સ્ટાઇલ મંત્રઃ પગને નિખારતી પાયલ

Saturday 10th December 2022 04:48 EST
 
 

દુલ્હનના શ્રૃંગારમાં ઘરેણાંનું બહુ મહત્ત્વ હોય છે. માથાથી પગ સુધી અલગ અલગ જગ્યાએ પહેરવામાં આવતાં તમામ ઘરેણાંનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તમામ ઘરેણાંની જેમ પાયલનું દુલ્હનના શ્રૃંગારમાં આગવું સ્થાન છે. હાલના આધુનિક સમયમાં યુવતીઓ પરંપરાગત અંદાજની સાથે કમ્ફર્ટને વિશેષ પ્રાધાન્ય આપે છે. આ કારણે યુવતીઓ ભારે પાયલને બદલે હળવી ડિઝાઇનવાળી પાયલ વધારે પસંદ કરતી થઇ ગઇ છે. હળવી ડિઝાઇનવાળી પાયલની કેટલીક ડિઝાઇન તો બ્રાઇડલ ગેટઅપ સાથે પણ બહુ સરસ લાગે છે. માર્કેટમાં મળતી ચાંદીની અને આર્ટિફિશિયલ પાયલમાંથી તમારી જરૂરત પ્રમાણે પસંદગી કરી શકો છો.
• લેયર પાયલ: લેયરવાળી પાયલની સ્ટાઇલમાં લાઇટ અને હેવી એમ બંને વિકલ્પો મળે છે. આ સ્ટાઇલ દેખાવમાં તો ટ્રેન્ડી લાગે જ છે પણ સાથે બ્રાઇડલ લહેંગા સાથે પગની શોભા પણ વધારે છે. લેયરવાળી પાયલમાં મોતી, કુંદન અને મીના વર્ક કરી શકાય છે જેના કારણે એને બ્રાઇડલ લહેંગા સાથે સરળતાથી મેચ કરી શકાય છે. આર્ટિફિશિયલ જ્વેલરીના કલેક્શનમાં આવી પાયલ એકદમ વાજબી કિંમતે મળી રહે છે.
• ચેઇન પાયલ: માર્કેટમાં ચેઇનવાળી પાયલના અનેક વિકલ્પ મળી આવશે. એ પગમાં અટવાતી નથી. વળી, આવી પાયલ લુકમાં ભલે હેવી દેખાતી હોય, પરંતુ પહેરવામાં એકદમ લાઇટ વેઇટ હોય છે.
• ઘુંઘરું પાયલ: ઘુંઘરુંવાળી પાયલમાં ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંને પ્રકારની સ્ટાઇલ જોવા મળે છે અને મરજી તથા અનુકૂળતા પ્રમાણે સ્ટાઇલની પસંદગી કરી શકાય છે. આ ઘુંઘરુંવાળી પાયલને બ્રાઇડલ લહેંગા સિવાય સાડી અથવા તો સલવાર સૂટ સાથે પણ પહેરી શકાય છે. લેયરવાળી પાયલ કરતાં આવી આર્ટિફિશિયલ પાયલ પ્રમાણમાં સસ્તી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter