સ્કીન કેર અને હેર કેરમાં SPFનું આગવું મહત્ત્વ

બ્યૂટી મંત્ર

Saturday 05th July 2025 09:20 EDT
 
 

આપણી ત્વચા અને વાળના જતનમાં SPF અને UVA તથા UVB મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ તો આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે, પરંતુ આ પરિબળો કઇ રીતે મહત્ત્વના છે તે આજે આપણે જાણીએ. સૌથી પહેલાં SPF વિશે જાણીએ.

SPF એટલે એટલે સન પ્રોટેક્શન ફેક્ટર જે ત્વચાને સૂર્યનાં નુકસાનકારક કિરણોથી રક્ષણ આપે છે. ઉનાળાના કઠોર તાપમાં ત્વચા અને વાળ બન્નેને યુવી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોથી રક્ષણ આપવું ખૂબ જરૂરી છે, અને SPF એ માટેની મહત્ત્વપૂર્ણ કડી છે.
પરંતુ આ SPF શું કામ કરે છે?
સૂર્યના કિરણોમાં UVA (અલ્ટ્રાવાયોલેટ-એ) - UVB (અલ્ટ્રાવાયોલેટ-બી) નામના બે પ્રકારના તાપકિરણો હોય છે. UVA કિરણો ત્વચાને ઝડપથી વૃદ્ધ બનાવી શકે છે. જ્યારે UVB કિરણો સનબર્ન અને ત્વચા કેન્સર સુધીની સમસ્યા ઊભી કરી શકે છે. જ્યારે SPF ક્રીમ કે લોશન ત્વચા પર એક રક્ષણાત્મક પડ બનાવે છે, જે આ યુવીએ કિરણોને શરીરમાં ઉતરવા દેતું નથી.

SPF ત્વચા માટે કેમ મહત્ત્વપૂર્ણ?
સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ) ત્વચાને સનટેન અને સનબર્નથી બચાવે છે. ત્વચાની વૃદ્ધિની પ્રક્રિયાને ધીમી કરે છે. કાળા ધબ્બા અને ડાઘ થતાં રોકે છે. ત્વચાને ચમકદાર અને તંદુરસ્ત બનાવે છે. દરરોજ SPF 30 અથવા તેથી વધુ SPF ધરાવતું સનસ્ક્રીન લગાવવું યોગ્ય રહે છે.
SPF વાળ માટે કેમ જરૂરી?
મોટાભાગના લોકો એવું વિચારતા હશે કે SPF ફક્ત ત્વચા માટે જ છે પણ ખરેખર તો, અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળની પ્રાકૃતિક નમી શોષી લે છે. આથી વાળ સૂકા, બરછટ અને બેજાન લાગે છે. એમાં પણ કલર કરેલા વાળ વધુ ઝડપથી ફિક્કા પડી શકે છે. SPF ધરાવતું હેર સિરમ કે સ્પ્રે વાળને સુક્ષિત રાખે છે અને તેનું ટેક્સ્ચર સુધારે છે.
SPF પ્રોડક્ટ વાપરતી વખતે આટલી કાળજી લો
• બહાર નીકળવાના ઓછામાં ઓછા 20 મિનિટ પહેલા લગાવો. • દર 2-3 કલાકે ફરી લગાવો, ખાસ કરીને તીવ્ર ગરમીના દિવસોમાં. • જો તમે પાણીમાં જાઓ છો તો ‘વોટર રેસિસ્ટન્ટ’ SPF પ્રોડક્ટ પસંદ કરો. અને છેલ્લું, SPF એ ઉનાળાના દિવસોની દિનચર્યામાં એક નાનું પણ અસરકારક પગલું છે, જે તમને ત્વચા પર થતી કરચલીઓ અને વાળને થતા નુકસાનથી બચાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter