વિશ્વ વિખ્યાત ‘એપલ’ની વાર્ષિક કમાણીથી ચાર ગણું કામ ભારતીય મહિલાઓ નિઃશુલ્ક કરે છે

Wednesday 30th January 2019 07:09 EST
 
 

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ મુજબ વિશ્વસ્તરે મહિલાઓ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટ્રિલિયન ડોલરનું કામ તદ્દન નિઃશુલ્ક એટલે કે ‘મફત ધોરણે’ કરે છે. આવકની આશા વગર કરવામાં આવતા આ પ્રકારના કામની કિંમત દુનિયાની સૌથી મોટી કંપની ‘એપલ’ની વાર્ષિક કમાણીથી ચાર ગણું વધારે છે.
ભારતમાં મહિલાઓ ઘર અને બાળકોની સારસંભાળ લેવાનું જે કામ કરે છે તે દેશની જીડીપીના ૩.૧ ટકા ભાગ છે. પ્રતિ દિવસ શહેરોની મહિલાઓ ૩૧૨ મિનિટ અને ગામડાંઓની મહિલાઓ ૨૯૧ મિનિટનો સમય એવા કામ પર ખર્ચ કરે છે જેની એમને કોઇ આવક કે ભથ્થું મળતું નથી.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં આંતરરાષ્ટ્રીય અધિકાર સમૂહ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, ભારતમાં વધતી જતી આર્થિક અસમાનતાથી મહિલાઓ અને યુવતીઓ સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને કામ સામે આછું વળતર ચૂકવવામાં આવે છે. ભારતના ૧૧૯ સભ્યો ધરાવતા અરબપતિ ક્લબમાં માત્ર ૯ મહિલાઓનો જ સમાવેશ થાય છે.
એક તારણ એમ પણ કહે છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની આવક ઓછી હોવાના કારણે જે પરિવારોમાં મહિલાઓ કમાણી કરતી હોય છે તે પરિવારો ગરીબ પણ હોય છે. ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને ૩૪ ટકા ઓછું વળતર ચૂકવવામાં આવે છે.
બિહાર, ઝારખંડ, છત્તીસગઠ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના એક હજાર પરિવારોમાં કરાયેલા અભ્યાસ મુજબ ૫૩ ટકા લોકોનું માનવું છે કે, મહિલાઓ બાળકોની સારસંભાળ લેવામાં અસફળ રહે તો તેમની સખત ટીકા કરવી જોઇએ. ૩૩ ટકા લોકો મુજબ આ કારણસર મહિલાઓને માર મારવો જોઇએ. ૬૦ ટકા લોકોનું માનવું છે કે, જો મહિલાઓ કોઇ બીમાર વયસ્કનો ત્યાગ કરે તો મહિલા દ્વારા મહિલાની ટીકા કરવી એ યોગ્ય બાબત છે. ૪૧ ટકા લોકોનું માનવું છે કે, મહિલાઓ તેના પરિવારમાં પુરુષો માટે ભોજન તૈયાર ન કરે તો તેઓ સજાને પાત્ર છે. ૪૨ ટકા લોકોનું માનવું છે કે મહિલાઓ પરિવાર માટે પાણી કે ઇંધણ ન લાવી શકે તો તેમને શારિરીક દંડ આપવો જોઇએ.
ભારતમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક કડક કાયદાઓની જોગવાઇ છે, પરંતુ તેમના અમલીકરણ સામે પડકારો છે. જે પાછળનું મુખ્ય કારણ પુરુષપ્રધાન સમાજ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં મોટી સંખ્યામાં મહિલાઓ એવા ક્ષેત્રોમાં કાર્યરત છે જ્યાં તેમની પાસે યૌનશોષણ જેવા ગંભીર ગુનાઓ સામે લડવા માટે પ્રયાપ્ત તંત્ર નથી. જેના પરિણામ સ્વરૂપે મહિલાઓ કામ છોડી દે છે અથવા પરિસ્થિતિઓને શરણ થઇ કામ ચાલુ રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter