સેલ્ફ મેકઅપઃ સુંદર દેખાવાનો આત્મનિર્ભર માર્ગ

Wednesday 29th October 2025 08:48 EDT
 
 

આજના યુગમાં સૌંદર્ય ક્ષેત્રે લોકોની આત્મનિર્ભર બનવાની આ જરૂરિયાત વધી છે. ખાસ કરીને સ્ત્રીઓએ પોતાના આકર્ષક દેખાવ માટે બીજાની સહાય વગર પોતે મેકઅપ કરતા શીખવું હવે એક જરૂરી કૌશલ્ય બની ગયું છે. ‘સેલ્ફ મેકઅપ’ એટલે કે પોતે પોતાનો મેકઅપ કરવો એ માત્ર સમય અને પૈસાની બચત નથી, પણ તે આત્મવિશ્વાસ અને વ્યક્તિગત શૈલીનું પ્રતિબિંબ પણ છે.
સેલ્ફ મેકઅપ શું છે?
સેલ્ફ મેકઅપ એ એવી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતે પોતાનો મેકઅપ કરે છે. તે દૈનિક લુક માટે હોય કે ખાસ પ્રસંગ. આજકાલ ઓનલાઈન વીડિયોઝ વર્કશોપ્સ અને ટ્યુટોરિયલના માધ્યમથી મેકઅપ શીખવો સરળ બન્યું છે.
સેલ્ફ મેકઅપ કરવાની રીત
• ત્વચા તૈયાર કરવી
મેકઅપ કરતાં પહેલાં ત્વચા સાફ અને હાઈડ્રેટેડ હોવી જોઈએ. ક્લીન્ઝર, ટોનર અને મોઈશ્ચરાઈઝર એટલે કે સીટીએમ કરવું જરૂરી છે અથવા તો વેર વાઈપ્સ માર્કેટમાં આવે છે. તેનાથી ચહેરાને સાફ કરવો ત્યારબાદ ટોનર કરવું અને મોઈશ્ચરાઈઝરને ચહેરા પર લગાવવું જોઈએ. મોઈશ્ચરાઈઝર સ્કિન ટાઈપને અનુકૂળ હોય તેવું લગાવવું જોઈએ. ત્યારબાદ પ્રાઈમર લગાવવું જોઈએ. પ્રાઈમરથી સ્કિનનાં છિદ્રોને છુપાવી શકાય છે. પ્રાઈમરથી સ્કિન મુલાયમ બને છે અને મેકઅપ કરવામાં સરળતા રહે છે. સૌથી સારી વાત એ છે કે પ્રાઈમરથી મેકઅપ સારો અને ચમકદાર બને છે.
• બેઝ મેકઅપ
ત્વચાની ખામી અને ડાઘ છુપાવવા માટે કન્સીલર લગાવવામાં આવે છે. તે કેરેક્ટર કન્સીલર તરીકે ઓળખાય છે. તે પણ અલગ અલગ ત્વચા માટે જુદા જુદા રંગના કન્સીલર કરવામાં આવે છે. આંખનાં કાળાં કૂંડાળાં અને ખીલના ડાઘ ઉપર કરેક્ટર કન્સીલર લગાવીને છુપાવી દેવાય છે. આ પછી તેના ઉપર ત્વચાના રંગ સાથે મેચ થતા રંગમાં હાઈડ્રેશન લગાવવામાં આવે છે.
ફાઉન્ડેશનને બ્રશ અથવા તો બ્યૂટી બ્લેન્ડરની મદદથી લગાવવાથી તે ત્વચાની ઉપર સારી રીતે લગાવી શકાય છે. ત્યારબાદ કોમ્પેક પાઉડર લગાવવામાં આવે છે. કોમ્પેકની પસંદગી ત્વચાના રંગને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે. કોમ્પેક લગાવવાથી ફેસ, નેક અને બેકને સેટ કરી શકાય છે, તેથી ત્વચા એકસરખી લાગે છે.
• આંખોનો મેકઅપ
આંખોનો મેકઅપ કરતા પહેલાં આંખોની ઉપર આઈબેઝ લગાવો અથવા તો કોઈ પણ આછા રંગનું કન્સીલર લગાવવું જરૂરી છે. એના પછી તેના ઉપર આઈશેડ લગાવવો. તેને લાઈટ શેડથી ડાર્ક શેડ સુધી બેન્ડ કરો. આઈશેડો લગાવ્યા બાદ આઇ લાઇનર લગાવો. માર્કેટમાં તે પેન્સિલ કે લિક્વિડમાં પણ મળે છે. એ પછી કાજલ લગાવવી. છેલ્લે મસ્કરા લગાવો. આઈબ્રો પેન્સિલ વડે આઈબ્રો બનાવો.
• ગાલનો મેકઅપ
ગાલ ઉપર બ્લશ અને હાઈલાઈટ કરવામાં આવે છે. બ્લશમાં ગુલાબી કે પીચ શેડ હોય છે. તેને ગાલના ઉપસેલા ભાગ ઉપર લગાવવામાં આવે છે. હાઈલાઈટર ગોલ્ડન, સિલ્વર અને બ્રોન્ઝમાં આવે છે. તેને ગાલના ઉપસેલા ભાગની ઉપરના ભાગે આંખોની જોડે ઢળતા ભાગમાં લગાવવામાં આવે છે. એટલે કે તે બ્લશની ઉપરના ભાગમાં લગાવવાનું હોય છે.
• હોઠોનો મેકઅપ
લિપસ્ટિકથી ચહેરાને સુંદર દેખાવ મળે છે અને તે પણ અલગ અલગ રંગોમાં મળે છે. તેને તમારી પસંદ અનુસાર કરવાની હોય છે. તેને પહેલાં લિપ લાઈનર વડે હોઠોનો આકાર આપો અને પછી લિપ ફિલર વડે તેમાં રંગ ભરો. પછી જો જરૂર પડે તો લિપગ્લોસનો ઉપયોગ કરી શકાય.
• ફિકસરનો ઉપયોગ
બધો જ મેકઅપ થઈ ગયા પછી ફિક્સર સ્પ્રે કરવામાં આવે છે, જેથી મેકઅપ લાંબો સમય સુધી ટકી રહે. મેકઅપ કર્યા બાદ ફિક્સર સ્પ્રેનો ઉપયોગ કરવાથી પાણી કે પરસેવાથી મેકઅપ ખરાબ થતો નથી. ફિક્સર સ્પ્રે સુકાય નહીં ત્યાં સુધી ચહેરા પર અડકવું નહીં. જરૂર લાગે તો બિંદી લગાવી શકો છો.
આટલું અવશ્ય ધ્યાનમાં રાખો
હંમેશાં ક્લીન બ્રશ અને સ્પંજનો ઉપયોગ કરો, જેથી ત્વચાને કોઈ નુકસાન ન થાય. તમારા સ્કિન ટોન મુજબ ફાઉન્ડેશનનો ટોન પસંદ કરો. જો જુદો ટોન લેશો તો મેકઅપ કાળો પડવાની શક્યતાઓ વધી જાય છે. રોજિંદા મેકઅપમાં લાઈટ લુક પસંદ કરો. ખાસ અવસરોમાં શિમર અને ડાર્ક શેડનો ઉપયોગ કરવો.
સેલ્ફ મેકઅપના ફાયદા ક્યા?
જાતે મેકઅપ કરવાથી કોઈ પણ સમયે તમારી રીતે કરી શકો છો. આપમેળે લુક અનુસાર મેકઅપ બદલી શકાય છે. સેલ્ફ મેકઅપ એ માત્ર સુંદર દેખાવવાનો માર્ગ નથી, તે આત્મનિર્ભર બનવાનો એક પ્રયાસ છે. દરેક મહિલાએ મેકઅપનું મૂળભૂત જ્ઞાન મેળવવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter