિદ્ધિ મારાં માટે ભારે પ્રોત્સાહક છે. UKAEA ખાતે ફ્યૂઝન મશીન્સમાં ફ્યૂલને નિયંત્રિત કરતા કોમ્પ્યુટર કોડ્સના વિકાસ થકી સસ્ટેનેબલ એનર્જીના સંશોધનની તક મળી છે. અમે વધુ ગ્રીન ઈલેક્ટ્રિસિટી માટે સૂર્યશક્તિનો ઉપયોગ કરવામાં માગીએ છીએ.’ UKAEAએ શ્રીનિવાસનની સિદ્ધિને બિરદાવી હતી.
આ વર્ષના એવોર્ડ્ઝ માટે ‘સસ્ટેનિબિલિટી’ વિષય સંદર્ભે વિમેન્સ એન્જિનિયરિંગ સોસાયટીના એલિઝાબેથ ડોનેલીએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર ગ્રહ પર અભૂતપૂર્વ હવામાન સંજોગોના પગલે ૨૦૧૯ના ક્લાઈમેટ ઈમર્જન્સી ડેક્લેરેશન્સ કરાયાં હતાં. યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને હાંસલ કરવામાં જે ઉપાયો જોઈશે તેમાંના મોટા ભાગના એન્જિનિયર્સ જ પૂરાં પાડશે. આ મુદ્દાઓ પર કાર્યરત પ્રતિભાશાળી મહિલાઓની કદર કરવાનો આ જ યોગ્ય સમય હોવાનું અમને લાગ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter