સોમા મંડલઃ સમસ્યાઓને નાથીને સ્ટીલ જેવી સફળતાના શિલ્પી

Wednesday 07th December 2022 04:48 EST
 
 

દુનિયાનાં ટોપમોસ્ટ મેગેઝિનમાં જેની ગણના થાય છે એ ‘ફોર્બ્સ’ દ્વારા તાજેતરમાં એશિયાની 20 મહેનતુ બિઝનેસ વુમનની યાદી જાહેર થઇ છે. ભારતીયો માટે ગૌરવપ્રદ બાબત એ છે કે આ 20 સુપરપાવર મહિલાઓની યાદીમાં ત્રણ ભારતીય છે. આમાંનું એક નામ એટલે સોમા મંડલ. તેઓ ભારત સરકારના પબ્લિક સેક્ટર યુનિટ અને ‘સેઇલ’ના ટૂંકા નામે જાણીતી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં ચેરપર્સન છે. તમને જાણીને નવાઇ લાગશે કે ‘ફોર્બ્સ’ની આ યાદીમાં એવાં નારીરત્નોની પસંદગી કરાઇ છે, જેમણે કોવિડકાળના અનિશ્ચિત સંજોગો છતાં પોતાના વ્યવસાયને સફળતાપૂર્વક આગળ ધપાવ્યો છે.
સિંગલ મધર, ત્રણ સંતાનોની જવાબદારી
ભુવનેશ્વરનાં સોમા મંડલે કોરોનાની બીજી લહેરમાં, પહેલી જાન્યુઆરી 2021ના સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનાં ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ‘સેઇલ’નું સુકાન સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલાં સોમા મંડલના પિતા એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ હતા. પિતાની એવી ઇચ્છા હતી કે દીકરી ડોક્ટર બને પરંતુ સોમાને મેડિકલ લાઇન કરતાં એન્જિનિયરીંગમાં વધુ રસ હતો. આથી એમાં જ કરિયર બનાવવાનું સોમાએ નક્કી કર્યું. આમાં તેમને પરિવારનો પૂરતો સપોર્ટ પણ મળ્યો. તેમણે રુરકેલામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ કર્યું. આ પછી નેશનલ એલ્યુમિનિયમ કંપની (‘નાલ્કો’)માં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ટ્રેઇની તરીકે જોડાયેલાં સોમા પોતાની મહેનતના આધારે પ્રગતિ કરતાં કરતાં એક દિવસ ‘નાલ્કો’નાં ડાયરેક્ટર પદ સુધી પહોંચી ગયાં. સોમા મંડલના પતિ પણ એન્જિનિયર હતા. 2005માં પતિનું અવસાન થઇ ગયું ત્યારે ત્રણેય સંતાનો નાનાં હતાં. સોમા મંડલે કરિયરની સાથે સાથે પોતાનાં ત્રણેય બાળકોનો ઉછેર એકલા હાથે કર્યો.
એ પછી 2017માં ડાયરેક્ટરની પોસ્ટ પર સોમા મંડલને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જવાબદારી મળી. આ કંપનીમાં જોડાયા બાદ સોમા મંડલે કંપનીના બધા પ્લાન્ટ્સની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કંપનીના ગ્રોથને આગળ લઇ જવા માટે મહેનત કરવાનું શરૂ કર્યું. સોમા મંડલની મહેનત રંગ લાવી અને કંપનીનો ગ્રોથ સતત વધતો ગયો. એમની લીડરશિપમાં ‘સેઇલ’ની રેવન્યુ 50 ટકા વધીને 1.03 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે થઇ ગઇ હતી. 2021-22માં કંપનીનો પ્રોફિટ વધીને 120 અબજ રૂપિયા થઇ ગયો છે. નવાઇની વાત તો એ છે કે સોમા મંડલે ઘડેલી કંપનીની પોલિસીને કારણે કંપની સેલ્સ વોલ્યુમમાં કોઇ ફર્ક પડ્યો નહીં. કોવિડ મહામારીમાં ચોમેર આર્થિક તંગીનું મોજું ફરી વળ્યું હતું એવી સ્થિતિમાં પણ કંપનીનું સેલ્સ વોલ્યુમ ઘટ્યું નહોતું.
‘દરેક યુવતીએ સપનાં જોતાં શીખવું જોઇએ’
સોમા મંડલનું કહેવું છે કે, આ પદ સુધી પહોંચવામાં મને અનેક તકલીફો પડી છે, પરંતુ મહિલા સશક્તિકરણ માટે આ જરૂરી છે. આજની મહિલા પુરુષ કરે છે એ દરેક કામ કરવાનું સાહસ - જુસ્સો ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા રહેલી જ છે, તેથી દરેક યુવતીઓએ મોટાં સપનાં જોતાં શીખવું જોઇએ. ઘણી એવી યુવતીઓ છે જે અભ્યાસને પૂર્ણ કરવાને બદલે અધવચ્ચેથી ડ્રોપઆઉટ લઇ લે છે, જેથી તેઓ પોતાની કરિયર બનાવી શકતી નથી. ડ્રોપઆઉટને કારણે ભારતમાં અનેક મહિલાઓ કોર્પોરેટ જગતમાં ટોપ પર પહોંચી શકતી નથી. હવે સમય બદલાઇ રહ્યો છે. ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થશે એવી શક્યતાઓ દેખાઇ રહી છે. ઘણી એવી મહિલાઓ પણ છે જે કોર્પોરેટ જગતમાં ડગ માંડે છે પરંતુ પછી લગ્ન, બાળકો અને બાળકોના ઉચ્ચ અભ્યાસને લઇને તેમની સામે મુશ્કેલી ઊભી થાય છે. પરિણામે તે પીછેહઠ કરી દે છે.
‘સમસ્યા છતાં મક્કમતા સાથે આગળ વધી’
સોમા મંડલ પોતાની કરિયરની વાત કરતાં કહે છે કે, સિંગલ મધર તરીકે ત્રણ બાળકોની જવાબદારીને નિભાવવાની સાથે હું મારી કરિયર બનાવવામાં સફળ રહી છું. સ્ટીલ સેક્ટર જેવા પુરુષપ્રધાન ક્ષેત્રમાં કોમ્પિટિશન કરતી વખતે સમસ્યાઓ તો હતી પરંતુ હિંમત હાર્યા વગર મક્કમ મન સાથે આગળ વધતી ગઇ. પરિણામે આજે હું આ સ્થાને પહોંચી શકી છું. કોઇ પણ ક્ષેત્ર હોય એમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ તો આવવાની જ છે. તેનાથી હારી જવાને બદલે તેનો સામનો કરવામાં આવે તો અને તો જ સફળતા સાંપડતી હોય છે એવું મારું માનવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter