કાતિલ ઠંડીના દિવોસમાં સૌથી ઉપયોગી અને પ્રિય વસ્તુ એટલે ગરમાવો આપતા બ્લેન્કેટ. પણ જો તેની કાળજી યોગ્ય રીતે ન લેવાય તો તે કડક થઇ જાય છે, વાસ આવવા લાગે છે અથવા તેની ચમક ગુમાવી દે છે. તમે સામાન્ય કાળજી લઇને બ્લેન્કેટને વર્ષો સુધી એવાને એવા જાળવી શકો છો.
• બ્લેન્કેટ કેવી રીતે વોશ કરશો? આ માટે તેનું કેર લેબલ વાંચવું સૌથી જરૂરી છે. જો ‘હેન્ડ વોશ ઓન્લી’ લખેલું હોય તો મશીનનો ઉપયોગ ના કરવો. મશીન વોશની મંજૂરી હોય તો કોલ્ડ વોટર અને જેન્ટલ સાઈકલ જ પસંદ કરો. હાર્શ પાઉડર અથવા બ્લીચ બ્લેન્કેટને કઠણ બનાવે છે, તેથી લિક્વિડ ડિટર્જન્ટ હળવું જ વાપરવું. જોકે હાથેથી ધોવું સૌથી સલામત રીત છે. ટબમાં ઠંડું પાણી ભરીને થોડો ડિટર્જન્ટ નાખો અને બ્લેન્કેટને 10–15 મિનિટ બોળી રાખો. માત્ર હળવા હાથે દબાવીને ધુઓ. સ્વચ્છ પાણીથી બે–ત્રણ વાર તારવો. સીધો તડકો આવતો હોય એવી જગ્યાએ ક્યારેય ન સુકવો. છાંયડામાં પાથરીને સુકવવાથી બ્લેન્કેટની સોફ્ટનેસ અને આકાર બંને જળવાય રહેશે.
• બેડ સ્મેલ કેવી રીતે દૂર કરશો? બ્લેન્કેટ લાંબા સમય સુધી કબાટમાં પડ્યો રહેવાથી તેમાં બેડ સ્મેલ આવી જાય છે. બ્લેન્કેટને ખોલીને હવા આવતી જગ્યાએ થોડા કલાક માટે ખુલ્લો મુકી રાખો. થોડો બેકિંગ સોડા છાંટીને ખુલ્લો રાખવાથી વાસ ઝડપથી ઘટે છે. વોશિંગ સમયે અડધો કપ સફેદ વિનેગર ઉમેરવાથી વાસ અને બેક્ટેરિયા બંને દૂર થાય છે. સુગંધ મેળવવા માટે બ્લેન્કેટના ફોલ્ડ વચ્ચે લવિંગ-એલચી ભરેલા નાના પાઉચ મૂકવાથી પણ ઉત્તમ પરિણામ મળે છે. સ્ટોરેજ કરતી વખતે બ્લેન્કેટ સંપૂર્ણ સુકાયેલું હોવું જોઈએ. કોટન કપડાંમાં લપેટીને મૂકવાથી વાસની સમસ્યા નડતી નથી.


