વિન્ટરમાં તમારો વટ પાડશે વેલ્વેટ

Wednesday 21st February 2024 06:33 EST
 
 

શિયાળો એક એવી ઋતુ છે જ્યારે દરેક વ્યક્તિ પોતાની સ્ટાઈલને લગતા અનેક પ્રયોગો કરી શકે છે. શિયાળામાં અનોખા લુક માટે આઉટફિટમાં લેયરિંગ જેવા પ્રયોગ કરી શકાય છે. શિયાળામાં સ્ત્રીઓની ફેબ્રિકની પસંદગીમાં પણ ફેરફાર થાય છે. જોકે આ સિઝનમાં વેલ્વેટનું વિશેષ મહત્ત્વ છે. આ સિઝનમાં વેલ્વેટના આઉટફિટ પહેરવાનું ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે એ રોયલ લુક આપે છે. જોકે, પરફેક્ટ લુક માટે વેલ્વેટ પહેરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં આવી જ કેટલીક ટિપ્સ તમને જણાવી છે, જેને અનુસરીને તમે વિન્ટરમાં વેલ્વેટ પહેરીને તમારા વ્યક્તિત્વને નિખારી શકો છો.
• પ્રસંગને અનુરૂપ પસંદગી
જ્યારે તમે વેલ્વેટ આઉટફિટ પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો ત્યારે પ્રસંગને ધ્યાનમાં રાખવો જોઇએ. જીન્સને કેઝ્યુઅલમાં વેલ્વેટ જેકેટ સાથે સ્ટાઇલ કરી શકાય છે. સાથે જ જો તમારે પ્રોફેશનલ લુક જોઇતો હોય તો વેલ્વેટ બ્લેઝર સાથે મેચિંગ પેન્ટ પહેરો. જો તમે ગેટ ટુગેધર પાર્ટી કે કોઈ પણ ફંક્શનમાં વેલ્વેટ પહેરવાનું નક્કી કર્યું હોય તો વેલ્વેટ સૂટ પર પસંદગી ઉતારી શકાય.
• યોગ્ય રંગની પસંદગી
જ્યારે તમે વેલ્વેટ પહેરો છો, ત્યારે તમારા આઉટફિટનો રંગ તમારા એકંદર દેખાવને પણ અસર કરી શકે છે. આ સિઝનમાં મહિલાઓ મોટા ભાગે ડાર્ક અને ડીપ કલર પહેરવાનું પસંદ કરે છે. તમે વેલ્વેટમાં ડીપ અને રિચ કલર પણ પસંદ કરી શકો છો. બ્લેક વેલ્વેટ દરેક સ્ત્રીને સૂટ કરે છે, પરંતુ આ સિવાય તમે એમેરલ્ડ ગ્રીન, ડીપ બ્લુ અને બોલ્ડ રેડ જેવા કલર્સ પહેરીને પણ તમારા વ્યક્તિત્વને નિખારી શકો છો. તમે ઇચ્છો તો વેલ્વેટમાં કલર બ્લોકિંગ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, વ્હાઇટ અને બ્લેક અથવા તો પછી વ્હાઇટ અને રેડનું કોમ્બિનેશન ખૂબ સારું લાગે છે. તમે વ્હાઇટ સૂટ સાથે રિચ રેડ વેલ્વેટ ચુનરીને સ્ટાઇલ કરી શકો છો.
• ક્વોલિટીને અગ્રતા
જ્યારે પણ તમે વેલ્વેટ આઉટફિટની ખરીદી કરો ત્યારે હંમેશાં સારી ગુણવત્તાનું કાપડ પસંદ કરો. વેલ્વેટ આઉટફિટની સૌથી શ્રેષ્ઠ બાબત છે તેની સ્મૂધ ફિનિશ. જો તમારા વેલ્વેટ ફેબ્રિકનું ફિનિશિંગ સ્મૂધ નહીં હોય તો તમારો લુક બિલકુલ સારો નહીં લાગે. શિયાળામાં વેલ્વેટ પહેરતી વખતે એની સાથે કોમ્બિનેશનમાં પહેરવામાં આવતા આઉટફિટના અન્ય કાપડ પર પણ ધ્યાન આપો. ઉદાહરણ તરીકે, જો તમે વેલ્વેટ બ્લેઝર પહેર્યું હોય તો તેની સાથે સિલ્ક ટોપ સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. આ બંનેનું કોમ્બિનેશન તમને સુંદર દેખાવ આપશે. તે જ સમયે, જો તમે સ્ટાઇલ સ્ટેટમેન્ટ લુકમાં વેલ્વેટ પહેરવા કરવા માગતા હો તમે વેલ્વેટ કોટ પણ પહેરી શકો છો. તે એકદમ સ્ટાઇલિશ લાગશે.
• અલગ લુક આપો ટ્રેડિશનલને
આજકાલ ક્રોપ ટોપની ઉપર સાડી ઇન ટ્રેન્ડ છે. તમે હાઇ નેક ફુલ સ્લીવ્ઝ ક્રોપ ટોપ પહેરીને તેની ઉપર કોઈ પણ પ્રિન્ટેડ સાડી પહેરી શકો છો. જો તમારે કંઈક સ્લીવલેસ પહેરવું હોય તો વેલ્વેટ હાઈ નેક હોલ્ટર નેક બ્લાઉઝ કેરી કરી શકો છો. તે કોઈ પણ સ્કર્ટ અથવા સાડી સાથે સંપૂર્ણ દેખાશે. વેલ્વેટનું ડીપ વી-નેક એલ્બો સ્લીવ બ્લાઉઝ કોઈ પણ જ્યોર્જેટ, શિફોન કે ક્રેપ સાડીને રોયલ લુક આપે છે. બે એકદમ વિરોધાભાસી ફેબ્રિકનું મિક્સ એન્ડ મેચ પણ વેલ્વેટ ફેબ્રિક પહેરવાનો કોન્ફિડન્સ આપે છે.
જેમ કે, વેલ્વેટના સિલ્વર અથવા ગોલ્ડન વર્ક કરેલા બ્લાઉઝ સાથે નેટ, શિફોન, ક્રેપ જેવા ફેબ્રિકની સાડી પહેરો. જો તમે લગ્નપ્રસંગને ધ્યાનમાં રાખીને વેલ્વેટનો પોશાક બનાવવા માગતા હો તો તેમાંથી લહંગા, અનારકલી, લાંબી કુરતી ઈત્યાદિ બનાવી શકો છો. અલબત્ત, તેમાં સરસ વર્ક કરેલું હોવું જોઈએ. જો આમાંથી કાંઈ મખમલનું ન બનાવવું હોય તો એની સાથે વેલ્વેટનો દુપટ્ટો સેટ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter