શિયાળાના આગમન સાથે જ ફેશન જગતમાં એક ફેબ્રિક ખાસ સ્થાન મેળવી લે છે - મખમલ એટલે કે વેલ્વેટ. તેનું નરમ, સ્મૂથ અને ગ્લોવાળું ટેક્સ્ચર માત્ર આંખને જ નહીં, શરીરને પણ આરામ અને ગરમાવો આપે છે. આજકલ ડિઝાઈનરો વેલ્વેટને પરંપરાગત લહેંગા કે સાડીમાં જ નહીં, પણ આધુનિક વસ્ત્રોની દરેક કેટેગરી - ટોપ, બોટમ, બ્લાઉઝ, ગાઉન અને ઇન્ડો–વેસ્ટર્ન્સમાં પણ સુંદર રીતે વાપરી રહ્યા છે. આથી મખમલની ફેશન ફક્ત પાર્ટી કે લગ્ન પ્રસંગ માટે જ નહીં, પરંતુ નાઈટ આઉટ, શિયાળાનાં બ્રન્ચ, ફેસ્ટિવ ડિનર જેવી ઘણી જગ્યાએ સ્ટાઈલિશ ચોઈસ બની ગઈ છે. આનું સૌથી મોટું કારણ એ છે કે શિયાળામાં થોડીક ઠંડી હોય ત્યારે વેલ્વેટના કપડાં બોડી ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે. બીજી તરફ, તેની શાઈનિંગ ફિનિશ દરેક આઉટફિટને રોયલ અને રિચ લુક આપે છે.
વેલ્વેટના વૈવિધ્યપૂર્ણ વસ્ત્રો પર એક નજર...
• બ્લાઉઝઃ લહેંગા કે સાડી સાથે ક્લાસિક કનેક્શન છે. જો તમે સાડી કે લહેંગાને વધુ ગ્રેસફુલ અને લક્ઝુરિયસ દેખાડવા ઈચ્છો તો વેલ્વેટ બ્લાઉઝ પરફેક્ટ છે. વળી, જો તમારી સાડી હળવી હોય તો વેલ્વેટ બ્લાઉઝ તેને તરત જ હેવી લુક આપે છે. અને હા, ડાર્ક મરૂન, ગ્રીન, નેવી બ્લ્યૂ અને બ્લેક-વેલ્વેટમાં આ કલર્સ સૌથી વધુ ક્લાસી લાગે છે.
• ટોપ કે બોટમ વેરઃ ડેઈલી વેરથી પાર્ટી સુધી આ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય છે. વેલ્વેટ ટોપની વાત કરીએ તો, પફ સ્લીવ ટોપ, હોલ્ટર નેક અથવા હાઈ-નેક વેલ્વેટ ટોપ જીન્સ, સ્કર્ટ અથવા લેધર પેન્ટ સાથે પહેરો તો ઈન્સ્ટન્ટ ગ્લેમ લુક મળે છે. ફુલ સ્લીવ વેલવેટ ટોપ સાથે થોડું જરદોસી વર્ક સરસ લાગે છે. જ્યારે વેલ્વેટના બોટમ વેરની વેરાયટી પર એક નજર ફેરવીએ તો ફ્લેર પેન્ટ, સ્ટ્રેઇટ વેલ્વેટ ટ્રાઉઝર અથવા સ્કર્ટ એ સાદા ટોપ સાથે પણ ખૂબ જ રિચ દેખાય છે. ખાસ કરીને બ્લેક વેલ્વેટ પેન્ટ એવા વર્સેટાઈલ છે કે કેઝ્યુઅલથી લઈને સેમી-ફોર્મલ સુધી બધે મેચ થઈ જાય છે.
• હેવી વર્ક વેલ્વેટ ડ્રેસઃ દેવદિવાળીથી શરૂ થયેલી લગ્નની સિઝનમાં હાલ બ્રેક હોય, પણ 14 જાન્યુઆરીએ કમુહર્તા પૂરા થવા સાથે ફરી વેડિંગ સિઝન શરૂ થઇ રહી છે. લગ્નપ્રસંગે વેલ્વેટના વસ્ત્રો પરિધાન કરીને તમે તમારા વ્યક્તિત્વને નિખારી શકો છો. જેમ કે, વેલ્વેટના ગાઉન કે પછી ઇન્ડો-વેસ્ટર્નમાં હેવી મિરર વર્ક, થ્રેડ વર્ક કે જરદોસી વર્ક હોય તો આખું આઉટફિટ રાજસી દેખાય છે. હેવી વર્ક વેલ્વેટ બ્લેઝર પણ તમને લગ્ન પ્રસંગમાં સૌથી અલગ બતાવશે.
• કો-ઓર્ડ સેટઃ મોર્ડન, સ્ટાઈલિશ અને કમ્ફર્ટેબલ એટલે કો-ઓર્ડ સેટ. આમ તો કો-ઓર્ડ સેટ ઘણા સમયથી ટ્રેન્ડમાં છે જ, પણ વેલ્વેટમાં તે વધુ જ શાનદાર લાગે છે. ક્રોપ ટોપ સાથે સ્ટ્રેઇટ પેન્ટ, વેલ્વેટ બ્લેઝર સાથે ટ્રાઉઝર, રેપ ટોપ સાથે ફ્લેર પેન્ટ... આ બધું જ પાર્ટી, ન્યૂ યર ઇવેન્ટ કે શિયાળાની ઈવનિંગ ગેધરિંગ માટે બેસ્ટ ચોઈસ છે. આ સેટ સ્માર્ટ-ફિટ સાથે ગરમાવો અને ગ્લેમ બંને આપે છે.
... પણ વેલ્વેટ વસ્ત્રોને જાળવણી કઇ રીતે કરશો?
• મખમલને સાચવવામાં થોડું સાવધાન રહેવું પડે છે.
• હંમેશા સ્ટીમ પ્રેસ કરો, સીધી ઈસ્ત્રી ન ફેરવો.
• ફેબ્રિકને વધારે પાણીમાં ન ભીંજવો.
• હેંગર પર જ રાખો જેથી ક્રિઝ ન પડે.
વેલ્વેટ ફેબ્રિક એ શિયાળું ફેશનની રાણી છે. તમે બ્લાઉઝ પહેરો કે કો-ઓર્ડ સેટ, ટોપ પહેરો કે હેવી ડ્રેસ... ચાહે તમને ગરમાવો જોઈએ, કે પછી ગ્લેમર કે રોયલ અંદાજ જોઈએ, વેલ્વેટ દરેક રીતે તમને ચમકાવે છે!


