સુપર હ્યુમનઃ કોન્સેટાની આંખ ઓળખી શકે છે ૧૦ કરોડ રંગ

Monday 28th February 2022 08:31 EST
 
 

સિડની: આપણે જ્યારે કોઈ સામાન્ય પાંદડાને જોઈએ, ત્યારે આપણને ફક્ત ઘેરો લીલો રંગ જ દેખાય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની કોન્સેટા એન્ટિકોની વાત અલગ છે. કોન્સેટાને તે પાંદડામાં એક જ નહીં, બીજા પણ અનેક રંગ દેખાય છે. હકીકતમાં તેને ટેટ્રાક્રોમેટ છે એટલે કે તેની આંખની રેટિનામાં ચોથો કલર રિસેપ્ટર છે.
સામાન્ય રીતે લોકોની આંખમાં ત્રણ જ કલર રિસેપ્ટર હોય છે. તે કોન સેલ્સ તરીકે પણ ઓળખાય છે કારણ કે, તે શંકુ આકારના હોય છે. વિજ્ઞાનીઓના મતે, ટેટ્રાક્રોમેટની આંખો ૧૦ કરોડ રંગની ઓળખ કરવા સક્ષમ છે. કોન્સેટા એન્ટિકો કહે છે કે, મને બાળપણથી જ લાગતું હતું કે, હું જાદુઈ દુનિયામાં રહું છું. મારા માટે બધું જ અદભુત હતું. મને દરેક બાબતમાં કંઈક વધુ જ નજરે પડતું દેખાતું હતું. હું જે કંઈ જોતી હતી, તે પેઈન્ટિંગમાં પણ ઉતારતી હતી. યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકાના સેન ડિઆગો આવીને હું આર્ટ ટીચર બની. ૨૦૧૨ સુધી મને પણ આ વિશે ખાસ જાણકારી ન હતી.
આ દરમિયાન એક વિદ્યાર્થીએ કોન્સેટાને ટેટ્રાક્રોમેસી પરનો તેનો સ્ટડી પેપર દેખાડ્યું. તેમાં લખ્યું હતું કે, આ પ્રકારની માતાઓની પુત્રી કલર બ્લાઈન્ડ હોવાની શક્યતા વધુ રહે છે. કોન્સેટાએ આ સ્ટડી પેપર વાંચ્યું તેના થોડા સમય પહેલા જ તેને તેની પુત્રી કલર બ્લાઈન્ડ હોવાનું માલુમ પડ્યું હતું. આ કિસ્સાએ કોન્સેટાને તેની આંખો રંગ પારખવાની વિશેષતા અંગે વધુ જાણવા પ્રેરી હતી.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાત કિમ્બર્લી જેમ્સન કહે છે કે, ૧૫ ટકા મહિલાઓમાં ટેટ્રાક્રોમેસી માટે જવાબદાર જિન મળે છે કારણ કે, બે એક્સ ક્રોમોસોમ પર મ્યુટેશનથી જ ચોથો સેલ બની શકે છે. દુનિયામાં માંડ એક ટકા લોકો સાથે આવું થાય છે. કોન્સેટા એન્ટિકો હવે કલર બ્લાઈન્ડ લોકોની મદદ કરવા માટે કાર્યરત છે. તેને લાગે છે કે, આ સમસ્યાને ઝડપથી ઓળખાય તો તેમના મગજને ઝડપથી તાલીમ આપી શકાય છે. તે ટૂંક સમયમાં એક બ્લાઈન્ડ આર્ટ સ્કૂલ પણ શરૂ કરવાની છે, અને આ માટે તે ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવા વિચારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter