સ્કિનને નરમ મુલાયમ રાખવા કરો આટલું

Monday 23rd March 2020 06:28 EDT
 
 

ત્વચા નરમ અને મુલાયમ રહે તે માટે આમ તો ક્રીમ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ સતત કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત કેટલીક તમારા આસપાસમાં જ એવી ચીજો કે તેના મિશ્રણથી પણ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરી શકાય છે. આ માટેની કેટલીક ટિપ્સ અહીં આપેલી છે જેના ઉપયોગથી તમારી ત્વચાને મહેકતી અને આકર્ષક રાખી શકશો.

• અડધી વાટકી એલોવેરા જેલ, બે ટી સ્પૂન ગ્લિસિરિન અને એક વાટકા જેટલું ગુલાબજળ લઈ અને ત્રણેયનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી દો. રોજ નહાઈને આ મિશ્રણ શરીરે લગાવો. તેનાથી તમારી સ્કિન સોફ્ટ રહેશે.

• નાળિયેરનું પાણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે તેથી નાળિયેરના પાણીને એક બોટલમાં ભરી લેવું. આ પાણી ફ્રેશ રહે તે માટે તેમાં એક લવિંગ નાંખી રાખવું. નહાઈને આ પાણી શરીર પર લગાવવું આ ઉપરાંત જ્યારે પણ ફ્રેશ થવું હોય ત્યારે દિવસમાં આ પાણી ફેસ પર છાંટી લેવું.

• બે ગ્લાસ પાણીમાં તુલસી, ફૂદીના અને લીમડાના વીસ વીસ પાન ઉકાળો. પાણી એક ગ્લાસ જેટલું રહે ત્યાં સુધી ઉકાળો. આ મિશ્રણ ઠંડુ થાય પછી એને એક ગ્લાસ ગુલાબજળ અને એક ચમચો એલોવેરા જેલમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. દિવસે અને રાત્રે નહાઈને આ મિશ્રણ ત્વચા પર લગાવો.

• જો તમને વધુ પડતી પરસેવાની સમસ્‍યા સતાવતી હોય અને તેના લીધે સતત તમને ખંજવાળ આવતી હોય તો ગુલાબ, સૂરજમુખી કે હજારીગોટાના ફૂલ અથવા પાનને બે ગ્લાસ પાણીમાં ઉકાળો. આ મિશ્રણ અડધું થાય ત્યાં સુધી મિશ્રણને ઉકાળો. આ પાણીમાં બે ચમચી ગ્લિસિરિન નાંખો અને મિશ્રણને બરાબર મિક્સ કરીને બોટલમાં ભરી દો. નહાઈને આ મિશ્રણ શરીરે લગાવો

• સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ કે શાકભાજીની છાલ કે છોતરાં ફેંકી દેતા હોઈએ છીએ. લીંબુ, નારંગી, મોસંબી, કેળા, તરબૂચ, પપૈયા, બટાકાના છાલ કે છોતરાં ફેંકી દેવાના બદલે તેને મિક્સરમાં ક્રશ કરી નાંખો. જો આ મિશ્રણ એક ગ્લાસ જેટલું હોય તો ત્રણ ગ્લાસ પાણી લો. ક્રશ કરેલું મિશ્રણ અને ત્રણેક લવિંગનો ભૂકો પાણીમાં નાંખીને ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. આ પાણી ઠંડું થાય પછી એમાં બે ચમચી ગ્લિસરિન નાંખીને મિક્સ કરો રોજ નહાઈને આ મિશ્રણ શરીરે લગાવવાથી સ્કિન સ્મૂધ રહેશે.

• બે ગ્લાસ પાણીમાં બે ચમચા ગ્રીન ટી અને બે ગુલાબની પાંખડીઓ ઉકાળો. પાણી ઉકળીને અડધું રહે ત્યાં સુધી ઉકળવા દો. એ પછી મિશ્રણને ઠંડું પાડો અને એક શીશીમાં ભરી દો. આ મિશ્રણ દિવસમાં ઓછામાં ઓછું એક વખત શરીર પર લગાવો.

• તમારા પગની ત્વચા જો રૂક્ષ હોય તો હૂંફાળા પાણીમાં પા ચમચી ડેટોલ નાંખીને દસ મિનિટ માટે પગને બોળી રાખો. એ પછી પગને લૂછીને એના ઉપર એલોવેરા જેલ લગાવો.

• જો તમારી ત્વચાને બહારના પરફ્યુમ કે સ્પ્રેની એલર્જી હોય અને તમને મોગરા, જાસૂદ, ગુલાબ, ચંપા કે સૂર્યમુખીની સુગંધ પસંદ હોય તો તમે જાતે સ્પ્રે બનાવી શકો છો. આ માટે ફૂલ અને તેના પાંદડાને એક સાથે વાટી લો. ત્રણેક ચમચા જેટલું મિશ્રણ બનવું જરૂરી છે. એ પછી ત્રણેક ગ્લાસ પાણીમાં બે લવિંગ અને મિશ્રણને ઉકાળી લો. મિશ્રણ અડધું રહે એટલું ઉકાળો. આ મિશ્રણ ઠંડુ પાડીને સ્પ્રેની બોટલમાં ભરી લો. જરૂર પડે ત્યારે સ્પ્રેની જેમ તેને છાંટી શકાય છે જે ત્વચા માટે સારું રહેશે અને તમે ફ્રેશ ફિલ કરશો.

• જો તમારી સ્કીન વધુ પડતી સેન્સેટિવ હોય તો ક્લિન્ઝિંગ ક્રીમના સ્‍થાને બેબી ઓઈલ વાપરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter