આજકાલના ભાગદોડભર્યા જીવનમાં પ્રદૂષણ, ધૂળ-માટી, આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગને કારણે વાળ નબળા પડી જાય છે. તેના કારણે વાળ ખરવા, નિસ્તેજ થવા, અકાળે સફેદ થવા અને ખોડો થવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વાળની કુદરતી ચમક અને મજબૂતાઈ પાછી જે મેળવવા માટે ઘરેલુ અને કુદરતી હેર પેક શ્રેષ્ઠ ઉપાય છે.
મોઇશ્ચરાઇઝિંગ અને શાઈની હેર માટે...
કેળા અને મધનો હેર પેક
જો તમારા વાળ ખૂબ જ સૂકા, રફ અને બેજાન થઈ ગયા હોય, તો કેળા અને મધનો હેર પેક તમારા વાળ માટે અમૃત સમાન છે. કેળામાં પોટેશિયમ, કુદરતી તેલ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને તૂટતા અટકાવે છે. જ્યારે મધ એક કુદરતી હ્યુમેક્ટન્ટ છે, જે હવામાંથી ભેજને શોષીને વાળમાં લાંબા સમય સુધી જાળવી રાખે છે.
આ હેર પેક બનાવવા માટે એક પાકેલું કેળું લો અને તેને ચમચી કે બ્લેન્ડરની મદદથી બરાબર મેશ કરી લો, જેથી તેમાં કોઈ ગાંઠ ન રહે. હવે આ પેસ્ટમાં બે મોટી ચમચી શુદ્ધ મધ અને એક ચમચી નાળિયેરનું તેલ ઉમેરીને સરસ મિશ્રણ તૈયાર કરો. આ હેર પેકને વાળના મૂળથી લઈને છેડા સુધી સરખી રીતે લગાવો. તેને 40થી 45 મિનિટ માટે વાળમાં રહેવા દો અને ત્યારબાદ નવશેકા પાણીથી અને માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.
વાળ ખરતા અટકાવવા માટે...
મેથી અને દહીંનો હેર પેક
વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. મેથીના દાણા વાળ ખરતા અટકાવવા માટે સદીઓથી વપરાતો અકસીર ઈલાજ છે. મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે, જે વાળના મૂળને મજબૂત કરે છે અને હેર ગ્રોથ વધારે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે માથાની ત્વચા (સ્કેલ્પ)ને સાફ રાખે છે. સાથે સાથે જ દહીં અને મેથીનું મિશ્રણ વાળ માટે કુદરતી કન્ડિશનરનું કામ કરે છે.
આ હેર પેક બનાવવા માટે બેથી ત્રણ મોટી ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પાણી નિતારીને મેથીને મિક્સરમાં પીસીને એક સુંવાળી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં અડધો કપ ખાટું દહીં મિક્સ કરો. આ મિશ્રણને સ્કાલ્પ પર બરાબર લગાવો અને હળવા હાથે મસાજ કરો. અડધા કલાક પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવવાથી વાળ ખરવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
અકાળે સફેદ થતા વાળ અને ગ્રોથ માટે...
આમળાં, શિકાકાઈ અને અરીઠા હેર પેક
આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા વધી ગઈ છે. આમળાંમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટનો ભંડાર સમાયેલો છે, જે વાળના કુદરતી પિગ્મેન્ટને જાળવી રાખે છે અને વાળને કાળા રાખે છે. શિકાકાઈ અને અરીઠા કુદરતી ક્લીન્ઝર તરીકે કામ કરે છે, જે વાળને કેમિકલ વિના સાફ કરે છે.
આ પરંપરાગત હેર પેક બનાવવા માટે આમળાં પાઉડર, શિકાકાઈ પાઉડર અને અરીઠા પાઉડર સમાન માત્રામાં (આશરે બે-બે ચમચી) લો. આ ત્રણેય પાઉડરને લોખંડની કડાઈમાં નવશેકા પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને આખી રાત લોખંડના વાસણમાં જ રહેવા દો. સવારે આ પેસ્ટ કાળી થઈ જશે. તેને વાળમાં અને મૂળમાં બરાબર લગાવો. 45 મિનિટ પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. જે દિવસે આ પેક લગાવ્યો હોય એ દિવસે વાળમાં શેમ્પૂ ન લગાવો. આ પેક વાળને લાંબા સમય સુધી કાળા અને કન્ડિશન્ડ રાખે છે.
વાળમાં ડેન્ડ્રફની સમસ્યા માટે...
લીમડા અને લીંબુનો હેર પેક
માથામાં ખોડો (ડેન્ડ્રફ) થવાને કારણે ખંજવાળ આવે છે અને વાળનાં મૂળ નબળાં પડી જાય છે. લીમડાનાં પાનમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો હોય છે, જે ખોડો પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. લીંબુનો રસ સ્કાલ્પના પીએચ (pH) લેવલને સંતુલિત રાખે છે.
એક મુઠ્ઠી તાજા લીમડાનાં પાનને થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટમાં એક આખા લીંબુનો રસ ઉમેરો. આ પેકને ખાસ કરીને સ્કાલ્પ પર લગાવો. 20થી 30 મિનિટ રાખ્યા બાદ માઇલ્ડ એન્ટિ-ડેન્ડ્રફ અથવા હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો. શિયાળામાં કે ચોમાસામાં જ્યારે ખોડાની સમસ્યા વધુ હોય ત્યારે અઠવાડિયામાં એક વાર આ પેક લગાવવાથી ઘણો ફાયદો થાય છે.


