સૌમ્ય - શીતળ અને શાનદાર લૂક આપશે સફેદ રંગ

Wednesday 23rd March 2022 05:13 EDT
 
 

માર્ચ મહિનો એટલે હોળી-ધૂળેટી તેમજ રંગોનો તહેવારનો મહિનો ગણાય છે, પરંતુ આજે આપણે સફેદ રંગની વાત કરવી છે. સૌમ્યતા - શીતળતા અને શાનદાર દેખાવનો ત્રિવેણીસંગમ એટલે સફેદ રંગ. ભારતમાં તો ઉનાળાના દિવસો શરૂ થઇ ગયા છે એટલે સફેદ વસ્ત્રોનું પ્રાધાન્ય વધી રહ્યું છે, અને આપણા બ્રિટનમાં સમર શરૂ થશે એટલે સફેદીનો ચમકાર વધશે. જોકે દેશ કોઇ પણ હોય, સફેદ રંગના વસ્ત્રોની આન-બાન-શાન વ્યક્તિત્વને આગવો નિખાર આપે છે.
કોર્પોરેટમાં લોકપ્રિય
કોર્પોરેટ સેક્ટરમાં તો સફેદ રંગના વસ્ત્રો સોબર લૂક આપે છે. તે સિવાય સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી શાંત અને શીતળતાનો પણ અનુભવ થતો હોય છે. સફેદ પેન્ટ-શર્ટ - કોટ પહેરનાર યુવતીનો લૂક એકદમ અલગ જ લાગે છે. તો વળી, વેસ્ટર્ન ડ્રેસમાં તો વધારે આકર્ષક લાગે છે. મિલ્કી વ્હાઇટ કલરના આઉટફીટ ખરેખર ખૂબ જ આકર્ષક અને સોબર લૂક પ્રદાન કરે છે.
યુવતીઓની પહેલી પસંદ
સફેદ રંગના પોશાકમાં કોઈ પણ વ્યક્તિને જોતા જ આંખોને શીતળતાનો અનુભવ થાય છે. સફેદ રંગ તો શીતળ છે જ સાથે તે રંગના આઉટફીટ પહેરનાર પણ સુંદર લાગે છે. સમરમાં આ રંગના વસ્ત્રો પહેરવાથી તાપ ઓછો લાગે છે અને સાથે જ શરીર અને મનને હળવાશનો પણ અનુભવ થાય છે. સોબર અને સુંદર લૂક આપતા સફેદ રંગને યુવતીઓ ખૂબ પસંદ કરે છે. દરેક યુવતીના વોર્ડરોબમાં નજર નાખીએ તો એક બે જોડી સફેદ ડ્રેસ, કુર્તીઝ, ટી-શર્ટ્સ, ટોપ જરૂરથી જોવા મળશે જ.
ચિકન અને કોટન મટીરિયલ
સફેદ રંગમાં ચિકન અને કોટન મટીરિયલમાંથી બનતી કુર્તીઓ, ડ્રેસીસ, ટોપ સૌથી વધારે પસંદગીમાં રહેલા છે. ચિકન મટીરિયલમાંથી બનતા ફ્રોક અને સ્કર્ટ બંને આકર્ષણ ઊભાં કરે છે, જે ખૂબ જ એલિગન્ટ લૂક આપે છે. સફેદ ચિકનના સ્કર્ટની સાથે તમે કોઈ પણ ડાર્ક કલરનું ટી-શર્ટ્સ કે ટોપ પહેરી શકો છો. સફેદ ચિકનના ડ્રેસ પણ સૌથી વધારે આકર્ષક લાગે છે. હવે તો અન્ય મટીરિયલમાં પણ ચિકનની બોર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય પ્રોમ ઇવનીંગ ગાઉન કે પ્રોમ ડ્રેસમાં પણ ચિકન મટીરિયલનો ઉપયોગ થાય છે. ક્રોપ ટોપ કે શિફોનના ટોપમાં કે કોટનના કોઈ પણ આઉટફીટ સાથે પણ તેનું કોમ્બિનેસન રીચ લૂક આપે છે. હવે તો ચિકન મટીરિયલમાંથી પણ અનેક સ્ટાઇલના અને ડિઝાઈનના ટોપ અને કુર્તા મળે છે. જે જીન્સ કે લેગીંગ્સ પણ પહેરી શકાય છે.
સફેદ સાથે કોમ્બિનેશન
સફેદ ખાદીમાં પણ હવે ગોલ્ડન કોમ્બિનેશનની માંગ વધી ગઈ છે. તેના કારણે ખાદીના આઉટફીટમાં થોડી ઘણી બોર્ડર કે પ્રિન્ટ અને ડિઝાઈનને સ્થાન આપીને તે મુજબના મટીરિયલ અને કુર્તી બનાવવામાં આવે છે. યુવતીઓ સફેદ રંગમાં માત્ર ડ્રેસીસ કે કુર્તી જ નહીં પણ ફ્રોક, સ્કર્ટ, લોંગ ફ્રી સ્ટાઇલ કુર્તી, ઓફ શોલ્ડર પાર્ટીવેર ડ્રેસ, ટી શર્ટ્સ, ફ્રિલ ફ્રોક, લોંગ અને શોર્ટ સ્કર્ટ, પ્લાઝો, પેન્ટ્સ, ફોર્મલ, પેન્ટ, જીન્સ, કોટન જીન્સ પહેરવા પર પસંદગી ઉતારી રહી છે.
સફેદ રંગના ડ્રેસીસની સાથે તે જ રંગનો દુપટ્ટો અથવા તો બાંધણી કે મલ્ટીકલર કે ફ્લોરલ પ્રિન્ટનો દુપટ્ટો પહેરી શકાય છે. સફેદ રંગના ડ્રેસમાં લાઇટ કલરની ડિઝાઈન કરવામાં આવે છે. જેમાં પિંક, સ્કાયબ્લૂ, યલો અને ક્રીમ રંગ વધારે જોવા મળે છે. આ રંગથી કરેલી ડિઝાઈન ડ્રેસની બોર્ડર પર કે સ્લીવમાં કરવામાં આવેલું પ્રીન્ટેડ વર્ક, હેન્ડવર્ક પણ આકર્ષક લાગે છે. તો વળી સફેદ રંગના ટોપ કે કુર્તી સાથે તમે કોઈ પણ રંગના જીન્સ કે લેગીંગ્સ પહેરી શકો છો.
હેવી વર્કથી શોભે
કેટલીક શિફોન, લિઝીવીઝી કુર્તી અને ટોપમાં સફેદ રંગના જ મોતી, સ્ટોન અને ડાયમંડથી હેવી વર્ક અને સિકવન્સ જોવા મળે છે. સફેદ રંગના આવા પ્રકારના આઉટફીટમાં તે જ પ્રકારનું હેવી વર્ક એક જ કલરનું હોવા છતાંય રીચ લૂક આપે છે. આ પ્રકારના આઉટફીટમાં કુર્તી કે ટોપ થ્રી ફોર્થ સ્લીવ, હાફ સ્લીવ કે ફુલ સ્લીવના હોય તો પણ સુંદર લાગે છે. કારણ કે વર્કમાં ગળાની ડિઝાઈન અને સ્લિવને ખાસ કવર કરવામાં આવે છે.
વેસ્ટર્ન આઉટફીટ પણ નિખારે
જીન્સ, ફોર્મલ પેન્ટ, સ્કર્ટ, ટોપ, ફ્રોક, શોર્ટ ફ્રોક, ફિલ ફ્રોક, પાર્ટીવેર, વેસ્ટર્ન ડ્રેસ, શર્ટ્સ, ટી-શર્ટ્, લોન્ગ કે શોર્ટ સ્કર્ટ, ઓવરકોટ, લોન્ગ અને શોર્ટ સ્લગ, જેકેટ વગેરેમાં પણ હવે સફેદ રંગ ખૂબ લોકપ્રિય છે. કોઈ પણ કોમ્બિનેશનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગના જીન્સ કે સ્કર્ટ સાથે કોઇ પણ ડાર્ક કે લાઇટ કલરનું ટોપ કે ટી-શર્ટ્સ શોભે છે. તે ઉપરાંત સંપૂર્ણ સફેદ આઉટફીટ તો સૌથી વધારે આકર્ષક લૂક આપે છે. પછી તે જીન્સ ટોપ કે ઓવર કોટ કે જેકેટ જ કેમ ન હોય?
સાડીને આગવો ઓપ
ઉનાળામાં સફેદ રંગના પોશાક સાથે દરેક પ્રકારની સ્લીવ તમને અનુકૂળ અને આરામદાયક રહેશે અને ખાસ તો સાડીમાં બ્લાઉઝની સાથે તેનો પ્રયોગ વધારે કરવામાં આવે છે.
સાડીમાં સફેદ રંગમાં તમને ઘણી નવીનતા જોવા મળશે. જેમાં સફેદ રંગનું જ જરદોશી વર્ક અને ડાયમંડ વર્ક હોય છે, તે સિવાય કોટન સાડીમાં તમને ચિકન મટીરિયલની લેસની બોર્ડર પણ હેવી લૂક આપે છે. જેમાં બ્લાઉઝમાં બાંય તરીકે ફક્ત ચિકન મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. વળી, નેટની સફેદ સાડી તો તમને ચાંદની જેવો લૂક પ્રદાન કરશે.
કોટન અને શિફોન મટીરિયલની સાડીમાં લાઇટ કલરની ફ્લોરલ પ્રિન્ટ તમને વધારે જોઈ શકો છો. આ પ્રકારની લાઇટ કલરની નેટની સાડીમાં આપણે ઘણી વાર હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી વર્ક પણ જોવા મળે છે. બધા કરતા અલગ દખાય છે તો વળી, આખી લેસમાંથી પણ સાડી બનાવવામાં આવે છે. જેમાં ડાર્ક બોર્ડરનું કોમ્બિનેશન ખાસ જાળવવામાં આવે છે.
તો હવે સમર નજીક આવી રહ્યો છે ત્યારે સફેદ રંગથી તમારા વોર્ડરોબને સજાવી દો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter