સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતી મહિલાઓ સતત સરખામણી કરતી હોવાથી વધુ તણાવ અનુભવે છે

Saturday 26th November 2022 04:14 EST
 
 

વોશિંગ્ટન: સોશિયલ મીડિયામાં દરેક વસ્તુઓ પળવારમાં વાઈરલ થઇ જાય છે. આના લાભ છે તો ગેરલાભ પણ છે. મહિલાઓ કેન્દ્રીત એક અભ્યાસનું તારણ કહે છે કે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી મહિલાઓમાં તણાવ વધે છે. આમાં પણ માતૃત્વ અને પેરેન્ટિંગને લઇને જે માતાઓ સોશિયલ મીડિયા પર વધુ કન્ટેન્ટ જુએ છે તેઓ વધુ તણાવનો શિકાર બનતી હોવાનું અભ્યાસમાં જણાયું છે. નિષ્ણાતોના મતે આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી બાદ માતા પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને બીજા સાથે સતત તુલના કરતી રહે છે.
‘બાયોલોજિકલ સાઇકોલોજી’માં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર, તુલનાને કારણે માતાઓ પોતાના અંગે એક નકારાત્મક ધારણા બનાવી લે છે. જેનાથી તેઓમાં ડર અને અસલામતીની ભાવના પેદા થાય છે. પરિણામે શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનો વધુ સ્ત્રાવ થાય છે. સોશિયલ સેલ્ફ પ્રિઝર્વેશન થિયરી અનુસાર જ્યારે કોઇ સામાજિક સ્થિતિને કારણે વ્યક્તિ પોતાના પરથી ભરોસો ગુમાવી બેસે છે તો હાઇપોથેલેમિક પિટ્યૂટરી એડ્રિનલ એક્સિસ સક્રિય થાય છે.
સંશોધકોએ આ માટે 34 વર્ષની કેટલીક મહિલાઓ પર અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું કે તેઓ સપ્તાહમાં 6 દિવસ ઇન્ટરનેટ પર માતૃત્વથી સંબંધિત કન્ટેન્ટ જોવાનું જ પસંદ કરે છે. આ સરવે દરમિયાન દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવનારી મહિલાઓના સલાઇવાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેમાં કોર્ટિસોલનું વધુ સ્તર જોવા મળ્યું હતું. સંશોધકો અનુસાર માતાએ આ પ્રકારનું કન્ટેન્ટ ટાળવું જોઇએ.
નિષ્ણાતો કહે છે કે શરીરમાં વધુ માત્રામાં કોર્ટિસોલથી માતાના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તદુપરાંત વધુ કોર્ટિસોલ ધરાવતી માતાના સંતાનમાં પણ વધુ માત્રામાં કોર્ટિસોલ હોવાથી તેમના પર પણ નકારાત્મક અસર જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter