બીટનો જ્યૂસ તમે પીધો હશે પણ તેનો ઉપયોગ વાળ માટે પણ કરી શકાય છે એની તમને કદાચ ખબર નહીં હોય. બીટ આયર્ન, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તે વાળને રફ અને નબળા બનાવતાં અટકાવે છે. તેનું માસ્ક ડ્રાય સ્કેલ્પ અને ડેન્ડ્રફ માટે પણ ફાયદાકારક છે. બીટ સ્કેલ્પને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે અને કુદરતી રીતે પોષણ આપે છે તેમજ ખોડો પેદા કરનાર બેક્ટેરિયાને ઘટાડે છે. ઉપરાંત ખરતાં વાળને અટકાવી શકાય છે. શુષ્ક વાળને સિલ્કી બનાવી શકાય છે. વાળ માટે કઈ રીતે ઉપયોગી છે તે જોઇએ.
• વાળને ખરતાં અટકાવેઃ પોટેશિયમ વાળ માટે સૌથી ઉપયોગી તત્ત્વ છે. તેની ઉણપને લીધે વાળ ખરતાં હોય છે. બીટનો જ્યૂસ મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી વાળમાં બીટનો રસ કાઢીને લગાવવો જોઇએ. કોરા વાળમાં બીટનો રસ લગાવીને અડધો કલાક સુધી રહેવા દો. એ પછી વાળને સાદા પાણીથી ધોઇને શેમ્પૂ કરી લો. એનાથી ખરતાં વાળ અટકશે સાથે વાળની લંબાઇમાં પણ વધારો થશે.
• ખોડાને દૂર કરવાઃ ખોડામાંથી મુક્તિ મેળવવા માટે બીટના રસને સ્કેલ્પમાં લગાવો અને ખોડાની સમસ્યામાંથી છુટકારો મેળવો. બીટમાં એન્ટિ-પાયરેટિક પ્રોપર્ટી હોય છે, જે ખંજવાળને દૂર કરે છે. તમે એમાં વિનેગર પણ મિક્સ કરી શકો છો. એ માટે બીટને ગરમ પાણીમાં ઉકાળો, એ પાણી ઠંડું પડે એટલે વાળને ધોઇ નાંખો. બીટના પાણીથી ધોયા બાદ સાદા પાણીથી વાળ ધોવા નહીં. પછી વાળમાં સારી રીતે મસાજ કરો. આખી રાત વાળમાં રહેવા દો. બીટનું પાણી વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને સ્કેલ્પની મૃત કોશિકાઓને દૂર કરે છે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે.
• વાળને ચમકદાર બનાવેઃ ઠંડીની ઋતુમાં વાળમાં ભીનાશની ઉણપ સર્જાય છે. એના લીધે વાળમાં ડ્રાયનેસની સમસ્યા સર્જાય શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પણ બીટનો રસ સ્કેલ્પમાં લગાવી શકો. બીટમાં રહેલા વિટામિન-ઇ અને વિટામિન-એ વાળની ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે. બીટમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે જે વાળની ગુણવત્તાને સુધારવાનું કામ કરે છે, જે હેર ફોલિકલ્સને પોષણ પ્રદાન કરે છે. વાળને હેલ્ધી બનાવવા માટે બીટના રસમાં આદુંનો રસ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. એનાથી વાળ ચમકદાર બને છે. આ મિશ્રણને સ્કેલ્પ ઉપરાંત બધા જ વાળમાં લગાવો. લગાવ્યા બાદ સારી રીતે મસાજ કરો. એ પછી 15થી 20 મિનિટ બાદ વાળ સારી રીતે ધોઈ લો.


