મહિલાઓમાં આજકાલ વાઇડ લેગ ટ્રાઉઝર ફેશનમાં ખૂબ જ લોકપ્રિય અને આરામદાયક પસંદગી છે. તે પગના ભાગમાં ખુલ્લા અને ઢીલા હોય છે, જે કમ્ફર્ટની સાથે સ્ટાઇલીશ લુક આપે છે. આ ટ્રાઉઝર એંશીના દાયકાના બેલબોટમ ટ્રેકનું આધુનિક સ્વરૂપ છે અને ફરીથી ફેશનમાં જોવા મળી રહ્યું છે. યુવતીઓમાં લોકપ્રિય વાઈડ લેગ ટ્રાઉઝર એ ફેશનમાં વર્સટાઇલ છે.
વાઇડ લેગ ટ્રાઉઝરની લોકપ્રિયતા પાછળ અનેક કારણો છે. જેમાં તેની વિવિધ ડિઝાઇન, મટીરિયલ અને કલર્સની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. તે વિવિધ પ્રકારના કાપડમાંથી બનાવવામાં આવે છે. જેમાં ડેનિમ, કોટન, લિનન, રેયોન, કેપ, પોલીએસ્ટર, શિફોન, સાટીન અને વુલન તેના દેખાવ, આરામ અને યોગ્ય પ્રસંગ માટે જરૂરી છે. તે દરેક રંગોમાં મળી રહે છે. તે ફ્લોરલ, પોલ્કા ડોટ્સ, સ્ટ્રાઈપ્સ, એબસ્ટ્રેક્ટ પ્રિન્ટ્સ, એનિમલ પ્રિન્ટ્સમાં જોવા મળે છે.
યુવતીઓ પોતાની વ્યક્તિગત શૈલી, પ્રસંગ અને ઋતુને ખાનમાં રાખીને વાઇડ લેગ ટ્રાઉઝરની પસંદગી કરી શકે છે. આટલી વિશાળ વિવિધતા સાથે દરેક યુવતી માટે યોગ્ય વાઇડ લેગ ટ્રાઉઝર સરળતાથી મળી રહે છે.
વાઇડ લેગ ટ્રાઉઝરમાં પણ વેરાયટી
• પેલાઝો પેન્ટ્સઃ આ કમરથી નીચે સુધી ખૂબ જ પહોળા અને ઢીલા હોય છે, જે સ્કર્ટ જેવો દેખાવ આપે છે. તે સામાન્ય રીતે હળવા ફેબ્રિક્સ જેવા કે રેયોન, શિફોન અથવા કેપમાંથી બનેલા હોય છે અને ઉનાળા માટે ખૂબ જ આરામદાયક હોય છે.
• ક્યુલોટ્સ: આ વાઇડ લેગ ટ્રાઉઝરનો એક ટૂંકો પ્રકાર છે, જે પગની ઘૂંટીથી ઉપર મધ્ય ભાગ સુધીની લંબાઈ ધરાવે છે. તે ફેશનેબલ અને કેઝયુઅલ લુક માટે શ્રેષ્ઠ છે.
• ફ્લેરડ ટ્રાઉઝર્સઃ આ ટ્રાઉઝર હિપથી થાઈ સુધી ફીટ હોય છે અને ઘૂંટણની નીચેથી ધીમે ધીમે પહોળા થતા જાય છે. સીતેરના દાયકાની ફેશનથી પ્રેરિત આ ડિઝાઈન રેટ્રો લુક આપે છે.
• વાઇડ લેગ જીન્સ: ડેનિમ ફેબ્રિકમાં આવતા આ કેઝયુઅલ વેર માટે ઉત્તમ છે અને તેને વિવિધ ટોપ્સ સાથે સ્ટાઈલ કરી શકાય છે.
• ટેઇલર્ડ વાઈડ લેગ ટ્રાઉઝર્સ: આ ટ્રાઉઝર્સ પ્રમાણમાં વધુ સ્ટ્રક્ચર્ડ અને ફોર્મલ હોય છે. તે ઓફિસ વેર અથવા ફોર્મલ પ્રસંગો માટે યોગ્ય છે. તેમાં ક્રીઝ અથવા પ્લીટ્સ પણ હોઈ શકે છે.
• ક્રોપ્ડ વાઇડ લેગ ટ્રાઉઝર્સઃ આ ટ્રાઉઝર્સ સામાન્ય વાઇડ લેગ ટ્રાઉઝર્સ કરતાં થોડા ટૂંકા હોય છે, જે પગની ઘૂંટી ઉપર સમાપ્ત થાય છે. આ સ્ટાઇલ હીલ્સ અથવા બ્લેટ્સ બંને સાથે સારી લાગે છે.
• ડ્રોસ્ટ્રિંગ વાઇડ લેગ ટ્રાઉઝર્સઃ આમાં કમર પર ડ્રોસ્ટ્રિંગ્સ હોય છે, જે તેને વધુ આરામદાયક અને કેઝ્યુઅલ બનાવે છે. તે સામાન્ય રીતે હળવા અને સ્પોર્ટી ફેબ્રિક્સમાં બનાવવામાં આવે છે.
ટોપની સ્ટાઇલ કઇ રાખશો?
• ફિટેડ ટોપઃ વાઈડ લેગ ટ્રાઉઝર્સના ઢીલા સિલુએટને સંતુલિત કરવા માટે ફિટેડ ટોપ્સ, જેમ કે બોડીસૂટ, ફિટેડ ટી-શર્ટ, અથવા ટેઈલર્ડ બ્લાઉઝ પસંદ કરો.
• ક્રોપ ટોપ્સઃ ક્રોપ ટોપ્સ પણ વાઈડ લેગ ટ્રાઉઝર્સ સાથે ખૂબ જ સરસ લાગે છે, કારણ કે તે કમરના ભાગને હાઈલાઈટ કરે છે.
• ટક્ડ-ઇન ટોપ્સઃ તમારા ટોપને ટ્રાઉઝર્સમાં ટક કરવાથી કમરનો દેખાવ નિખારવામાં મદદ મળે છે અને વ્યક્તિત્વને એક ચોક્કસ લુક મળે છે.
• બોક્સી ક્રોપ ટી-શર્ટ/સ્વેટરઃ જો તમને બોક્સી ટોપ પસંદ હોય, તો ક્રોપ લેન્થના ટોપ પસંદ કરો, જેથી તે ટ્રાઉઝરની કમર પર યોગ્ય રીતે આવે અને બેલેન્સ્ડ લૂક આપે.
• ઓવરસાઇઝ્ડ શર્ટ્સઃ તમે ઓવરસાઇઝ્ડ શર્ટને પણ ટ્રાઉઝરની અંદર ટક કરીને સ્ટાઈલ કરી શકો છો.
• ડેટ નાઇટઃ વાઇડ લેગ જિન્સને બ્રાલેટ અને હીલ્સ સાથે, અથવા શેઅર બ્લાઉઝ સાથે પહેરી શકાય છે.
• સિલ્કી ટોપઃ ગરમીના દિવસોમાં હળવા લિનન વાઇડ લેગ પેન્ટ્સને સિલ્કી ટોપ અને સેન્ડલ સાથે પહેરવાથી આરામદાયક અને કૂલ લૂક મળે છે.
વાઇડ લેગ ટ્રાઉઝર્સના ફાયદા
• આ ટ્રાઉઝર્સ ઢીલા હોવાથી ગરમીમાં અથવા લાંબા સમય સુધી પહેરવામાં ખૂબ જ આરામદાયક લાગે છે.
• તે આધુનિક અને ટ્રેન્ડી લૂક આપે છે, જે તમને ફેશનેબલ દેખાવામાં મદદ કરે છે.
• કેઝ્યુઅલથી લઈને ઓફિસ અથવા પાર્ટી સુધી, વિવિધ પ્રસંગોએ તેને પહેરી શકાય છે.
• વાઈડ લેગ ટ્રાઉઝર્સ શરીરના આકારને સંતુલિત કરવામાં મદદ કરે છે, ખાસ કરીને પિઅર-શેપ બોડી (નીચલા ભાગે ભરાવદાર શરીર) ધરાવતી યુવતીઓ માટે તે ખૂબ જ ફ્લેયરિંગ હોય છે.