સર્વાઇકલ કેન્સરનો ઇલાજઃ વેક્સિનેશન અને સ્ક્રીનિંગ

Wednesday 11th March 2015 04:31 EDT
 
 

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે સ્ત્રીઓના ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ગંભીર રોગ છે અને તે ૨૫-૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જો યોગ્ય સમયે નિદાન થઇ જાય તો આ કેન્સરની સારવાર શક્ય છે, પણ અફસોસની વાત એ છે કે મોટા ભાગની બહેનો રોગના પ્રારંભિક લક્ષણો પ્રત્યે બેદરકારી દાખવીને મોતના મુખ સુધી પહોંચી જાય છે. તબીબી નિષ્ણાતો કહે છે કે આ એકમાત્ર કેન્સર એવું છે જે કયાં કારણોસર થાય છે એ કારણ મેડિકલ સાયન્સ જાણી ચૂક્યું છે અને એનાથી બચવા માટેની રસી પણ શોધાઈ ચૂકી છે. બીજું એ કે આ બીમારીની પ્રારંભિક તબક્કામાં ખબર પડી જાય તો ઇલાજ દ્વારા એનાથી છુટકારો મળવો શક્ય છે. જરૂર છે તો ફક્ત સજાગ થવાની, પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની. હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV)ના ઇન્ફેક્શનથી થતા આ રોગથી કઈ રીતે બચી શકાય અને એનો ઇલાજ શું છે તે માહિતી અહીં રજૂ કરી છે.

વેક્સિનેશન

કેન્સર શા માટે થાય છે અને એની પાછળનાં કારણો જાણવાં મુશ્કેલ છે. જેમ કે, બ્લડ-કેન્સર પાછળનાં કારણો આજ સુધી સંપૂર્ણપણે જાણી શકાયાં નથી. તો વળી કોઈ વ્યક્તિએ ક્યારેય સિગારેટ ન પીધી હોય છતાં તેને ફેફસાંનું કેન્સર થાય એવા બનાવો સમાજમાં જોવા મળે છે. જોકે સર્વાઇકલ કેન્સર એવો રોગ છે જેનું કારણ તબીબી વિજ્ઞાન જાણે છે. ૯૦ ટકા સર્વાઇકલ કેન્સર પાછળ હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV)નો હાથ છે, જે વાઇરસ જાતીય સંબંધ દરમિયાન સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે. આ વાઇરસના અમુક પ્રકાર કેન્સર માટેનું કારણ બને છે જેના પરથી વૈજ્ઞાનિકોએ રસી શોધી કાઢી છે.

નિષ્ણાતો કહે છે કે આમ તો કેન્સરથી બચવા માટે કોઈ રસી હોઈ શકે નહીં, પરંતુ ૯૦ ટકા સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાઇરસને કારણે થતો રોગ છે અને કોઈ પણ વાઇરસ પર કાબૂ મેળવવા માટે રસીકરણ ઉપયોગી છે. આમ આ રસી HPVથી થતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, જેનાથી સર્વાઇકલ કેન્સરનો ૯૦ ટકાનો ખતરો ટળી શકે છે. આ રસી સ્ત્રીને ૮-૧૮ વર્ષની અંદર લગાવવી જોઈએ. ખાસ કરીને તેનાં લગ્ન થાય એ પહેલાં અથવા તો તે સેક્સ્યુઅલી એક્ટિવ થાય એ પહેલાં જ તેને આ રસી આપવી જરૂરી છે.

આ રસીના ત્રણ ડોઝ હોય છે જે એક વખત આપ્યા બાદ એક મહિને અને પછી ફરી છ મહિના બાદ આપવામાં આવે છે. તમામ છોકરીઓએ આ રસી લેવી જ જોઈએ. સંતાનો આ બાબતે જાગૃત ન હોય તો માતા-પિતાએ સમજીને તેમને આ વેક્સિન અપાવવી જોઈએ.

સ્ક્રીનિંગ

પેપ સ્મિયર નામની એક ટેસ્ટ દ્વારા ગર્ભાશયના મુખ પાસે રહેલા કોષોમાં કોઈ ખામી હોય તો જાણી શકાય છે. આથી ૨૫-૩૦ વર્ષની ઉંમર દરમિયાન દર વર્ષે અને ૩૦-૪૫ વર્ષ દરમિયન દર ત્રણ વર્ષે એક વાર આ ટેસ્ટ કરાવવી જોઈએ એવી હિમાયત ઇન્ટરનેશનલ ગાઇડલાઇન્સમાં થઈ છે. જ્યારે કોઈ પણ સ્ત્રીને HPVનું ઇન્ફેક્શન થાય અને તેના કોષોમાં ખરાબી શરૂ થાય ત્યારથી લઈને કેન્સર સુધી પહોંચવામાં ૧૦ વર્ષ લાગે છે. આ ૧૦ વર્ષ દરમિયાન જ્યારે સ્ત્રી પેપ સ્મિયર નામની ટેસ્ટ કરાવે છે ત્યારે તેના કોષોમાં થઈ રહેલી ઊથલપાથલને ઓળખી શકાય છે અને એનો ઇલાજ કરી શકાય છે. જો આ પ્રાથમિક તબક્કે જ ખબર પડી જાય તો કેન્સર સુધી પહોંચ્યા પહેલાં જ એનો ઇલાજ થઈ જાય. સર્વાઇકલ કેન્સર જ એક એવું કેન્સર છે જેમાં કેન્સર સુધી પહોંચ્યા પહેલાં જ એને પારખી શકાય છે, બાકીનાં કેન્સરમાં તો કેન્સર થાય પછી જ ખ્યાલ આવે છે.

આ ટેસ્ટમાં ગાયનેકોલોજિસ્ટ સ્ત્રીના ગર્ભાશયના મુખ પાસેથી થોડા કોષો લઈને લેબોરેટરીમાં ચકાસવા મોકલે છે, જેના દ્વારા કોષોની રચના ખ્યાલ પડે છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો સામે આવે છે.

ગભરાઓ નહીં

સર્વાઇકલ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવા આપણી પાસે વેક્સિન છે. તેની સાથે-સાથે પેપ સ્મિયર જેવા એક સામાન્ય ટેસ્ટથી જો કેન્સર જેવા રાક્ષસથી બચી શકાતું હોય ત્યારે આપણી સ્ત્રીઓ આજે પણ સર્વાઇકલ કેન્સરને કારણે મારી રહી છે એ આપણા માટે શરમજનક છે. આ રોગમાં સર્જરીની જરૂર પડતી હોય છે કેટલાક કિસ્સામાં સ્ત્રીનું ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. આ બાબતથી ગભરાઈને એવું બને છે કે સ્ત્રીઓ ઇલાજ જ કરાવતી નથી, જેને કેન્સર ફેલાય છે અને તેને મૃત્યુ સુધી પહોંચી જાય છે. આવી સ્ત્રીઓ ઘણી વખત ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ દોરાય છે જેમાં તે પોતાને જ મોટું નુકસાન પહોંચાડે છે.

આ બાબત પર પ્રકાશ પાડતાં તબીબો કહે છે કે કેન્સર થતા સુધીમાં સ્ત્રી લગભગ ૪૦ વર્ષની થઈ ચૂકી હોય છે. ત્યાં સુધીમાં તે મા તો બની ચૂકી હોય છે એટલે જો ગર્ભાશય નીકળી જાય તો પણ ઓછામાં ઓછું પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ એ ઉંમરે હોતો નથી. બીજી વાત એ કે આ સર્જરી પછી પણ સ્ત્રી સામાન્ય લગ્નજીવન જીવી શકે છે. જાતીય જીવન માણવામાં પણ તેને કોઈ તકલીફ પડતી નથી. જરૂર માત્ર એટલી છે કે સ્ત્રી ભયના કોચલામાંથી બહાર નીકળે અને પોતાની તકલીફ કે રોગો માટે સજાગ બને. વેક્સિનેશન કે સ્ક્રીનિંગ દ્વારા સર્વાઇકલ કેન્સરથી બચે. અને જો કેન્સર થયું જ હોય હકારાત્મક વિચારસરણી અને મજબૂત મનોબળ રાખીને તેનો ઇલાજ જરૂર કરાવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter