યુનાઈટેડ નેશન્સ: લેબનોનમાં યુનાઇટેડ નેશન્સ મિશન સાથે સેવા આપતાં ભારતીય શાંતિરક્ષક મેજર અભિલાષા બરાકને વર્ષ 2025ના પ્રતિષ્ઠિત ‘યુનાઈટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડ્વોકેટ ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરાયાં છે.
યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોન (‘યુનિફીલ’)ના ભાગરૂપે તેમની તૈનાતી દરમ્યાન વિવિધ સંપર્ક કાર્યક્રમ અને જાતીય સંવેદનશીલ અભિયાનો દ્વારા મહિલાઓ અને કિશોરીઓને સહાયરૂપ થવાના પ્રયાસોની કદરરૂપે મેજર અભિલાષા બરાકને આ સન્માન એનાયત થયું છે.
બરાક ‘યુનિફીલ’ ખાતે ભારતીય બટાલિયનમાં ફીમેલ એન્ગેજમેન્ટ ટીમનાં કમાન્ડર તરીકે સેવા આપે છે. મેજર બરાક ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટ હેલિકોપ્ટર પાયલટ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ એવોર્ડ તાજેતરમાં યુએન શાંતિરક્ષકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમ્યાન યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે અપાયો હતો.
મેજર બરાકની સિદ્ધિ યુએન શાંતિરક્ષાના ક્ષેત્રમાં ભારત માટે વધુ એક ગૌરવપૂર્ણ પળ છે. તે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર ત્રીજાં ભારતીય બન્યાં છે. અગાઉ મેજર સુમન ગવાનીને દક્ષિણ સુદાનમાં પોતાના કાર્ય માટે 2019માં તેમજ મેજર રાધિકા સેનને 2023માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં તેની સેવા માટે સન્માનિત કરાયા હતા.
યુનાઇટેડ નેશન્સના શાંતિ અભિયાનો માટેના વિભાગ દ્વારા 2016માં શરૂ કરાયેલા આ એવોર્ડ દ્વારા જેન્ડર ઇક્વાલિટી અને યુએનના મહિલા, શાંતિ તેમજ સુરક્ષાના એજન્ડાને પ્રોત્સાહન આપનાર સૈન્ય શાંતિરક્ષકોનું સન્માન કરાય છે. ભારત યુએન પીસ કિપિંગ મિશનોમાં સૌથી મોટો ફાળો આપનાર દેશ રહ્યો છે. હાલ ‘યુનિફીલ’ હેઠળ લેબનોનમાં 642 ભારતીય કર્મીઓ સેવા આપી રહ્યા છે.


