વિવિધ ડાયેટ પ્લાન વિશે જાણવા જેવું...

Tuesday 26th May 2026 07:53 EDT
 
 

આજે મેદસ્વી લોકોને જલદી પાતળા થઈ જવા વજન ઉતારવાનું ઘેલું લાગ્યું છે. વધુ પડતું વજન ધરાવતા મોટા ભાગના લોકોના મોંએ તમને ક્યારેક ને ક્યારેક અચુક સાંભળવા મળશે કે ‘મારે તો શરીર ઉતારવું છે, એટલે ડાયેટિંગ કરું છું.’ કોઇ કિટો ડાયેટ કરે છે તો કોઇ થ્રી અવર ડાયેટ કરે છે તો કોઇ સાઉથ બીચ ડાયેટ કરે છે. પરંતુ આ બધા ડાયેટ પ્લાન ખરેખર છે શું તે આપણે ઉડતી નજરે જાણીએ. ખાસ યાદ રાખશો કે વિવિધ ડાયેટની આ વિગતો માત્રને માત્ર સામાન્ય જાણકારી માટે છે, યોગ્ય તબીબી માર્ગદર્શન વગર તેનો અમલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

• કિટો ડાયેટઃ કિટો કે કિટોજનિક ડાયેટ લો-કાર્બ અને હાઈ ફેટ ડાયેટ છે. જેમાં કાર્બોહાઈડ્રેટ્સને બદલે ફેટવાળા પદાર્થો ખાવાના હોય છે. કાર્બ્સ લેવાનું બંધ કરો એટલે તમારું શરીર કેટોસિસ તરીકે ઓળખાતા સ્ટેજમાં જતું રહે છે. એવું મનાય છે કે, શરીર કેટોસિસમાં જાય પછી ફેટ ફટાફટ બળવા માંડે છે અને વજન ઘટવા માંડે છે. આપણા શરીરને સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટમાંથી ઉર્જા મળતી હોય છે. કિટો શરૂ કરો એટલે તમારે ઘઉં, ચોખા, મકાઈ વગેરે જેવાં ધાન ખાવાના બંધ કરવા પડે છે. આ ઉપરાંત ખાંડનું સેવન સાવ ઘટાડી દેવું પડે છે. કિટોમાં સફરજન, સંતરા, કેળા કે કંદમૂળ ખાવાની પણ મનાઈ હોય છે. કિટો ડાયેટમાં 60-75 ટકા કેલેરી ફેટમાંથી, 15-30 ટકા કેલેરી પ્રોટીનમાંથી અને બાકીની 5-10 ટકા કેલેરી કાર્બોહાઈડ્રેટ્સમાંથી મેળવવાની હોય છે. કિટો ડાયેટ કરનારા લોકોનું વજન ફટાફટ ઘટે છે તેમ મનાય છે, પરંતુ આ ડાયેટની સાઈડ ઈફેક્ટ પણ છે. કિટોમાં શરીરને કાર્બોહાઈડ્ર્ટ્સ મળતાં બંધ થઈ જવાને કારણે પહેલા ત્રણ-ચાર દિવસ સ્ટોર થયેલા ગ્લુકોઝમાંથી શરીર ગુજરાન ચલાવે છે પછી શરીર કિટોસિસ મોડમાં આવી જતાં ફેટ બર્ન થવા માંડે છે. પરિણામે ઊલટી, માથું દુખવું, ઉબકા આવવા, પગમાં ખાલી ચઢવી કે ડાયેરિયા વગેરે લક્ષણો જોવા મળે છે.
• થ્રી અવર ડાયેટઃ આ પ્રકારના ડાયેટમાં દર ત્રણ કલાકે થોડા પ્રમાણમાં ખાવાનું હોય છે. જોકે, તેની પાછળની થિયરી એ છે કે, તમારા મેટાબોલિઝમ કે ચયાપચયને તે ઊંચા દરે ચાલતું રાખે અને ચરબી બળતી રહે. પરંતુ આમાં કોઈ ચીજવસ્તુ નહીં ખાવાનો કોઈ પ્રતિબંધ નથી. આમાં તમે દર ત્રણ કલાકે કોઇપણ વસ્તુ કે ચોકલેટ ખાઈ શકો છો. આ ડાયેટ પ્લાન એ માન્યતા પર વિકસાવવામાં આવ્યો છે કે, તમે ત્રણ કલાકથી વધારે સમય સુધી ખોરાક ન લો તો તમારું શરીર તરત જ સ્ટાર મોશન મોડમાં જતું રહે છે અને પછી તે પોતાની જાત માટે ગ્લુકોઝ મેળવવા મસલ્સને બાળે છે અને ચરબી ભેગી કરે છે. આ સિદ્ધાંત સાચો છે પરંતુ કાંઈપણ ખાવાની છૂટ મળે એટલે આપણે ન ખાવા જેવું પણ ઘણું બધું ખાઈ લઈએ છીએ.
 
• સાઉથ બીચ ડાયેટઃ સાઉથ બીચ ડાયેટ, હદયરોગનું જોખમ ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ સાથે વિકસાવેલો આ ડાયેટ ફ્લોરિડાના એક ડોક્ટર અને ડાયેટિશિયને વિકસાવ્યો છે. આ ડાયેટમાં બેડ ફેટની જગાએ ગુડ ફેટ અને ખરાબ કાર્બોહાઈડ્રેટની જગાએ સારો કાર્બોહાઈડ્રેટ લેવાનો અનુરોધ કરાયો છે. જેમાં ખાંડવાળા પદાર્થો અને પ્રોસેસ્ડ કરેલા અનાજની વાનગીઓને બદલે શાકભાજી, કઠોળ, આખું અનાજ લેવાનું સૂચન કરાયું છે તેમજ સંતૃપ્ત ચરબીને બદલે ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતા પદાર્થો લેવાના હોય છે.
 
• ન્યૂ બેવરલી હિલ્સ ડાયેટઃ 1981માં પ્રચલિત બનેલા બેવરલી હિલ ડાયેટનું જ આ નવું સ્વરૂપ હોવાથી તેને ન્યૂ બેવરલી હિલ્સ ડાયેટ નામ અપાયું છે. આ ડાયેટમાં એવું મનાયું છે કે વજન વધવાનું મુખ્ય કારણ ખોરાક નહીં પણ અપૂર્ણ રીતે પચેલો ખોરાક છે. આ ડાયેટમાં યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવા પર ભાર મુકાયો છે. વળી, એવું પણ માનવામાં આવે છે કે, અમુક પ્રકારના ખોરાકને અમુક જાતના ખોરાક સાથે કદાપી ન લેવો જોઈએ. એટલે કે, કાર્બોહાઈડ્રેટવાળા પદાર્થને બીજા કાર્બોહાઈડ્રોટવાળા પદાર્થ સાથે જ લેવો જોઈએ, પ્રોટીનવાળા પદાર્થને બીજાં પ્રોટીનવાળા પદાર્થ સાથે જ લેવો જોઈએ. ફળને હંમેશાં એકલાં જ ખાવાં જોઈએ, ફળને દિવસની શરૂમાં અને જેટલાં પ્રમાણમાં ભાવે અને ફાવે તેટલાં જ ખાવા જોઈએ. એક ફળ ખાધાના એક કલાક પછી બીજાં ફળ ખાઈ શકાય અને તેના બે કલાક પછી કાર્બોહાઈડ્રેટ, ચરબી કે પ્રોટીનવાળા પદાર્થ ખાવા જોઈએ.
 
• કેબેજ સૂપ ડાયેટઃ નામ પ્રમાણે જ આ ડાયેટમાં કોબીજ અને બીજાં શાકભાજીમાંથી બનાવેલો સૂપ જ દિવસ દરમિયાન વધુમાં વધુ લેવાનો હોય છે. જોકે, તેની સાથે મર્યદિત પ્રમાણમાં બીજી વસ્તુ લઈ શકાય. આ ડાયેટમાં વજન ઘટાડો ખૂબ ઝડપી એટલે કે, અઠવાડિયામાં લગભગ 10 પાઉન્ડ જેટલો થઈ શકે છે. એમાંય જો કોઈ ખાસ પ્રસંગે સારા અને સુંદર દેખાવું હોય ત્યારે કેબેજ સૂપ ડાયેટને વેનિટી ડાયેટ તરીકે મહત્ત્વનો ગણવામાં આવે છે. જોકે, આ પ્રકારના ડાયેટમાં વજન ઘટવાની સાથોસાથ તમારી તંદુરસ્તી જોખમાઈ પણ શકે છે. આ ડાયેટ પોષક તત્ત્વોની દ્રષ્ટિએ તદ્દન અસમતોલ છે. આ ડાયેટ અઠવાડિયા માટે કરવાનો હોવાથી ઘણી અશક્તિ પણ લાગે છે.

• ગ્રેપફ્રૂટ ડાયેટઃ આ ડાયેટના નામ પ્રમાણે ગ્રેપફ્રૂટ (ચકોતરા)ને વિશેષ મહત્ત્વ અપાયું છે. દિવસ દરમિયાન લેવાતા દરેક ભોજનમાં ગ્રેપફ્રૂટ અને તેનો રસ લેવાનો હોય છે. ખોરાક બનાવવામાં મસાલા, ડ્રેસિંગ કે થોડા પ્રમાણમાં માખણ વાપરી શકાય. આ ડાયેટમાં પ્રોટીનયુક્ત ભોજન અને સ્ટાર્ચયુક્ત ભોજન ચાર કલાકના અંતરે લેવાનાં હોય છે. આ ડાયેટમાં રોજની એક હજાર જેટલી જ કેલેરી લેવાની હોય છે.

• ગ્લાયસેમિક ઈન્ડેક્સ ડાયેટઃ ગ્લાયસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) એ ખાદ્યપદાર્થનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન છે, જે દર્શાવે છે કે, જે તે પદાર્થ ખાધા પછી કેટલી ઝડપથી લોહીમાં ખાંડનું પ્રમાણ વધે છે. આ જાણકારી ખરેખર તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે. હાઇ જીઆઈ ખાદ્યપદાર્થો લોહીમાં ઘણી ઝડપથી અને વધારે પ્રમાણમાં ખાંડ છૂટી પાડે છે, જેના કારણે ચરબીનો ભરાવો થવાની શક્યતા વધારે રહે છે અને ભૂખ વધવાની શક્યતા પણ વધી જાય છે. પરિણામે વજન વધે છે. ડાયેટના આ પ્રકારમા હાઈ જીઆઈ ફૂડ ઓછાં લેવાથી ભૂખ ઘટે છે અને ધીમે-ધીમે વજન પણ ઘટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter