સિમ્પલ અને સોબર લાઇટવેઇટ જવેલરી છે હોટ ફેવરિટ

Wednesday 09th April 2025 06:16 EDT
 
 

એક સમય હતો જ્યારે સોનાના ભારે અને ભરાવદાર દાગીના પહેરવાનો ટ્રેન્ડ હતો. મહિલાના દાગીના પરથી પરિવારની સમૃદ્ધિનો અંદાજ લગાવાતો હતો. જોકે હવે સમય બદલાયો છે, તો આ ટ્રેન્ડ પણ બદલાયો છે. યુવતીઓ હેવી દાગીના પહેરવાને બદલે લાઈટવેઈટ જવેલરી પહેરતી થઇ છે. તેથી કોલેજ ગોઇંગ ગર્લથી લઇને વર્કિંગવુમનમાં લાઇટવેઇટ જવેલરી હોટ ફેવરિટ છે. આવો, આજે આપણે જાણીએ લાઈટવેઇટ જવેલરી વિશે...

• સિમ્પલ ચેઇન વિથ પેન્ડન્ટ
ડેઇલી રૂટિનમાં પહેરવા માટે સિમ્પલ નેકપીસ દરેક યુવતીઓને ગમે છે. પહેરવામાં હળવા અને દેખાવમાં સિમ્પલ ડિઝાઈન તેમની ફેવરિટ છે. તેને કોઈ પણ ફોર્મલ ડ્રેસની સાથે અને ઇન્ડિયન લુકમાં કુરતી સાથે પેર કરી શકાય છે. પેન્ડન્ટમાં હાર્ટ, રાઉન્ડ, સ્ક્વેર, ઓવલ, જ્યોમેટ્રિકલ એમ વિવિધ શેપમાં ઉપલબ્ધ છે. એની ડિઝાઈન પણ નાની અને નાજુક હોવાથી લાઇટવેઇટ અને સુંદર લાગે છે. હવે તો પેન્ડન્ટની સાથે મેચ થાય એવાં એરિંગ્સ પણ તેની સાથે પેર કરવામાં આવે છે. આમ, આખી પેર વધુ આકર્ષક લાગે છે. પેન્ડન્ટ અને એરિંગ્સમાં ડાયમંડ, પર્લ, ગોલ્ડ, સિલ્વર વગેરેને આવરી લેવામાં આવે છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ ડાયમંડ અને પર્લ પહેરવાનું વધારે પસંદ કરે છે. જ્યારે યુવતીઓ અને મહિલાઓમાં સિલ્વર અને ગોલ્ડ હોટ ફેવરિટ છે. ડેટિંગ હોય કે આઉટિંગ એ દરમિયાન યંગ જનરેશન સિમ્પલ ચેન વિથ પેન્ડન્ટને પ્રાયોરિટી આપે છે.

• લેયરિંગ નેકલેસ સેટ
સિંગલ ચેનથી એક સ્ટેપ આગળ વધીને લેયરિંગ નેકલેસનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે. લેયરિંગ નેકલેસની વિશેષતા એ છે કે તેનાથી ગળું થોડું ભરેલું લાગે છે. માર્કેટમાં લેયરિંગ નેકલેસમાં અનેક ડિઝાઈન ઉપલબ્ધ છે. સિંગલ લેયરિંગ નેકલેસ પહેરવા કરતાં બુટ્ટીના સેટ સાથે પેરમાં પહેરવાનું યુવતીઓને વધુ ગમે છે. એમાંય આ નેકપીસની સાથે મેચ કરતાં નેકલેસ સેટ પહેરવાનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, જે કમ્પ્લિટ લુક પણ આપે છે. લેયરિંગ હોવા છતાં નેકપીસ લાઈટવેઈટ હોય છે. જેથી ઓવરઓલ લુક સુંદર લાગે છે.

• મલ્ટિ લેયર નેકલેસ
મલ્ટિ લેયર નેકલેસની ખાસિયત એ છે કે તે રોજ પહેરાતા ગોલ્ડન ચેઈન કરતાં ઊડીને આંખે વળગે એવા હોય છે. એમાં પારંપરિક નેકલેસ ડિઝાઈનનો હળવો લુક આપવામાં આવે છે. એની ડિઝાઈન બહુ કન્ટેમ્પરરી હોય છે અને દરેક આઉટફિટ સાથે સૂટ થાય છે. અલગ અલગ લેયર હોવાને કારણે નેક એરિયાને આકર્ષક બનાવે છે. મલ્ટિ લેયર નેકલેસ બર્થ ડે, ડેટ, રિંગ્સ સેરેમની જેવાં પ્રસંગોએ પહેરી શકાય છે. કોઈને ગિફ્ટમાં આપવા માટે આ પરફેક્ટ ચોઇસ છે.

• બ્રેસલેટ
હાથમાં હેવીને બદલે લાઇટવેઇટ બ્રેસલેટ પહેરવામાં આવે છે. ખાસ કરીને નાનામોટા પારા, યુનિક ડિઝાઈનનાં પેન્ડન્ટને પ્રાયોરિટી આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter