યુનિક અને ડિઝાઇનર ઘરેણાં ખરીદતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખો

Wednesday 03rd January 2018 11:17 EST
 
 

હવે એ જમાનો રહ્યો નથી કે સોના ચાંદીના હેવિ ઘરેણા જ પહેરી શકાય. ઇમિટેશન જ્વેલરી સહિતની જ્વેલરી પણ બજારમાં મળી રહે છે અને એ પણ ડિઝાઈનર. જોકે સામાન્ય ઇમિટેશન ઘરેણાં કરતાં સહેજ મોંઘી જ્વેલરીને પસંદ કરતી વખતે થોડી કાળજી રાખવામાં આવે તો દરેક પ્રકારના ડ્રેસિંગમાં શું પહેરવું છે તેની હંમેશાંની મૂંઝવણ પણ દૂર થઈ શકે છે. સોનાનાં વધતા ભાવ જોતાં હવે ટ્રેડિશનલ જ્વેલરી છોડીને લોકોનું ધ્યાન થોડી યુનિક ડિઝાઇનર જ્વેલરી તરફ વળી રહ્યું છે. આમ તો સોનામાં પણ આ પ્રકારની ડિઝાઇનર જ્વેલરી મળી જ રહે છે, પરંતુ સોના કરતાં સસ્તી અને એલિગન્ટ લુક આપતી અમેરિકન ડાયમન્ડની જ્વેલરીની હાલમાં ઘણી ડિમાન્ડ રહે છે. આ જ્વેલરી પોતાની યુનિકનેસથી જાણીતી બની છે. એની એક્સક્લુઝિવનેસ તો જળવાય જ છે, જો તમને પ્રોપર પસંદગી કરતાં આવડે. ડિઝાઇનર જ્વેલરી પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું એ અહીં જોઈએ.

બ્રાન્ડ જોવી જરૂરી

આ પ્રકારની જ્વેલરી બ્રાન્ડેડ અથવા જાણીતા ડિઝાઈનરની હોવી જરૂરી છે. ઘરેણાંની ડિઝાઇન પસંદ કરતાં પહેલાં તમે જેની ડિઝાઇન કરેલી જ્વેલરી ખરીદવાના છો તે ડિઝાઇનર વિશે માહિતી મેળવી લો. તે ડિઝાઇનર લેટેસ્ટ ટ્રેન્ડ ફોલો કરે છે કે નહીં? તે અત્યારના ટ્રેન્ડ સાથે કેટલો અપડેટ છે? વગેરે જાણી લો. એક વાર તેના પર ભરોસો આવી જાય પછી જ તેની ડિઝાઈનની જ્વેલરી ખરીદો. જો તમે જ્વેલરી બનાવડાવવાના હો તો તેને પોતાની ક્રિએટિવિટીના ઉપયોગ માટે મોકળું મેદાન આપી દો. માત્ર તમે તેને જાણ કરો અને પછી તેને જે કરવું હોય એ કરવાની પૂરી સ્વતંત્રતા આપશો તો એક્સક્લુઝિવ અને યુનિક ચીજ તમને મળી શકે છે.

ક્વોલિટી પર ધ્યાન આપો

તમને આપવામાં આવેલાં ધાતુ કે રત્ન તમને જોઈએ છે એવાં સાચાં કે ખોટાં છે કે નહીં એને માટેનું સર્ટિફિકેટ માગવું જરૂરી છે. ક્યારેય કોઈ ડિઝાઇનર પર આંધળો ભરોસો મૂકી દેવો નહીં. ઇમિટેશનમાં પણ ક્વોલિટીમાં ફરક હોય છે. કેટલીક જ્વેલરી કાળી નહીં પડે એવી વોરન્ટી દર્શાવતું સર્ટિફિકેટ પણ મળતું હોય છે. સોનાના પૈસા આપી પિત્તળ ન લઈ આવો એનું ધ્યાન રાખજો.

ચોક્કસ પસંદ

તમારું બજેટ અને ઘરેણાંની ડિઝાઈન બંને વસ્તુ મગજમાં રાખીને જ ડિઝાઇનર જ્વેલરીનું શોપિંગ કરવા જજો. તમે ખરીદેલી જ્વેલરી તમને પસંદ હોવી જોઈએ અને સેન્ટર ઓફ અટ્રેક્શન પણ. તેથી આકર્ષક અને બજેટમાં જ્વેલરી મળે તેનું ધ્યાન રાખો. જ્વેલરીને જોતાં જ એ લેટેસ્ટ છે એવો ખ્યાલ પણ તમને આવવો જોઈએ તેમજ તમે જે ડ્રેસિંગ કરો એના પર શોભવી જોઈએ. મોટાભાગે ભારે ટ્રેડિશનલ કપડાં પર થોડી લાઇટ અને ડેલિકેટ જ્વેલરી સારી લાગે છે. તમે સિમ્પલ અને સોબર આઉટફિટ પહેરવાના હો તો થોડો રિચ લુક આપે એવી જ્વેલરી સારી લાગશે. તમારી સાડી કે ભારતીય વસ્ત્રો સાથે આમ તો હેવિ જ્વેલરી પણ સૂટ કરે, શરત એટલી કે તે વધુ પડતી ભડકીલી ન હોય.

બહુરંગી ન હોય

એક વાત યાદ રાખો કે જ્વેલરીની ડિઝાઈન લગભગ એકસરખી હોવાથી તેમાં વધુ પડતાં કલર સારાં લાગતાં નથી. આજકાલ મલ્ટિકલર જ્વેલરી ખૂબ મળે છે, પરંતુ રિચ અને ડિસન્ટ લુક ગમતો હોય તો એક સિંગલ પીસમાં વધુ પડતા કલર ઉમેરવાનું ટાળજો. એને બદલે તમારા સ્કિન-ટોન સાથે જાય એવી જ્વેલરીને પ્રેફરન્સ આપજો. ઘઉવર્ણો રંગ ધરાવતા લોકો પર ડાર્ક કલરના સ્ટોન ધરાવતી જ્વેલરી શોભશે, જ્યારે ખૂબ ગોરા લોકો પર પેસ્ટલ કલર બેસ્ટ રહેશે. ભારતીય સ્કિન-ટોન માટે મોરપિચ્છ કલરના સ્ટોન જ્વેલરીમાં સારા દેખાય છે.

તમારા કદ-કાઠી પ્રમાણે

તમારા પર કેવા પ્રકારના દાગીના સૂટ કરશે એનો મોટો આધાર તમારા ફેસકટ અને કદ કાઠી પર પણ હોય છે. ટૂંકી ગરદન ધરાવતી સ્ત્રીઓ પર ગળામાં ફિટ બેસી જાય એવા ચોકર નહીં સારા લાગે. એના કરતાં નેકલેસ પહેરો, જે ગરદનના નીચેના ભાગથી શરૂ થાય છે. જેની ગરદન સહેજ ઊંચી હોય એવા લોકો પર ચોકર એલિગન્ટ લાગશે. આખી ગરદનને કવર કરે એવા નેકલેસ લગભગ દરેક પ્રકારના ફેસ પ્રોફાઇલ પર સૂટ કરશે. થોડી ભરાવદાર ગરદન ધરાવતા લોકો પર સિંગલ સેરમાં સ્ટોન લગાવેલું મોટું નેકપીસ સારું લાગશે. પાતળો ચહેરો હોય તો ચોકરથી લઈને લાંબા નેકપીસ સારા લાગશે. પહોળા ફેસ પર પણ લાંબી અને ભરાવદાર જ્વેલરી સારી લાગે છે. સહેજ લંબગોળ ચહેરો ધરાવતા લોકો પર રાઉન્ડ શેપની ઇટરિંગ સારી લાગે છે. એનાથી તેમના ફેસનું વોલ્યુમ વધે છે. ગોળ ફેસ કટ ધરાવતા લોકોએ રાઉન્ડ શેપના સ્ટડ અવોઈડ કરવા જોઈએ. એને બદલે બ્રોડ અને લાંબા શેપનાં ઇયર રિંગ્સ પહેરવાં જોઈએ.

પ્રસંગ પ્રમાણે

જો તમે કોઈ ખાસ પ્રસંગે જવા માટે જ્વેલરી ખરીદવાના હો તો મૂંઝવણ ઊભી નહીં થાય, પરંતુ અમસ્તા જ દાગીના ખરીદવા નીકળી પડ્યા છો તો ટ્રાય કરજો કે વર્સેટાઇલ જ્વેલરી ખરીદો. જેથી એને તમે કોઈ પણ દિવસે કોઈ પણ પ્રસંગમાં અને કોઈ પણ પ્રકારના ડ્રેસિંગ પર પહેરી શકો. ક્યારેક કંઈ જ મેળ ન ખાતું હોય ત્યારે ગળામાં પહેરેલો આ એક નેકપીસ તમારું મન બહેલાવી દેશે. મોટા ભાગે થોડી ક્લાસિક અને કન્ટેમ્પરીનું કોમ્બિનેશન ધરાવતી જ્વેલરીમાં તેમ જ ટ્રેડિશનલ પેટર્નથી સમય જતાં બોર થઈ જવાય છે અને દરેક પ્રકારના આઉટફિટ પર એ સારી પણ નથી લાગતી. જ્યારે કેટલીક એવરગ્રીન જ્વેલરી સમય સાથે વધુ દિલની નજીક થઈ જાય છે. પોલ્કી, કુંદન, ડાયમન્ડ નેકલેસ જેવી હંમેશા હિટ જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. દેખાવમાં ડિસન્ટ અને એલિગન્ટ લાગે છે.

પહેલાં ટ્રાયલ લો

હંમેશાં એલિગન્ટ અને ડિસન્ટ લાગે એવી જ જ્વેલરી પહેરવી એવું જરૂરી નથી, પણ જ્યારે નવો પ્રયોગ જ્વેલરી બાબતે કરો ત્યારે પરફેક્ટ દેખાવા માટે ટ્રાયલ જરૂર લો. ક્યારેક કોઈ હટકે પીસ પણ ટ્રાય કરી શકાય. ડિઝાઇનર જ્વેલરીમાં તો વિકલ્પ પણ ઘણા મળશે, પરંતુ એમાં તમે કમ્ફર્ટેબલ હો એ ખૂબ જરૂરી છે. વધુ પડતી ભભકેદાર જ્વેલરી તમારા લુકને બગાડી શકે છે એ વાત પણ મગજમાં રાખવી. અમુક પ્રકારનાં આઉટફિટ્સ પર જ અમુક જ્વેલરી શોભે. તેથી તમારા ડ્રેસ, તમારા દેખાવ, તમારી પર્સનાલિટીને અનુરૂપ ઘરેણાં પહેરશો તો તમે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો અને લોકોથી અલગ તરી આવશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter