ઘરનું હૃદય એટલે રસોડું. સવારે ચાની સુગંધથી લઈને સાંજના ભોજન સુધી આખા પરિવારના સ્વાસ્થ્ય અને આનંદનું કેન્દ્ર કિચન જ છે. પરંતુ જો કિચન ગોઠવેલું ન હોય તો રોજિંદા કામમાં ગડબડ અને થાક અનુભવાય છે. થોડા સરળ ઉપાયો અપનાવવાથી કિચન વ્યવસ્થિત સાથે આકર્ષક બની શકે છે.
1) સ્માર્ટ સ્ટોરેજ સોલ્યુશન: કિચનમાં જગ્યા હંમેશાં ઓછી લાગે છે. કેબિનેટમાં ડિવાઈડર, ડ્રોઅરમાં ઓર્ગેનાઈઝર ટ્રે અને પારદર્શક ડબ્બાનો ઉપયોગ કરવાથી અનાજ, મસાલા અને દાળ સરળતાથી મળી રહે. વોલ હેંગિંગ રેકમાં રોજબરોજના મસાલા રાખવાથી કિચન સ્પેસ પણ બચશે.
2) કલર કોમ્બિનેશન અને ડેકોરઃ દિવાલને હળવા રંગ જેમ કે ક્રીમ, લાઇટ બ્લ્યૂ કે પેસ્ટલ ગ્રીન કિચનને ખુલ્લું દેખાડે છે. જો કિચનમાં વિન્ડો હોય તો તેને કલરફુલ કર્ટનથી સજાવો. મેગ્નેટિક ફ્રિજ સ્ટીકર્સ અથવા નાના વોલ આર્ટ પણ કિચનને લાઈવલી બનાવે છે.
3) લાઇટિંગનું મહત્ત્વઃ કિચનમાં બ્રાઈટ લાઈટિંગ જરૂરી છે. કાઉન્ટર ટોપ પાસે વોર્મ વ્હાઇટ લાઈટ લગાવવાથી રસોઈ કરતી વખતે યોગ્ય ઉજાસ રહે અને સાથે કિચન મોડર્ન દેખાય. જો શક્ય હોય તો નેચરલ લાઈટ માટે વિન્ડો પાસેનું કિચન વધુ સારું રહે છે.
4) ક્લીન એન્ડ ગ્રીન ટચ: કિચનમાં નાનાં ઈન્ડોર પ્લાન્ટ્સ જેમ કે મની પ્લાન્ટ અથવા તુલસીનો પોટ મુકવાથી તાજગી અને પોઝિટિવિટી આવે છે. જો સ્પેસ હોય તો હેંગિંગ પ્લાન્ટ્સથી કિચન ડેકોર વધુ આકર્ષક બની જાય. બાલ્કની કે વિન્ડો પાસે હર્બ ગાર્ડન બનાવો.
5) સ્મોલ ડેકોર આઈડિયાઝઃ કિચન ટાવલ, મેટ અને જાર કવર એક જ કલર થીમમાં પસંદ કરો. મસાલાના જારમાં લેબલ લગાવો. વેસ્ટ બોટલ અથવા બોક્સને રિસાયકલ કરી સ્ટોરેજ તરીકે ઉપયોગ કરો.
6) નિયમિત ગોઠવણી: દરરોજ કામ પૂરું થયા બાદ કિચન સાફ કરવાનો અને વીકએન્ડે કેબિનેટ ગોઠવવાનો નિયમ બનાવો.


