લોસ એન્જલ્સઃ લોસ એન્જલ્સના રાજકારણમાં એક નવું અને ચોંકાવનારુ નામ ગુંજી રહ્યું છે. આ નામ છે નિત્યા રમણ. તેમને અમેરિકાના બીજા મમદાણી માનવામાં આવી રહ્યાં છે. આગામી બીજી જૂને લોસ એન્જલ્સમાં થનારી ચૂંટણીના સંભવિત દાવેદારોમાં બહાર આવેલા નિત્યા રમનના નામે બધાને ચોંકાવ્યા છે.
પ્રારંભમાં તો વર્તમાન મેયર કરેન બાસને સરસાઈ હાંસલ હતી. હવે નવા વર્તારાએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 30 એપ્રિલ સુધીના પોલીમાર્કેટના અનુમાનો મુજબ નિત્યા રમનના વિજયની સંભાવના 60 ટકા સુધી પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીમાં પોતાની ઉમેદવારીનું એલાન કરનારી નિત્યા રમને ગણતરીના મહિનામાં જ ચૂંટણી સમીકરણ પલટી નાખ્યું છે.
નિત્યા રમનની લોકપ્રિયતામાં થયેલા વધારાનું કારણ સીધો જનસંપર્ક છે. નિત્યા રમનનો જન્મ કેરળમાં 28 જુલાઈ 1981ના રોજ થયો હતો. તે ફક્ત છ વર્ષની હતાં ત્યારે તેમનું કુટુંબ અમેરિકા જતું રહ્યું હતુ અને લુઇસિયાનામાં વસી ગયું હતું. 22 વર્ષની ઉંમરે તેણે અમેરિકન નાગરિકત્વ મેળવ્યું હતું.
નિત્યાની શૈક્ષણિક કારકિર્દી જબરદસ્ત રહી છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ થિયરીનો અભ્યાસ કર્યો છે. તેના પછી વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી અર્બન પ્લાનિંગમાં ડિગ્રી મેળવી છે. નિત્યાનું આખુ અભિયાન સ્વયંસેવકો અને સામાન્ય લોકોના સહયોગ પર ટકેલું છે.


