વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મહિલા ઈથેલ કેટરહેમે 21 ઓગસ્ટે તેમનો 116મો બર્થ ડે મનાવ્યો હતો. બ્રાઝિલના ઈનાહ કેનબેરો લુકાસનાં મૃત્યુ બાદ ઈથેલનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવાયું છે. ઈંગ્લેન્ડના સરેનાં રહેવાસી ઈથેલ સિવાય તેમના પરિવારના અન્ય સભ્યોનું પણ આયુષ્ય લાંબુ રહ્યું છે. તેમનાં બહેન બાબીલાસે 104 વર્ષ અને 78 દિવસનું દીર્ઘાયુ ભોગવ્યું હતું. 1927માં ઈથેલ 18 વર્ષની ઉંમરે ત્રણ દિવસના દરિયાઈ પ્રવાસ બાદ એકલા ભારત આવ્યાં હતાં અને બ્રિટિશ પરિવારના બાળકોની સંભાળ રાખતાં હતાં. 1931માં એક ડિનર પાર્ટીમાં તેઓ બ્રિટિશ આર્મી ઓફિસર એવા તેમના ભાવિ પતિને મળ્યાં અને 1933માં તેમણે લગ્ન કર્યાં હતાં. બાદમાં પતિનું પોસ્ટિંગ હોંગકોંગ થતાં તેઓ ત્યાં શિફટ થયાં હતાં. જ્યારે, ઈથેલ દાદીને પૂછવામાં આવ્યું કે, તમારા લાં...બા જીવનનું રહસ્ય શું છે ત્યારે તેમણે હળવા હાસ્ય સાથે કહ્યું કે, હંમેશા નવી તકને ઝડપી લો કારણ કે, તમને પણ નથી ખબર કે આ નવો પડકાર તમને ક્યાં લઈ જશે.