દુનિયામાં જાતજાતના લોકો જોવા મળે છે. એમાં અમુક લોકો એવા હોય છે જે, એક વખત પોતાના ગોલને નક્કી કરી લે, પછી જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી જંપીને બેસતા નથી. શ્રીયા લોહિયા પણ આવી જ છોકરી છે. શ્રીયા નાની હતી ત્યારે એણે પોતાનો ગોલ નક્કી કર્યો અને જ્યાં સુધી તેને મંજિલ ન મળી ત્યાં સુધી જંપીને ન બેઠી. આ જ પ્રતિબદ્ધતાના પરિણામે શ્રીયાએ માત્ર 16 વર્ષની વયે મોટરસ્પોર્ટ્સના ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરે નોંધાવી દીધું છે.
મોટરસ્પોર્ટ્સ સામાન્ય રીતે પુરુષોની રમત માનવામાં આવે છે, પણ આ રમતમાં તેણે મહારત હાંસલ કરી. અત્યારે શ્રીયા લોહિયા સૌથી નાની ઉંમરની રેસિંગ સેન્સેશન બની ચૂકી છે. ફોર્મ્યુલા-ફોર રેસિંગમાં ભાગ લેનાર ભારતની પહેલી મહિલા ડ્રાઈવર બની છે. તેણે આ ભગીરથ કામ ફક્ત સોળ વર્ષની ઉંમરમાં કરી બતાવ્યું છે. આ વયે મોટાભાગની ટીનેજર્સ શું પહેરવું અને કેવો મેકઅપ કરવો તેની વાતો કરતી જોવા મળે છે, જ્યારે શ્રીયાએ આ ઉંમરે હૈદરાબાદ બ્લેકબર્ડ્સનું પ્રતિનિધિત્વ કર્યું. એટલું જ નહીં, એમાં પહેલી ભારતીય ફોર્મ્યુલા ફોર ચેમ્પિયનશિપમાં સારા અંક મેળવી મોટી ઉપલબ્ધ હાંસલ કરી અને મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાની માન્યતા મેળવી છે. શ્રીયાએ ફક્ત મોટરસ્પોર્ટ્સમાં જ ધૂમ મચાવી રહી છે એવું નથી, પરંતુ તે પોતાના અભ્યાસ ઉપર પણ એટલું જ ધ્યાન આપે છે. તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને વિજ્ઞાનની સ્ટુડન્ટ છે. તે કહે છે કે, ‘મોટરસ્પોર્ટ્સનું ઝનૂન મારી કરિયર કરતાં પણ વધારે છે’. આથી શ્રેયા ફોર્મ્યુલા-1, ફોર્મ્યુલા-2, ફોર્મ્યુલા-3, ફોર્મ્યુલા-ફોર સહિતની વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપ અને વર્લ્ડ એન્ડયોરેન્સ ચેમ્પિયનશિપ સહિત વિવિધ રેસિંગને એક પ્રશંસક તરીકે આજે પણ જોવાનું ચૂકતી નથી.
સ્કૂલમાં ભણતી ટીનેજ ગર્લ 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પોર્ટ્સ કાર ચલાવીને પુરુષ સ્પર્ધકોની આગળ નીકળે ત્યારે લોકો જોતાં જ રહી જાય છે. હિમાચલ પ્રદેશના સુંદરનગરની રહેવાસી શ્રીયાએ ફક્ત નવ વર્ષની ઉંમરમાં મોટરસ્પોર્ટ્સની યાત્રા શરૂ કરી હતી. એ વખતે તેણે ગો કાર્ટિંગ શરૂ કર્યું હતું. ગતિ અને પરફેક્શનને લઈને તેનામાં ગજબનું ટેલેન્ટ હતું. આ ટેલેન્ટને કારણે જ તે અન્યની સરખામણીમાં ઝડપથી આગળ વધી શકી.
શ્રીયાએ વિવિધ સ્પર્ધાઓમાં 30થી વધારે વખત પોડિયમ ફિનિશ હાંસલ કર્યું છે. નિરંતર પ્રયત્ન અને તેના પ્રત્યેના સમર્પણને કારણે શ્રેયા અનેક પુરસ્કાર મેળવી શકી છે. જેમાં દેશમાં મોટરસ્પોર્ટ્સ માટે નિયામક સંસ્થા ફેડરેશન ઓફ મોટરસ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇંડિયાની માન્યતાનો પણ સમાવેશ થાય છે. નાનકડી શ્રીયાની રેસિંગ યાત્રા રોટેક્સ મેક્સ ઈન્ડિયા કાર્ટિંગ ચેમ્પિયનશિપ રેસમાં ભાગ લેવા સાથે શરૂ થઈ હતી. આ રેસમાં તેણે માઈક્રો મેક્સ શ્રેણીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. મોટરસ્પોર્ટ્સમાં શ્રીયાના ઉદયની આ શરૂઆત હતી. તેણે મેળવેલી ઉપલબ્ધિને માન્યતા આપતાં ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાએ શ્રેયાને મોટર સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ મહિલા પુરસ્કાર આપીને સન્માનિત કરાઇ છે. તો વર્ષ 2022માં શ્રીયાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાઇ હતી, જે બાળકોને ભારતમાં અપાતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
રેસિંગ ઉપરાંત શ્રીયા મલ્ટી ટેલેન્ટેડ એથ્લીટ પણ છે. તેણે બાસ્કેટબોલ, બેડમિન્ટન, પિસ્ટલ શૂટિંગ, સાઇક્લિંગ અને સ્ટેન્થ ટ્રેનિંગમાં ખાસ ઇન્ટરેસ્ટ છે. આ બધી રમત તેની ફિઝિકલ ફિટનેસમાં અભિવૃદ્ધિ કરે છે.
શ્રીયાના પિતા રિતેશભાઈ કહે છે કે, પૂનાથી બેંગ્લોર અમે તેને રેસિંગ કોમ્પિટિશનની તાલીમ લેવા માટે લઈ જતા હતા. શરૂ શરૂમાં આ બધું અમને બહુ અઘરું પડતું હતું, પણ પછી ટેવાઈ ગયા. બીજું, મોટરસ્પોર્ટ્સ એ શ્રીયાનો આત્મા છે એવું કહી શકાય. મોટરસ્પોર્ટ્સ પ્રત્યેનું તેનું ઝનૂન જ તેને આ ટોચના સ્થાન સુધી લઇ આવ્યું છે. પુરુષોની ગેમમાં એક મહિલા અને એમાંય સ્કુલ ગર્લનો પગપેસારો બહુ મહેનત અને હિંમત માંગી લે એવો નિર્ણય છે. આમ છતાં તેણે દૃઢ નિર્ધાર થકી પોતાના શોખને સાકાર કરવાના ઝનૂનને સાબિત કરી બતાવ્યું છે. શ્રીયાએ પુરવાર કર્યું છે કે પ્રતિભા
અને દૃઢ સંકલ્પ પડકારજનક ક્ષેત્રે પણ સફળતા અપાવી શકે છે. શ્રીયા ભારતમાં મહત્ત્વાકાંક્ષી મહિલા રેસર્સ માટે પથપ્રદર્શકના રૂપમાં છે એવું કહીએ તો પણ એ ખોટું તો નથી જ.