સમરને શોભાવશે ફ્લોરલ પ્રિન્ટ

Wednesday 19th May 2021 07:35 EDT
 
 

વાસંતી ઋતુ આવે એટલે પ્રકૃતિ નવા રંગો ધારણ કરે છે. ભારતમાં તો કેસુડો, ગરમાળો તથા ગુલમહોર જે પ્રકારે ખીલી ઉઠે છે તે જોઇને તન-મન તરબતર થઇ જાય છે. ફેશન નિષ્ણાતો આ બધામાંથી જ તો પ્રેરણા લઇને આપણી સમક્ષ ફેશનેબલ વસ્ત્રો રજૂ કરતા હોય છે. ગરમીના દિવસો આવશે કે તરત જ માર્કેટમાં રંગબેરંગી સમર કલેક્શન આવી જશે. જેમાં ફ્લાવર પ્રિન્ટ સૌથી વધારે જોવા મળે છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉનાળામાં સૌથી વધારે પહેરાતી ફલાવર અને બ્લોસમ પ્રિન્ટ પહેરતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે છે.
ઉનાળા દરમિયાન મહિલાઓ તો આ ડિઝાઇન પહેરવાનું પસંદ કરે છે, પણ છેલ્લા કેટલાક સમયથી તો પુરુષો પણ આ સ્ટાઇલ પસંદ કરતા થઇ ગયા છે. ઉનાળાનો સમય ફેશનજગત માટે પ્રિન્ટ અને કોટન મટિરીયલમાં વિવિધ પ્રયોગો કરવાનો સમય છે. ઉનાળામાં કોટન અને લિનન કરતાં વધુ સારો ઓપ્શન ભાગ્યે જ મળી શકશે. જોકે એકદમ પ્લેન રંગો કરતાં ડિઝાઇન કે પ્રિન્ટવાળા કાપડ ગરમીમાં વધારે રાહત આપે છે. આમ તો સિન્થેટિક સાડીઓ અને ડ્રેસીસમાં ફ્લાવર પ્રિન્ટ આવતી હોય છે, પરંતુ તે બીબાંઢાળ ન લાગે તે માટે તમે તમારી દેહયષ્ટિ પ્રમાણે ફ્લાવર પ્રિન્ટની પસંદગી ઉનાળા માટે કરો તે જરૂરી છે.
જો તમે હેવી બોડી ધરાવતા હશો અને મોટાં ફૂલોની ડિઝાઈનવાળા આઉટફિટ્સ એટલે કે સ્ત્રીઓ ટોપ અથવા તો પુરુષ એ પ્રકારના ઝભ્ભા કે શર્ટ પહેરશે તો એ તમારા વ્યક્તિત્વને સૂટ નહીં થાય. આ જ રીતે પાતળી યુવતી કે યુવક ઝીણા ફુલવાળી ડિઝાઈનના આઉટફિટ્સ પહેરશે તો એ વધારે પાતળાં જ લાગશે.
 જો તમે હેવી બોડી ધરાવતા હો તો ઝીણા ફુલવેલની પ્રિન્ટેડ ડિઝાઈન વધારે સારી લાગશે અને તમે જો પાતળા હો તો શિફોન કે કોટન અને લિનન જેવા મટિરીયલમાં મોટાં ફૂલોની જરબેરા પ્રિન્ટ કે બ્લોઝમ પ્રિન્ટ વધારે સારી રહેશે. ઉનાળો એવી સિઝન છે કે, જેમાં સ્ટાઈલ કરતા શરીરને રાહતરૂપ બનતાં કાપડ અને પ્રિન્ટનું મહત્ત્વ વધી જાય છે કારણ કે શહેરોમાં જે રીતે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં દરેક વ્યક્તિ ફેશનની સાથે સાથે એક કમ્ફર્ટ ઝોન પણ શોધે છે. તમે ફ્લાવર પ્રિન્ટમાં તમારા શારીરિક કદકાઠી અનુસાર પલાઝો, કેપ્રી, બરમૂડા કે ટીશર્ટ, ડ્રેસીસ જેવા ઘણા વિકલ્પ મેળવી શકો છો. ફ્લોરલ તેમજ બ્રાઇટ રંગોનું કોમ્બિનેશન પારંપરિકની સાથે સ્ટાઇલિશ લૂક આપશે. તમે તહેવારમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને કંટાળ્યા હો તો થોડાક ચેન્જ માટે ફ્લોરલ પ્રિન્ટવાળા ડ્રેસીસ ખૂબ મજાના બની રહેશે. આ કપડાં હળવાશનો અનુભવ કરાવે છે. આમાં તમે યલો, ફ્લોરેસન્ટ, પેરોટ ગ્રીન, લાઇટ વર્ક કોમ્બિનેશન ધરાવતા લેમન યલો, ઓરેન્જ, રેડ તેમજ લાઇટ ડાર્ક કોમ્બિનેશનના તમામ રંગો ટ્રાય કરી શકો છો.
આ પ્રિન્ટમાં ફાયદો એ રહે છે કે મોટા ભાગે તમને કોટન ફેબ્રિકમાં મળશે. ઉપરાંત શિફોનમાં પણ તમે ફ્લોરલ પ્રિન્ટ પહેરશો તેનો ગેટઅપ સરસ આવશે. સામાન્ય રીતે તહેવાર બાદના સામાજિક મેળાવડા કે ગેટ ટુગેધરમાં લોકો વધારે હેવી કપડાં પહેરતાં નથી. વળી સાંજના ફંકશન હોવાને કારણે લોકો પાર્ટી વેર પહેરવાનું પસંદ કરતાં હોય છે. તેથી જો વધારે પ્રયોગો ના કરવા હોય તો ફેશન ડિઝાઇનર્સના મતે તમે ફ્લોરલ પ્રિન્ટ ઉપર જ પસંદગી ઉતારી શકો છો. સાથે સાથે તમે જો એક્સેસરીઝ મેચ કરવા માગતા હો તો ફ્લોરલ એક્સેસરીઝનો પણ ઉપયોગ કરી શકો છો. ફ્લોરલ પ્રિન્ટ ગાઉન, ફ્રોક, અનારકલી વગેરે તમને એકદમ ફ્રેશ લૂક આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter