સ્કોટલેન્ડમાં તમામ સેનિટરી પ્રોડક્ટ વિનામૂલ્યે

Saturday 05th December 2020 06:07 EST
 
 

લંડનઃ સ્કોટલેન્ડ દેશની તમામ વયજૂથની મહિલાઓને વિનામૂલ્યે અને સાર્વત્રિક રીતે સેનિટરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સંસદમાં તમામ ૧૨૧ સાંસદોએ સર્વાનુમતે આ ખરડાને મંજૂર કર્યો હતો. ચાર વર્ષ સુધી ચાલેલા અભિયાન બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કોટલેન્ડની સંસદે સર્વાનુમતે કાયદો ઘડીને આ વિશિષ્ટ પહેલ કરી છે. સંસદમાં પિરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર સ્કોટિશ સરકાર એક રાષ્ટ્રવ્યાપી યોજના હાથ ધરશે. જે અંતર્ગત સ્થાનિક સત્તાવાળાઓએ તમામ મહિલાઓને સેનિટરી પેડ્સ તથા ટેમ્પૂન જેવી પર્સનલ હાઈજિનની પ્રોડક્ટ વિનામૂલ્યે અને એકસમાન રીતે ઉપલબ્ધ કરાવવાની રહેશે.
આ કાયદાને પગલે દેશમાં તમામ જાહેર સ્થળો જેવા કે કોમ્યુનિટી સેન્ટર, યૂથ ક્લબ્સ તથા ફાર્મસી સહિતના સ્થળોએ પેડ તથા ટેમ્પૂન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનાં રહેશે. સરકાર ૨૦૨૨ સુધીમાં આ યોજનાના સંપૂર્ણ અમલ માટે ૮૭ લાખ પાઉન્ડનો ખર્ચ કરશે. શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓને પણ વિદ્યાર્થિનીઓ તથા મહિલા સ્ટાફને વિનામૂલ્યે પર્સનલ હાઇજિનની આ ચીજો ઉપલબ્ધ કરાવવાનો આદેશ અપાયો છે.
સ્કોટિશ હેલ્થ પ્રવક્તા અને આ ખરડો લાવનારા લેબર પાર્ટીના નેતા મોનિકા લેનને જણાવ્યું હતું. કે, ‘હવે જાહેરમાં પિરિયડ્ઝ વિશે, ચર્ચા થયા છે. આ એક મોટું પરિવર્તન છે. વર્ષો પહેલાં જાહેરમાં આ વિશે વાતચીત નહોતી થતી.’ તેમણે કહ્યું હતું કે આ યોજનાનો હેતુ તમામ મહિલાઓને પ્રાથમિક સેનિટરી પ્રોડક્ટ્સ સરળતાથી અને કોઈ ખર્ચ વિના ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવાનો છે.’ ઉલ્લેખનીય છે કે મોનિકા લેનને જ ગત એપ્રિલ ૨૦૧૯માં સંસદમાં આ ખરડો રજૂ કર્યો હતો. મોનિકા લેનનનું કહેવું છે કે આ કાયદાને પગલે મહિલાઓની જિંદગીમાં બહુ મોટું વિધેતાયાત્મક પરિવર્તન આવશે. આ બાબતે સામુદાયિક જાગૃતિ પણ વધી છે અને આ પગલાં દ્વારા દરેક મહિલાને નિઃસંકોચ રીતે માસિક ધર્મમાંથી પસાર થવાની તક મળશે.
હજુ થોડા સમય પહેલાં આ બાબતે જાહેર ચર્ચા થઈ શક્તી ન હતી. જોકે હવે જાગૃતિના પરિણામે સંસદસભ્યો પણ આ પહેલનો ભાગ બનવામાં ગૌરવ અનુભવી રહ્યા છે એમ તેમણે કહ્યું હતું. માત્ર સ્કોટલેન્ડ જ નહીં, પરંતુ સમગ્ર યુરોપમાં મહિલા જૂથોએ આ કાયદાને આવકાર્યો છે. ૨૦૧૭ના એક સર્વેક્ષણ અનુસાર ૧૦ ટકા કિશોરીઓ પ્રાથમિક પિરિયડ પ્રોડક્ટથી વંચિત રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter