સદાબહાર કોટન આઉટફિટ

Wednesday 20th May 2020 06:50 EDT
 
 

દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબમાં દરેક પ્રકારના કાપડના કપડાં હોય એ પસંદ કરે છે. વિવિધ મટીરિયલમાં આજે પણ કોટનનાં કપડાં લોકો માટે સદાબહાર છે. કોટનના કપડામાંથી આજકાલ વિવિધ પ્રકારના ફેન્સી આઉટફિટ બને છે, પણ પારંપરિક કુર્તા, ડ્રેસિસ વગેરે આઉટફિટ સૌથી વધુ સુંદર પણ લાગે છે અને આરામદાયક રહે છે. લોંગ કોટન ડ્રેસિસથી લઈને કુર્તી સુધીની આઉટફિટ સ્ટાઈલ અહીં દર્શાવવામાં આવી છે.

કોટન લોંગ ફ્રન્ટ ઓપન ડ્રેસ

આ પ્રકારનો અપર ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપશે. કોટન પલાઝો, પેન્ટ કે કોઈ પણ મેચિંગ બોટમ સાથે તે પહેરી શકાય છે. આ પ્રકારના અપર આઉટફિટમાં આગળના ભાગમાં ઝીપ અથવા બટન્સ હોય છે તે શ્રગની જેમ પણ પહેરી શકાય છે.

એ – લાઇન

એ-લાઇન ડ્રેસિસ પણ ઈનટ્રેન્ડ છે. આ પ્રકારના આઉટફિટનો શેપ કોઈ પણ પ્રકારનું ફિગર ધરાવતી યુવતી અને મહિલાને સુંદર લાગે છે. જેમનો લોઅર બોડી પાર્ટ વધારે હોય તેમના માટે એ લાઇન ડ્રેસિસ પરફેક્ટ છે.

મેક્સી કોટન ડ્રેસ

કોટન મેક્સી આઉટફિટની લંબાઈ છેક પગની એડી સુધીની હોય છે. જોકે ઘૂંટણથી નીચે સુધીમાં કેટલી લંબાઈ રાખવી કે પસંદ કરવી તે પહેરનાર પર આધારિત છે. તે કમર સુધી ફિટિંગવાળા હોય છે અને કમરથી નીચેથી લૂઝ હોય છે. તમને તેનાથી ફ્રોક ડ્રેસ ટાઇપ લુક મળે છે.

ઝભા અથવા કુર્તા

જો તમારે પ્રોફેશનલ લુક જોઈતો હોય તો કુર્તા શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્લેન ડાર્ક કે લાઈટ કુર્તા ઓફિસ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈ પણ બોટમ વેર સાથે મેચિંગ કરીને ઝભા કે ખુલતા કોટન કુર્તા તમે પસંદ કરી શકો છો. આ કુર્તામાં ટેનિસ, ચાઈનિઝ કે રેગ્યુલર કોલર પણ હોય તો સુંદર લાગે છે. લોંગ કુર્તા, પ્લાઝો પેન્ટ્સ કે પછી લોંગ સ્કર્ટનું કોમ્બિનેશન વધારે સુંદર લાગે છે. આ પ્રકારની ડ્રેસિંગ સ્ટાઇલિશ આર્ટિસ્ટિક લુક આપે છે.

સ્ટાઇલિશ કુર્તી

દરેક યુવતી અને મહિલાઓએ રનિંગ માટે કેટલીક કોટન કુર્તી વસાવવી જોઈએ. કોઈ પણ બોટમ વેર સાથે કોટન કુર્તી જચે છે. ઝીણીથી માંડીને મોટી પ્રિન્ટમાં કોટન કુર્તીઓ માર્કેટમાં આસાનીથી મળી રહે છે. ફ્લાવર પ્રિન્ટથી માંડીને પોલકાં ડોટ્સ, એનિમલ પ્રિન્ટ કે ડિજિટલ પ્રિન્ટમાં કુર્તીઓ મળે છે. કોટનની કુર્તી સ્ટાઇલિશ અને કર્મ્ફ્ટ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે. તમે તે પહેરીને એથનિક લુક મેળવી શકો છો તો જીન્સ સાથે પહેરીને ઈન્ડો વેસ્ટર્ન કે વેસ્ટર્ન લુક પણ મેળવી શકો છો. કોટનની કુર્તી ધોતી પેન્ટ અને પટિયાલા સાથે પણ મેચિંગ કરીને પહેરી શકાય છે. તે ફેસ્ટિવલ લુક માટે વધારે યોગ્ય બની રહે છે.

• કુર્તીમાં મેચિંગ એક્સેસરીઝ પહેરીને તમે ચાર્મિંગ લુક મેળવી શકો છો. કોટન ડ્રેસિસ સાથે કાનમાં ઈન્ડિયન લૂક આપે તે પ્રકારની એક્સેસરીઝ કે ઘરેણાં પહેરી શકો છો. માત્ર કાનમાં ઝુમકીઓ પણ પહેરી હોય તો સુંદર લાગશે.

• કોટન કુર્તા અને કુર્તીમાં વાયબ્રન્ટ અને ઘેરા કલર્સ પણ ઈનટ્રેન્ડ છે. કુર્તા કે કુર્તી સાથે મેચિંગ સ્ટોલ પણ કેરી કરી શકાય.

• જો તમારે કાટન આઉટફિટ સાથે ઈન્ડિયન લૂક જોઈતો હોય તો પગમાં જૂતી કે લેધર સેન્ડલ્સ કે ચંપલ પસંદ કરી શકાય જો ઈન્ડો વેસ્ટર્ન લુક જોઈતો હોય તો સ્ટ્રેપ સેન્ડલ્સ પહેરી શકાય અને જો વેસ્ટર્ન લુક જોઈતો હોય તો તમે હાઈ હિલ સેન્ડલ પણ પહેરી શકો છો. ગ્લેમરસ લુક મેળવવા પાર્ટી શૂઝ પણ કેરી કરી શકાય છે.

• કોટન ડ્રેસ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે સરખી રીતે પ્રેસ થયેલો હોવો જોઈએ. તેનાથી જ તમને સ્માર્ટ લુક મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter