વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમમાં ભારતીય વૈજ્ઞાનિકની સાડી

Sunday 28th June 2026 11:37 EDT
 
 

અમેરિકાનું સુપ્રસિદ્ધ સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમની સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણીના પ્રસંગે દર્શકો માટે પાંચ નવી ગેલેરીઓ શરૂ કરવાની તૈયારીમાં છે. 50 વર્ષથી ફાઇટર પ્લેન, સ્પેસક્રાફ્ટ સહિતની ઐતિહાસિક ચીજવસ્તુઓનો વારસો સાચવીને બેઠેલા આ પ્રદર્શનમાં આજકાલ એક ભારતીય સાડી સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સાડી ઇંડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (‘ઇસરો’)ના મંગળયાન મિશન સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક નંદિની હરિનાથની છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 2014માં પહેલા જ પ્રયાસમાં મંગળ ગ્રહની કક્ષામાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે સમયે મિશન કંટ્રોલ રૂમમાં અન્ય મહિલા વૈજ્ઞાનિકો સાથે નંદિની હરિનાથ પણ હાજર હતાં. મંગળયાનની સફળતા બાદ તેમની અને સાડીમાં સજ્જ અન્ય મહિલા વૈજ્ઞાનિકોની તસવીરોએ વિશ્વભરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. હવે નંદિની હરિનાથની આ જ સાડીને સ્મિથસોનિયન મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. નંદિની હરિનાથ ‘ઇસરો’માં બે દસકાના કાર્યકાળ દરમિયાન 14થી વધુ મહત્ત્વના મિશનમાં કામ કરી ચૂક્યા છે. તેઓ મંગળયાન મિશનમાં ડેપ્યુટી ઓપરેશન્સ ડિરેક્ટર હતાં. મ્યુઝિયમના જણાવ્યા મુજબ આ સાડી કંઈ સામાન્ય ડ્રેસ નથી, પરંતુ ભારતની સ્પેસ સિદ્ધિ, મહિલા વૈજ્ઞાનિકોની ભૂમિકા અને મંગળયાનની ઐતિહાસિક તથા શાનદાર સફળતાનું પ્રતીક છે. નંદિની હરિનાથની સાડીને ‘ફ્યુચર્સ ઈન સ્પેસ’ નામની ગેલેરીમાં અમેરિકાનાં પહેલી મહિલા અવકાશયાત્રી સેલી રાઈડ દ્વારા પહેરવામાં આવેલા ફ્લાઈટ ટી-શર્ટની સાથે એક્ઝિબિટ કરવામાં આવી છે.

આપણે સહુ જાણીએ છીએ કે દસકાઓ દરમિયાન ભારતમાં અનેક ફેશન આવી અને ગઈ પરંતુ, સાડી એક એવું પરિધાન રહ્યું છે કે જે ક્યારેય આઉટ ઓફ ફેશન થયું નથી. અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશોમાં જઇ વસીને ભારતીયોએ ઇતિહાસ રચ્યો છે, પરંતુ નંદિની હરિનાથે ભારતમાં જ રહીને ભારતનું નામ રોશન કર્યું છે. નંદિની હરિનાથને સન્માન તો એક શરૂઆત છે. ભારતમાં અનેકવિધ ક્ષેત્રે નારીરત્નો અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter