વિન્ટરના બે સાથીઃ કેપ અને ગ્લવ્સ

Monday 06th January 2020 06:27 EST
 
 

હળવી ઠંડી હોય તોય પણ માથે કેપ અને હાથમાં મોજા પહેરવા ગમે છે. ગરમ વસ્ત્રોમાં આમ તો સ્વેટર્સ, જેકેટ, શાલ, લોંગ કોટથી માંડીને મોજાનું કલેક્શન લોકો રાખે જ છે, પણ અત્યારે ફન્કી કેપ અને ફન્કી મોજાનો ટ્રેન્ડ છે. ટોપી અને હાથ-પગનાં મોજા આમ તો શિયાળા સિવાય પણ ગરમીથી, તડકાથી કે પવનથી બચવા પણ ઉપયોગમાં લઈ શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા માટે ટોપી અને મોજા ઠંડીનો સામનો કરવાની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટ પણ બની ગયા છે. હાલમાં એવા સોફ્ટ કેપ અને મોજા બને છે કે જાણે સોફ્ટ ટોય પહેરીને ચાલતા હોઈએ એવું લાગે છે. વળી, હોઝયરી મટીરિયલમાંથી બનેલી કેપ કે મોજા તો કોઈ પણ સિઝનમાં પહેરી શકાય છે. તેનો ઠંડીથી જ બચવા ઉપયોગ થઈ શકે તેવું નહીં.

ખાસ કરીને હાથ તેમજ પગના મોજા અને ટોપીમાં ફ્રૂટ્સ, કાર્ટૂન કેરેક્ટર્સ તેમજ લાંબા ફૂમતાની અવનવી સ્ટાઈલ જોવા મળે છે. આ પ્રકારના મોજા તેમજ ટોપી તમારા વ્યક્તિત્વને નિખારે છે અને તમારું વ્યક્તિત્વ પણ રજૂ કરે છે. જો તમે એક્ઝિક્યુટિવ કે પ્રોફેશનલ લેડી હો તો તમારે પ્લેન, ડાર્ક, ચેક્સ, લાઈનિંગની પસંદગી કરવી જેથી તમારો મોભો જળવાશે અને લુક પ્રોફેશનલ લાગશે. આ ઉપરાંત હાલમાં પોલકા ડોટ્સ ડિઝાઈન પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રદેશની ટ્રેડિશનલ કેપની સ્ટાઈલ પણ ખૂબ જ મનમોહક હોય છે. જેમ કે ભારતના હિમાચલ પ્રદેશની કેપની સ્ટાઈલ વિશ્વભરમાં ખૂબ જ વખણાય છે. એ મટીરિયલની કેપ પણ પસંદ કરી શકાય.

ફન્કી મોજા તેમજ રોમ્પર્સ જો બાળકોને પણ બતાવાય તો બાળકો હોંશેહોંશે પહેરે છે. આ પ્રકારના ટોપી અને મોજા તમે પણ પણ સહેલાઈથી કેરી કરી શકો છો અને તમારા ફેશનેબલ પાર્ટીવેર સાથે પણ તમે આસાનીથી સેટ કરી શકો છો. ઉપરાંત હવે તો વિન્ટર માર્કેટમાં હાથમોજા તેમજ પગમોજા અને ટોપીના આખા સેટ આવે છે જે પહેરવાથી કમ્પલિટ મેચિંગ લૂક મળે છે અને તે જુદા જુદા રંગોમાં ઉપલબ્ધ હોવાથી તમે ડેનિમ સાથે કે પછી કુર્તી સાથે પહેરો તો તે ઉઠાવ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter