સ્ટાઇલ મંત્રઃ પર્લ જ્વેલરી હવે બની છે પહેલી પસંદ

Saturday 24th February 2024 06:35 EST
 
 

ફેશનની દુનિયાની જેમ જેમ આધુનિકાઓની પસંદગીમાં પણ પરિવર્તન આવતું રહે છે. ફેશનપ્રિય યુવતીઓ ટ્રેડિશનલ પોશાકને આકર્ષક લુક આપવા માટે હેવી જ્વેલરીને બદલે લાઇટ જ્વેલરી અને એમાં પણ ખાસ કરીને પર્લ જ્વેલરી વિશેષ પસંદ પડી રહી છે. પર્લ જ્વેલરી રોયલ લુક આપે છે. પર્લ જ્વેલરીની સૌથી સારી વિશેષતા એ છે કે તેને કોઈપણ ભારતીય અને પશ્ચિમી આઉટફિટ સાથે પહેરી શકાય છે.
• પર્લ સ્ટડેડ નેકલેસઃ પર્લ જ્વેલરી કલેક્શનમાં સૌથી નાજુક - આકર્ષક જ્વેલરી પર્લ સ્ટડેડ નેકલેસ છે. આવા નેકલેસ સેમિનાર, કોન્ફરન્સ અને પાર્ટીમાં સરળતાથી પહેરી શકાય છે. આ નેકલેસને હેવી પાર્ટીવેર ડ્રેસ સાથે પણ પહેરી શકાય છે. પર્લ સ્ટડેડ નેકલેસ ટ્રેડિશનલ લુકને કમ્પલિટ કરી શકે છે.
• મોતી ચોકરઃ મોતીથી બનેલા ચોકર્સ અને કોલર નેકલેસ ફક્ત ખાસ પ્રસંગોએ જ પહેરવામાં આવે છે. આ સ્ટાઇલ પ્લગિંગ નેકલાઇન અને ઓફ શોલ્ડર ડ્રેસ સાથે વધુ આકર્ષક લાગે છે. આ એકદમ હેવી લાગે છે પણ રોયલ લુક આપે છે. એને બનારસી સાડી અને લહેંગા સાથે પહેરી શકાય છે.
• ઓપેરા નેકલેસઃ મોતીના બનેલા ઓપેરા નેકલેસ લૂકમાં એકદમ ગ્લેમરસ અને ટ્રેન્ડી લાગે છે. આ નેકલેસ ફેશનેબલ અને ખૂબસૂરત દેખાવ આપે છે. આ સ્ટાઇલ ફોર્મલ વસ્ત્રો સાથે સારી લાગે છે. કોઈ નાના ફંકશનમાં પણ તેને પહેરી આકર્ષણનું કેન્દ્ર બની શકાય છે.
• મલ્ટિપલ પર્લ નેકલેસઃ જો તમને હેવી વર્ક જ્વેલરી પહેરવી ગમતી હોય તો તમે મલ્ટી-લેયર સેટ પસંદ કરી શકો છો. તે કોઈક મોટા અને ખાસ પ્રસંગે પહેરવામાં આવે છે. મલ્ટી-લેયર જ્વેલરીને સાદી સાડી અથવા સૂટ સાથે પહેરવામાં આવે તો એ અત્યંત સુંદર દેખાય છે. તે ખૂબ જ આકર્ષક અને રોયલ લુક આપે છે.
• મોતી કુંદન નેકલેસઃ આજકાલ ડબલ નેકલેસનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. પર્લ કુંદન સેટ તેમાંથી એક છે. આ સેટ પર્લ અને કુંદનને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ સેટ સાડી, લહેંગા અને શરારા જેવા ભારે વસ્ત્રો સાથે બહુ સરસ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter