શિયાળામાં વિવિધ સ્કાર્ફથી મેળવો અવનવી સ્ટાઇલ

Tuesday 03rd February 2026 08:44 EST
 
 

શિયાળો શરૂ થાય પછી પહેરવેશમાં સૌથી વધુ ઉપયોગી અને સૌંદર્ય વધારતી એક્સેસરી સ્કાર્ફ છે. સામાન્ય રીતે ગળા અને છાતીને ઠંડી હવાથી બચાવવા માટે સ્કાર્ફ પહેરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં સ્કાર્ફ માત્ર રક્ષણ માટે જ નહીં, પરંતુ ફેશનનો પણ એક મહત્ત્વનો ભાગ બની ગયું છે. ચાહે પુરુષ હોય કે સ્ત્રી, યુવા હોય કે વર્કિંગ વુમન સ્કાર્ફ દરેક માટે એક સ્ટાઈલિશ અને પ્રેક્ટિકલ પસંદગી છે.

વિવિધ પ્રકારના સ્કાર્ફ
સ્કાર્ફ અનેક પ્રકારના જોવા મળે છે. વુલન સ્કાર્ફ, કાશ્મીરી સ્કાર્ફ, નિટેડ સ્કાર્ફ, શોલ પ્રકારના લાંબા સ્કાર્ફ તથા ઈન્ફિનિટી સ્કાર્ફ સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. વુલન અથવા નિટેડ સ્કાર્ફ ભારે ઠંડીમાં ગળાને પૂરતું ગરમ રાખે છે. કાશ્મીરી સ્કાર્ફ અત્યંત નરમ અને લાઇટવેટ હોય છે, જેના કારણે તે પાર્ટીવેર અથવા ઓફિસ વેર માટે ખાસ પસંદગી બને છે. ઈન્ફિનિટી સ્કાર્ફ એક રાઉન્ડ લૂપ ડિઝાઈનમાં હોય છે.

સ્કાર્ફના અનેકવિધ ઉપયોગ
શિયાળામાં સ્કાર્ફનો મુખ્ય ઉપયોગ શરીરને ઠંડીથી બચાવવાનો છે. ગળાને ગરમ રાખવાથી ઠંડી, ખાંસી અને ગળું દુખાવાની શક્યતા ઓછી થાય છે. ઉપરાંત, શિયાળાની તીવ્ર હવામાં સ્કાર્ફ ચહેરાની ત્વચાને પણ રક્ષણ આપે છે.
ફેશનની દૃષ્ટિએ જુઓ તો સ્કાર્ફ કોઈ પણ સાદા આઉટફિટને એકદમ ટ્રેન્ડી બનાવી શકે છે. સાદા જીન્સ-ટીશર્ટ પર કલરફુલ સ્કાર્ફ પહેરવાથી આખો લુક બદલાઈ જાય છે. પરંપરાગત વસ્ત્રો જેમ કે કુર્તા અથવા લોન્ગ કોટ સાથે કલરફુલ સ્કાર્ફ સુંદર લાગે છે.

સ્કાર્ફને સ્ટાઈલ કઇ રીતે કરશો?
સ્કાર્ફ પહેરવાની અનેક સ્ટાઈલ્સ ઉપલબ્ધ છે. લૂપ સ્ટાઈલ, ડ્રેપ સ્ટાઈલ, નોટ સ્ટાઈલ અથવા બેલ્ટેડ સ્કાર્ફ સ્ટાઈલ. ઠંડી વધુ હોય ત્યારે સ્કાર્ફ ગળા નજીકથી ટાઇટ રીતે રેપ કરવો અને જો માત્ર ફેશન માટે હોય તો તેને ઢીલો ડ્રેપ કરવો.

સ્કાર્ફ સાથે કલર કોમ્બિનેશન
જો તમે ડાર્ક કોટ સાથે લાઇટ સ્કાર્ફ અથવા મલ્ટિકલર આઉટફિટ સાથે સોલિડ સ્કાર્ફ સ્ટાઇલ કરશો તો તમારું વ્યક્તિત્વ દીપી ઉઠશે. શિયાળાના દિવસોમાં સ્કાર્ફ માત્ર એક એક્સેસરી નથી, પણ તે આરામ, ગરમી અને ફેશનનો સંતુલિત સંગમ છે. યોગ્ય સ્કાર્ફ પસંદગીથી તમારો લુક વધારે પ્રભાવશાળી બનાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter