વારાણસીઃ સનાતન ધર્મ અને શિવભક્તિનો પ્રભાવ સાત સમંદર પાર પર ફેલાઇ રહ્યો છે. તેનું જીવંત ઉદાહરણ છે રશિયાના સેન્ટ પીટર્સબર્ગની રહેવાસી મારિયા છે, જે આજે કાશીમાં ‘વિષ્ણુ પ્રિયા’ તરીકે ઓળખાય છે. એક સમયે ફેશન શો અને મોડેલિંગની ઝાકઝમાળ ભરેલી દુનિયા સાથે જોડાયેલી મારિયા આજે ભગવા વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી પૂર્ણપણે સંન્યાસિની બની ચૂકી છે.
આજથી લગભગ 12 વર્ષ પહેલાં વ્યવસાયિક કામકાજ અર્થે ભારત આવેલી મારિયા ગોકર્ણનાથ મંદિરમાં પ્રથમવાર શિવલિંગના સ્પર્શથી એટલી પ્રભાવિત થઈ કે થોડાક સમયમાં તેણે પોતાની બધી જ ભૌતિક ચીજોનો ત્યાગ કરી દીધો. ખ્રિસ્તી ધર્મ પરંપરાને અનુસરતા પરિવારમાં જન્મેલી - ઉછરેલી મારિયાને જીવનના પ્રશ્નોના ઉત્તરો સનાતન ધર્મના ગ્રંથોમાંથી મળ્યા. હિન્દુ શાસ્ત્રોમાં રસ પડ્યો, ઊંડો અભ્યાસ કર્યો. 2014માં તેણે સ્વામી કૌશલેન્દ્રગિરિ મહારાજ પાસેથી ગુરુદીક્ષા લીધી અને પોતાનું નામ બદલીને ‘વિષ્ણુપ્રિયા ભારતી’ રાખ્યું. હવે તેઓ સંપૂર્ણ સાત્વિક જીવન જીવે છે અને પોતાનો સંપૂર્ણ સમય શિવ આરાધનામાં વિતાવે છે.
2022માં કેન્સરનું નિદાન થયું
આ આધ્યાત્મિક પ્રવાસ દરમિયાન મારિયાના જીવનમાં એક મોટો પડકાર આવ્યો, જ્યારે 2022માં લાસ્ટ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું. તબીબોએ માત્ર બેથી ત્રણ અઠવાડિયાનું આયુષ્ય બચ્યું હોવાનું કહ્યું હતું. પરંતુ, બાબા વિશ્વનાથ પર અતૂટ શ્રદ્ધા ધરાવતી મારિયા જરા પણ ડગી કે ડરી નહીં. આ ભયાનક બીમારી સામે જંગ લડી અને દૃઢ ઇચ્છાશક્તિના બળે કેન્સરને મ્હાત આપીને આજે ધર્મમય જીવન વીતાવી રહી છે.


