સુનિતા વિલિયમ્સ ત્રીજી અવકાશયાત્રા માટે સજ્જઃ બે સપ્તાહ સ્પેસ સ્ટેશનમાં રહેશે

Saturday 04th May 2024 09:27 EDT
 
 

વોશિંગ્ટનઃ ગુજરાતી મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ શનિવાર - છઠ્ઠી મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. આ વખતે તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે. અમેરિકી સ્પેસ એજન્સી ‘નાસા’ના જણાવ્યા અનુસાર આ મિશન માટે 2 વરિષ્ઠ વૈજ્ઞાનિકો બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સની પસંદગી કરાઇ છે. બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન 6 મેના રોજ એલાયન્સ એટલાસ વી રોકેટ પર લોન્ચ કરાશે. આ મિશન માટે ‘નાસા’ની મદદ લેવામાં આવી છે.
બંને યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં બે સપ્તાહ રહેશે. વાસ્તવમાં, આ અવકાશયાન જુલાઈ 2022માં રવાના થવાનું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે મિશનને મુલત્વી રખાયું હતું. ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સની જૂન 1998માં અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’માં પસંદગી થઈ હતી. 9 ડિસેમ્બર 2006ના રોજ, સુનિતા વિલિયમ્સ પ્રથમ વખત અવકાશમાં ગયા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલું 14મું શટલ ડિસ્કવરી સાથે લોન્ચ કરાયું હતું. આ પછી તેમણે બીજી અવકાશ યાત્રા 2012માં કરી હતી. આ સમયે તેમણે રશિયન રોકેટ સોયુઝ પર કઝાખિસ્તાનના બૈકોનુરથી ઉડાન ભરી હતી.
સુનીતા વિલિયમ્સ અવકાશ યાત્રાની દુનિયામાં જાણીતું નામ છે. પ્રથમ અવકાશયાત્રા વેળા ચાર સ્પેસવોકમાં તેમણે 29 કલાક અને 17 મિનિટનો સમય વિતાવ્યો અને એક મહિલા તરીકે તેમણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેમની બીજી અવકાશયાત્રા અભિયાન જુલાઈથી નવેમ્બર 2012 સુધી ચાલી હતી. તે રશિયન સોયુઝ કમાન્ડર યુરી મેલેન્ચેન્કો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અકિહિકો હોશીદે સાથે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચાર મહિના સુધી સંશોધન અને શોધખોળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેમણે કુલ 50 કલાક 40 મિનિટની સ્પેસવોકનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter