વિશ્વમાં સૌથી ઊંચી મહિલાનું બિરુદ ધરાવતી રુમેસ્યા ગેલ્ગીને આ અનોખો વિક્રમ પોતાના નામે નોંધાયેલો હોવાનો આનંદ તો છે, પણ 7 ફૂટ 7 ઇંચની આ જ વિક્રમજનક ઊંચાઇ ક્યારેક ક્યારેક તેના માટે સમસ્યારૂપ પણ બની રહે છે. રુમેસ્યાનું કહેવું છે કે તે પ્લેનનો પ્રવાસ ખેડે છે ત્યારે તેને વધારે પડતી ઊંચાઇના કારણે એક નહીં, પણ છ-છ ટિકિટ બુક કરાવવી પડે છે.
તુર્કીની રહેવાસી રુમેસ્યા 28મા જન્મદિનની ઉજવણી પછી દુનિયાના દરેક દેશની મુલાકાત લેવાની ઇચ્છા ધરાવે છે પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવનારી આ યુવતી માટે પ્લેન, કાર કે બીજા કોઈપણ સ્વરૂપમાં પ્રવાસ ખેડવો મુશ્કેલ જ નથી પણ અત્યંત કપરો છે. તુર્કીના કારાબોક વિસ્તારમાં રહેતી રુમેસ્યા ક્યાં તો વ્હીલચેર પર હોય છે અથવા તો વોકરની મદદથી ચાલતી હોય છે. તેની આટલી ઊંચાઈ હોવાનું કારણ તેને થયેલો વીવર સિન્ડ્રોમ હોવાનું માનવામાં આવે છે. તેણે લાંબા સમય સુધી તો પ્લેનમાં બેસવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેની ઊંચાઈના લીધે તેને કોઈ પણ પ્લેનમાં બેસાડવી શક્ય ન હતી. છેવટે તુર્કીશ એરલાઇન્સ તેની મદદે આવી અને સીટની આખી હરોળ કાઢી આપીને તેના માટે ત્યાં સ્ટ્રેચરની વ્યવસ્થા તેને કરી આપી. જોકે આ માટે રુમેસ્યાએ છ સીટની કિંમત ચૂકવવી પડે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે રુમેસ્યાની સીટિંગ એરેન્જની કિંમતમાં તો આખું ફેમિલી પ્રવાસ કરી શકે. સપ્ટેમ્બર 2022માં રુમેસ્યા પહેલી વખત આકાશમાં ઉડી હતી. તે સાન ફ્રાન્સિસ્કોથી કેલિફોર્નિયા ગઇ હતી. આ પહેલો વિમાન પ્રવાસ તેના માટે અવર્ણનીય રહ્યો હતો. રુમેસ્યા કહે છે કે મને આ પ્રવાસમાં કોઈ તકલીફ પડી ન હતી. વધુ પડતી ઊંચાઈના કારણે તે પ્લેનમાં બેસી શકતી ન હોવાથી તેને સ્ટ્રેચરમાં સૂતાં-સૂતાં જ પ્રવાસ કરવો પડે છે. વળી, તેને દરેક પ્રવાસમાં મેડિકલ સપોર્ટ સ્ટાફ પણ સાથે લઇ જવો પડે છે. ફ્રીલાન્સ વેબ ડેવલપર તરીકે કામ કરતી રુમેસ્યા વર્ષમાં કમસે કમ એક વખત કોઈને કોઈ દેશનો પ્રવાસ ખેડવાનું આયોજન ધરાવે છે. તેણે સ્પેન, યુએસ, યુકે અને ઈટલી સહિત પ્રવાસ ખેડવાલાયક કેટલાય દેશોની યાદી બનાવી છે. તે વારાફરતી આ દેશોની મુલાકાત લેવાનું આયોજન ધરાવે છે.