સાઉદી અરબમાં ફેશન વીકના આયોજન સામે વિરોધનો વંટોળ

Thursday 08th September 2022 08:53 EDT
 
 

રિયાધ: ઈસ્લામિક કટ્ટરવાદ અને મહિલાઓ પર આકરા નિયંત્રણો માટે જાણીતા સાઉદી અરબમાં ફેશન શો યોજાયો તે સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આધુનિક વિશ્વ સાથે તાલ મિલાવતાં સાઉદી અરબમાં મહિલાઓ પરના નિયંત્રણો ધીમે ધીમે હળવા કરી રહ્યા છે. ક્રાઉન પ્રિન્સ એવા અધિકારો આપવા લાગ્યા છે, જે અંગે મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું ન હોય. જોકે, દેશમાં મહિલાઓ માટે થતા સુધારાના કારણે પ્રિન્સ કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગયા છે.
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું માનવું છે કે વિઝન 2030ની સફળતામાં મહિલાઓની ભૂમિકા ઘણી મહત્ત્વની છે. તેથી સાઉદીમાં અત્યારે એવા અનેક પરિવર્તનો આવી રહ્યા છે, જે ક્યારેક અશક્ય લાગતા હતા. આવા જ પરિવર્તનના ભાગરૂપે સાઉદી અરબની રાજધાની રિયાધમાં તાજેતરમાં એક ફેશન વીક યોજાયો હતો. આમ તો સાઉદીમાં 2018માં પહેલી વખત ફેશન વીકનું આયોજન થયું હતું, પરંતુ આ વખતે એકદમ પ્રોફેશનલ ઢબે તેનું આયોજન થયું. આ ફેશન વીકમાં 18 ડિઝાઈનર્સે ભાગ લીધો હતો.
આ ફેશન વીકના આયોજન સાથે જ પ્રિન્સ સલમાન કટ્ટરપંથીઓના નિશાન પર આવી ગયા છે. કટ્ટરપંથી મુસ્લિમો સવાલ કરી રહ્યા છે કે જે દેશમાં સૌથી પવિત્ર મસ્જિદ છે, ત્યાં આ વ્યક્તિ સુલતાન બનવાને યોગ્ય છે? એક મહિલા ઈન્ફ્લુએન્સરે આ ફેશન વીકને દેશ માટે શરમજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું, મને ખબર હતી કે આ શો એક મિક્સ શો છે, જ્યાં મહિલા અને પુરુષો બંને હશે. કેટલાક નાગરિકોએ પણ સવાલ કર્યો કે આ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી શા માટે અપાઈ રહી છે.
મોહમ્મદ બિન સલમાનને ક્રાઉન પ્રિન્સ જાહેર કરાયા છે ત્યારથી સાઉદીમાં અનેક સામાજિક પરિવર્તનો આવ્યા છે. હવે અહીં મહિલાઓ ડ્રાઈવ કરી શકે છે, લિંગ ભેદભાવ ઘણા ઓછા થયા છે અને મહિલાઓ મનોરંજન માટે કેટલીક જગ્યાઓ પર જઈ શકે છે. પ્રિન્સ સલમાન 2030 સુધીમાં દેશનો સિનારિયો બદલવાની નેમ સાથે કામ કરી રહ્યા છે, અને તેથી જ મહિલાઓની ભાગીદારી વધારાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter