સારા હેવુડ લગ્ન કરાવવાના રૂ. ૧૦ કરોડ

Wednesday 18th March 2020 06:50 EDT
 
 

લગ્ન સમારોહ દરમિયાન મંડપ, ભોજન, લાઈટિંગ, સંગીત, રોકાણની વ્યવસ્થા જો કુશળ વેડિંગ પ્લાનરને આપવામાં આવે તો લગ્નનો પ્રસંગ દીપી ઊઠે છે. જોકે સારા કામના દામ પણ ઊંચા હોય એમ સારા હેવુડ નામની મહિલા વિશ્વની સૌથી મોંઘી વેડિંગ પ્લાનર તરીકે જાણીતી છે. સારા હેવુડ અરબપતિ બિઝનેસમેન અને હોલિવુડ સ્ટાર્સના લગ્નમાં વેડિંગ પ્લાનર તરીકે કામ કરી ચૂકી છે. ત્યાં સુધી કે સારા બ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ વિલિયમ અને તેમના બહેન હૅરી અને મેગન મર્કેલના લગ્નમાં પણ વેડિંગ પ્લાનિંગ કરી ચૂકી છે. સારા એક લગ્ન માટે વેડિંગ પ્લાનર તરીકે ઓછામાં ઓછા રૂ. ૧૦ કરોડ જેવી ભારે ભરખમ ફી વસૂલે છે.
વેડિંગ બિઝનેસ વર્લ્ડમાં ચર્ચામાં રહેનારી સારાએ એવા ઘણા લગ્ન કરાવ્યા છે જેમાં એક દિવસનું બજેટ રૂ. ૪૮ કરોડથી લઈને રૂ. ૫૦ કરોડ સુધીનું હોય છે. એક અહેવાલ પ્રમાણે સારાની સંપત્તિ રૂ. ૧૬૫ કરોડ છે. એક પેરાનોર્મલ વેડિંગ શો માટે બ્રિટનની યુકેટીવીએ સારાને સાઈન કરી હતી. આ દુનિયાનો પહેલો પેરાનોર્મલ વેડિંગ શો છે.
અહેવાલો પ્રમાણે જો સારા અને તેની ટીમને ડેસ્ટિનેશન વેડિંગ માટે રોકવામાં આવે તો આ પ્રસંગ દરમિયાન સારાની ટીમ માટે ૧૭૨ હોટેલ રૂમ બુક કરાવવામાં આવે છે. સારાની આખી ટીમ સાથે તે સતત ઓછામાં ઓછા ૫ દિવસ માટે ત્યાં આવીને કામ કરે છે અને લગ્નને સમારોહને લક્ઝરી લૂક આપે છે. કોઈ પણ લગ્ન પર કેટલો ખર્ચ કરવાનો છે? ક્યાં ક્યાં રહેવાનું છે? તે અંગે સારા અને તેની ટીમ પહેલેથી જ આયોજન કરે છે. તે કુલ બજેટનું આશરે ૪૫ ટકા રકમ વેન્યુ, ભોજન, ડ્રિંક્સ પર ખર્ચ કરે છે. ૧૫ ટકા નાના ખર્ચા પર, ૧૦ ટકા ફોટોગ્રાફી પર, ૧૨ ટકા વીડિયો મેકિંગ, ૮ ટકા ફૂલો પર અને ૫ ટકા ટ્રાન્સપોર્ટનો ખર્ચ કરે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter