ટોક્યોઃ જાપાન એક એવો દેશ છે જ્યાં હંમેશા પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે આ જ દેશ મહિલા સૌંદર્યના મામલે જરા હટકે અભિગમ અપનાવીને ચર્ચામાં આવ્યું છે. દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન ધરાવતા ટોકયોમાં આવેલું એક અંડરગ્રાઉન્ડ બાર આજકાલ બહુ ચર્ચામાં છે. આ બાર જાપાનની પરંપરાગત સુંદરતા અને લિંગભેદના અભિગમને પડકારી રહ્યું છે.
રંગબેરંગી નિયોન લાઇટ્સ, જોરશોરથી સંગીત અને જોશથી ભરેલા ગ્રાહકોવાળા આ બારનું નામ ‘મસલ ગર્લ્સ’ છે.આ રેસ્ટોરાંમાં વેઈટર તરીકે મસલ ગર્લ્સ જોવા મળી રહી છે. ત્યાં કામ કરતી મહિલાઓ મસલ્સ અને આત્મવિશ્વાસને સુંદરતાના નવા ધોરણનું સીમાચિહ્ન માની રહી છે. તેઓ પોતાના હાથથી ગ્રેપફ્રૂટ નીચોવે છે. પોલ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ અને વેઈટ ટ્રેનિંગ શો કરે છે. અહીં સુંદરતાનો અર્થ સ્લિમ ફિગર નહીં પણ શક્તિ, આત્મવિશ્વાસ અને ફિટનેસ છે. તેનો સંદેશ સ્પષ્ટ છે, મહિલાનો અર્થ નાજુક હોવું નથી, પરંતુ મજબૂત હોવું પણ છે. 2020માં શરૂ થયેલું આ ફિટનેસ-થીમ આધારિત બાર ટોક્યોમાં વાયરલ સ્પોટ બની ગયું છે.
આ રેસ્ટોરાંના મેનેજરના જણાવ્યા અનુસાર, જાપાનમાં બ્યુટીનો અર્થ સ્લિમ ટ્રિમ ફિગર થાય છે. પરંતુ, મસલ ગર્લ્સ જાપાનના બ્યૂટી સ્ટાન્ડર્ડને ફરીથી લખી રહી છે. વિકસિત દેશોમાં જાપાનમાં ઓછા વજનવાળી મહિલાઓનો દર સૌથી વધુ 9 ટકા છે. ત્યારે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે, સ્લીમ રહેવાના આગ્રહથી કુપોષણ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે, મસલ ગર્લ્સે દેશમાં નવી ટ્રેન્ડ શરૂ કરી છે.
રેસ્ટોરાંમાં કસ્ટમર્સ 6000 યેન ચૂકવીને પ્રોટીન શેક, અનલિમિટેડ ફૂડ-ડ્રિન્ક્સનો આનંદ મેળવે છે. આ દરમિયાન તેમની જીમ એક્ટિવિટી ચાલુ રહે છે. કેટલાક ઉત્સાહી કસ્ટમર્સ મસલ ગર્લ્સના હાથે ચહેરા પર થપ્પડ ખાવા માટે એકસ્ટ્રા યેન પણ આપે છે! વર્ષ 2020માં આ રેસ્ટોરાંની શરૂઆત થઈ હતી ત્યારે ઘણા કહેતા કે, થોડા સમયમાં તે બંધ થઈ જશે. પરંતુ, પાંચ વર્ષના સમયમાં તેની લોકપ્રિયતા વધી છે. વિદેશી પ્રવાસીઓ પણ આ રેસ્ટોરાંની મુલાકાત લેવાનું ચૂકતા નથી. મસલ ગર્લ બારના ટ્રેન્ડને કારણે ટોક્યોમાં જીમિંગ ગિયરની માંગમાં વધારો થયો છે.
ટ્રેનિંગ ટિપ્સ અને પ્રેરણાનો સમન્વય
મસલ ગર્લ્સ બારમાં 30-35 મહિલા કામ કરે છે જે બોડીબિલ્ડિંગ, ક્રોસફિટ અને પ્રદર્શનમાં નિષ્ણાત છે. બાર મેનેજર અને પરફોર્મર હિતોમી હરિગામી કહે છે, ‘આ બારથી મને અહેસાસ થયો કે હું જે છું તે જ શ્રેષ્ઠ છું. આ લાગણીએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. મારા માટે, આ સ્થળ ફક્ત કામ નથી પરંતુ ‘સિસ્ટરહુડ’ અને આત્મસન્માનનું કેન્દ્ર છે. જ્યાં મહિલાઓ ટ્રેનિંગ ટિપ્સ શેર કરે છે સાથે ઉજવણી કરે છે અને એકબીજાને પ્રેરણા આપે છે.’
યુરોપિયન દેશોમાં પણ બદલાતો ટ્રેન્ડ
મસલ ગર્લ્સનો ટ્રેન્ડ અમેરિકા, કોરિયા અને યુરોપમાં પણ ફિટનેસ-આધારિત સુંદરતાને પ્રોત્સાહન આપી રહ્યો છે. મસલ ગર્લ્સના યુકા મોરિયા કહ્યું કે તેમનું દરેક પ્રદર્શન શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. લોકો આમાંથી શીખે છે કે ફિટનેસ એ સુંદરતા છે. સુંદરતા આત્મબળ અને આત્મસન્માનમાં છે. જાપાનમાં પાતળી મહિલાને સુંદર ગણવાના પરંપરાગત દૃષ્ટિકોણને કારણે 20થી 40 વર્ષની વયની દર દસમાંથી એક મહિલાનું વજન ઓછું થઈ ગયું છે. ડોકટરોના મતે આ ધારણા કુપોષણ અને માનસિક તણાવ જેવી સમસ્યા વધારે છે.


